સ્કીપ ટુ કન્ટેન્ટ

પાદરીને સવાલનો જવાબ મળ્યો

પાદરીને સવાલનો જવાબ મળ્યો

એલિસાબહેન એક યહોવાના સાક્ષી છે. એક વખત તે એક સ્ત્રીનો બાઇબલ અભ્યાસ ચલાવતા હતા ત્યારે અચાનક એ સ્ત્રીના ઘરે મહેમાન આવ્યા. તે પાદરી અને તેમના પત્ની હતા. એલિસાબહેન જાણતા હતા કે અમુક સમય પહેલાં જ એ યુગલનો એકનો એક દીકરો ગુજરી ગયો હતો.

એલિસાબહેને કહ્યું કે તેમના દીકરા વિશે સાંભળીને તેમને ઘણું દુઃખ થયું. ત્યારે તેઓ પોક મૂકીને રડવા લાગ્યા. પાદરીએ ગુસ્સામાં આવીને કહ્યું: “ઈશ્વરે એ બધું કેમ થવા દીધું? તેમણે કેમ મારા દીકરાને મારી પાસેથી લઈ લીધો? હું ૨૮ વર્ષથી તેમની સેવા કરી રહ્યો છું. મેં તેમના માટે કેટલું બધું કર્યું છે અને તેમણે મારી સાથે આવું કર્યું? ઈશ્વરે મારા દીકરાને કેમ મારી નાખ્યો?”

એલિસાબહેને સમજાવ્યું કે ઈશ્વરે તેમના દીકરાને છીનવી લીધો નથી. તેમણે ઈસુના બલિદાન વિશે અને ગુજરી ગયેલાઓને ફરીથી જીવતા કરવાની આશા વિશે જણાવ્યું. તેમણે એ પણ જણાવ્યું કે ઈશ્વર કેમ એ બધી દુઃખ-તકલીફો ચાલવા દે છે. પછી પાદરી અને તેમની પત્નીએ જણાવ્યું કે એલિસાબહેને એ સવાલોના જવાબ આપ્યા છે, જેના વિશે તેઓ પ્રાર્થના કરતા હતા.

એ પછીના અઠવાડિયામાં પાદરી અને તેમના પત્ની ફરી એ સ્ત્રીના ઘરે આવ્યા. એ સમયે એલિસાબહેન એ સ્ત્રી સાથે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકમાંથી “તમારા ગુજરી ગયેલા ફરી જીવતા થશે!” પાઠની ચર્ચા કરી રહ્યાં હતાં. પાદરી અને તેમના પત્ની એ અભ્યાસમાં બેઠાં અને તેઓએ જવાબ પણ આપ્યા.

થોડા સમય પછી તેઓ યહોવાના સાક્ષીઓના એક ખાસ સંમેલનમાં ગયા. એ જોર્જિયાના તિબ્લિસી શહેરમાં થયું હતું. એ ભાઈ-બહેનો વચ્ચે પ્રેમ અને એકતા જોઈને તેઓને ખૂબ જ સારું લાગ્યું. તેઓ વર્ષોથી પ્રયત્નો કરતા કે એવો પ્રેમ અને એકતા ચર્ચના લોકો વચ્ચે પણ હોય, પણ તેઓ નિષ્ફળ ગયા હતા.