સ્કીપ ટુ કન્ટેન્ટ

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

એક યુવતીને ઈશ્વરમાં રસ ન હતો અને તે ઊંચા પગારની નોકરી કરતી હતી. તેને કઈ રીતે જીવવાનું સાચું કારણ મળ્યું? મરણ વિશેની હકીકત જાણીને એક કૅથલિક યુવાને કઈ રીતે પોતાનું જીવન બદલ્યું? એક યુવાન જીવનથી હતાશ થઈ ગયો હતો. ઈશ્વર વિશે જાણીને તેને કઈ રીતે ઈશ્વરભક્ત બનવા પ્રેરણા મળી? ચાલો, તેઓ વિશે જોઈએ.

“હું હંમેશાં પૂછતી, ‘આપણે કેમ જીવીએ છીએ?’”—રોઝાલિન્ડ જૉન

  • જન્મ: ૧૯૬૩

  • દેશ: બ્રિટન

  • ભૂતકાળ: ઊંચા પગારની નોકરીથી સંતુષ્ટ

મારા વિશે:

મારો જન્મ દક્ષિણ લંડનના એક નગરમાં થયો હતો. કુટુંબમાં અમે નવ બાળકો હતાં, જેમાં મારો નંબર છઠ્ઠો હતો. મારાં મમ્મી-પપ્પા મૂળ કૅરિબિયન ટાપુનાં હતાં. મમ્મી મેથોડિસ્ટ ચર્ચમાં જતી. મને ભગવાનમાં જરાય રસ ન હતો, પણ મને ભણવું અને નવી નવી વાતો શીખવી બહુ ગમતું. મારું મોટા ભાગનું વેકેશન ઘરની નજીકમાં આવેલા તળાવને કિનારે પસાર થતું. હું લાઇબ્રેરીમાંથી પુસ્તકો લઈ આવતી અને તળાવને કિનારે બેસીને વાંચતી.

સ્કૂલનું ભણવાનું પત્યું એનાં થોડાં વર્ષો પછી મને ઇચ્છા થઈ કે હું ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરું. હું ઘરબાર વગરના, વિકલાંગ અને વાંચવા-લખવામાં તકલીફ હોય એવા લોકોને મદદ કરવા લાગી. પછી મેં યુનિવર્સિટીમાંથી સ્વાસ્થ્ય વિશે એક કોર્સ કર્યો. એ કોર્સ પછી મને મોટી મોટી નોકરીઓ મળવા લાગી. મારો પગાર એટલો હતો કે હું મોંઘીદાટ વસ્તુઓ ખરીદી શકતી હતી. મારું કામ બીજાઓને સલાહ આપવાનું હતું. એટલે કામ માટે મને ફક્ત લેપટૉપ અને ઇન્ટરનેટની જ જરૂર હતી. અમુક અઠવાડિયાં માટે હું અલગ અલગ દેશોમાં ફરવા જતી. ત્યાં હું મારી મનગમતી હોટલમાં રોકાતી અને ત્યાંથી કામ કરતી. હું ત્યાંની સુંદર જગ્યાઓ જોવા જતી અને હોટલનાં સ્પા અને જિમનો આનંદ માણતી. મને લાગતું હતું કે આને જ જીવન કહેવાય. પણ ગરીબ અને દુખિયારા લોકો વિશે વિચારવાનું મેં કદી છોડ્યું ન હતું.

પવિત્ર શાસ્ત્રે કઈ રીતે મારું જીવન સુધાર્યું:

હું હંમેશાં પૂછતી, ‘આપણે કેમ જીવીએ છીએ?’ પણ મેં ક્યારેય એ સવાલનો જવાબ બાઇબલમાંથી શોધવાની કોશિશ કરી ન હતી. ૧૯૯૯ની આ વાત છે. એક દિવસ મારી નાની બહેન માર્ગરેટ અને તેની બહેનપણી મને મળવા આવ્યાં. મારી બહેન યહોવાની સાક્ષી બની હતી અને તેની બહેનપણી પણ સાક્ષી હતી. તેની બહેનપણીએ મારામાં ખૂબ રસ બતાવ્યો. ખબર નહિ કેમ, પણ હું તેની પાસેથી બાઇબલમાંથી શીખવા તૈયાર થઈ ગઈ. હું બહુ વ્યસ્ત રહેતી, એટલે મારી પ્રગતિ બહુ ધીમી હતી.

સાલ ૨૦૦૨માં હું ઇંગ્લૅન્ડના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં રહેવા ગઈ. ત્યાં મેં બીજી ડિગ્રી મેળવવા યુનિવર્સિટીમાં ભણવાનું શરૂ કર્યું. હું મારા દીકરા સાથે ત્યાંના પ્રાર્થનાઘરમાં જવા લાગી. મને ઉચ્ચ ભણતર ગમતું હતું, પણ બાઇબલની મદદથી હું મુશ્કેલીઓ પાછળનું કારણ અને એનો ઉકેલ કઈ રીતે લાવવો, એ સમજી શકી. મને અહેસાસ થયો કે માથ્થી ૬:૨૪માં લખેલા શબ્દો એકદમ સાચા છે, જ્યાં લખ્યું છે: “બે માલિકની ચાકરી કોઈ કરી શકતું નથી.” મારી પાસે બે વિકલ્પ હતા, ઈશ્વરને પસંદ કરું કે પછી ધનદોલતને. મારે નક્કી કરવાનું હતું કે મારા માટે મહત્ત્વનું શું છે.

સાલ ૨૦૦૧માં હું અમુક વાર યહોવાના સાક્ષીઓની એક સભામાં જતી, જે નાના નાના સમૂહોમાં યોજાતી હતી. ત્યાં તેઓ ઇઝ ધેર એ ક્રિએટર હુ કેર્સ અબાઉટ યુ? a પુસ્તકનો અભ્યાસ કરતા હતા. મને ખાતરી થઈ ગઈ કે ફક્ત આપણા સર્જનહાર યહોવા જ મનુષ્યોની મુશ્કેલીઓનો ઉકેલ લાવશે. યુનિવર્સિટીમાં શીખવવામાં આવતું કે આપણને સર્જનહારની કોઈ જરૂર નથી. એ સાંભળીને મને બહુ ગુસ્સો આવ્યો. ભણવાનું શરૂ કર્યાના બે મહિના પછી જ મેં યુનિવર્સિટી છોડી દીધી અને ઈશ્વરને ઓળખવા વધારે સમય વિતાવવાનું નક્કી કર્યું.

મારી જીવનઢબ બદલવા મને નીતિવચનો ૩:૫, ૬થી મદદ મળી. ત્યાં લખ્યું છે: “તારા પૂરા દિલથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેમની સલાહ સ્વીકાર અને તે તને ખરો માર્ગ બતાવશે.” ઈશ્વર વિશે શીખવાથી મને જે ખુશી મળી, એ પૈસા કે મોટી નોકરી કરતાં પણ વધારે હતી. જેમ જેમ હું પૃથ્વી માટે યહોવાના હેતુ વિશે અને ઈસુએ પોતાનો જીવ આપીને આપણા માટે જે કર્યું એ વિશે શીખતી ગઈ, તેમ તેમ આપણા સર્જનહારને જીવન સમર્પણ કરવાની મારી ઇચ્છા વધતી ગઈ. એપ્રિલ ૨૦૦૩માં મેં બાપ્તિસ્મા લીધું. પછી ધીરે ધીરે મેં જીવન સાદું બનાવ્યું, જેથી ઈશ્વરની ભક્તિ કરવા વધારે સમય આપી શકું.

મને કઈ રીતે ફાયદો થયો:

યહોવા સાથેની મારી મિત્રતાની તોલે બીજું કંઈ જ ન આવી શકે. તેમને ઓળખીને મને મનની શાંતિ અને અનેરી ખુશી મળી છે. યહોવાને પ્રેમ કરતા મિત્રો મેળવીને પણ હું બહુ ખુશ છું.

મને હજી પણ શીખવાનું ગમે છે. બાઇબલમાંથી અને સભાઓથી મને જે શીખવા મળે છે, એનાથી હું સંતુષ્ટ છું. મને ઈશ્વર વિશે બીજાઓને જણાવવાનું પણ ગમે છે. એ મારા જીવનમાં સૌથી મહત્ત્વનું બની ગયું છે, કારણ કે એનાથી હું લોકોને ખરેખર મદદ કરી શકું છું. હું તેઓને શીખવું છું કે અત્યારે મુશ્કેલી છતાં કઈ રીતે ખુશ રહેવું અને ભાવિમાં આપણને કેવું સરસ જીવન મળવાનું છે. જૂન ૨૦૦૮થી હું મોટા ભાગનો સમય લોકોને યહોવા વિશે જણાવવામાં વિતાવું છું. મારી ખુશીનો કોઈ પાર નથી. મને જીવન જીવવાનું સાચું કારણ મળ્યું છે અને એ માટે હું યહોવાનો દિલથી આભાર માનું છું.

“મિત્રના મરણે મને હલાવી નાખ્યો.”—રોમન આયરનેસબર્ગે

  • જન્મ: ૧૯૭૩

  • દેશ: ઑસ્ટ્રિયા

  • ભૂતકાળ: જુગારી

મારા વિશે:

મારો ઉછેર ઑસ્ટ્રિયાના એક નાનકડા શહેરમાં થયો હતો. અમારા વિસ્તારમાં અમીર લોકો રહેતા હતા અને ત્યાં ગુનાનું પ્રમાણ બહુ ઓછું હતું. મારું કુટુંબ કૅથલિક ધર્મ પાળતું હતું અને મને પણ એ જ શીખવવામાં આવ્યું હતું.

૧૯૮૪માં બનેલા એક બનાવે મને હચમચાવી નાખ્યો. એ વખતે હું આશરે ૧૧ વર્ષનો હતો. એક દિવસે હું મારા ખાસ મિત્ર સાથે ફૂટબોલ રમતો હતો. એ જ બપોરે એક કાર અકસ્માતમાં તેનું મરણ થયું. મિત્રના મરણે મને હલાવી નાખ્યો. એ બનાવનાં વર્ષો પછી પણ હું વિચારતો કે મરણ પછી આપણું શું થાય છે.

સ્કૂલ છોડ્યા પછી હું ઇલેક્ટ્રિકનું કામ કરવા લાગ્યો. હું જુગારી બની ગયો હતો અને મોટી રકમ દાવ પર લગાડતો હતો, પણ મને પૈસાની ખોટ ન હતી. હું રમતો રમવામાં ઘણો સમય વિતાવતો. મને હિંસક પ્રકારનું સંગીત ગમતું. ડિસ્કોમાં જવું અને પાર્ટી કરવી પણ ખૂબ ગમતું. હું રંગરેલિયા મનાવતો. હું સુખની શોધમાં ફાંફાં મારતો, પણ આખરે તો દુઃખ જ હાથ લાગતું.

પવિત્ર શાસ્ત્રે કઈ રીતે મારું જીવન સુધાર્યું:

૧૯૯૫માં એક વૃદ્ધ ભાઈએ મારા ઘરનો દરવાજો ખટખટાવ્યો. તે યહોવાના સાક્ષી હતા. તેમણે મને એક પુસ્તક બતાવ્યું, જેમાં આ સવાલનો બાઇબલમાંથી જવાબ આપ્યો હતો: મરણ પછી શું થાય છે? મારા મિત્રના મરણથી હું હજી દુઃખી હતો, એટલે મેં એ પુસ્તક લીધું. મેં ફક્ત મરણવાળો પાઠ જ નહિ, આખું પુસ્તક વાંચી નાખ્યું.

મેં જે વાંચ્યું એનાથી મને મરણ વિશેના મારા સવાલોના જવાબ મળ્યા. પણ હું એનાથી પણ વધારે શીખ્યો. મારો ઉછેર કૅથલિક તરીકે થયો હતો, એટલે મારા માટે ઈશ્વર કરતાં ઈસુ વધારે મહત્ત્વના હતા. પણ બાઇબલના અભ્યાસથી મને ઈસુના પિતા, એટલે કે યહોવા ઈશ્વર સાથે દોસ્તી કેળવવા મદદ મળી. મને એ જાણીને ખુશી થઈ કે યહોવાને આપણી ચિંતા છે અને તે ચાહે છે કે આપણે તેમને ઓળખીએ. (માથ્થી ૭:૭-૧૧) હું શીખ્યો કે આપણાં કામોથી યહોવા ખુશ થાય છે અથવા દુઃખી થાય છે. હું એ પણ શીખ્યો કે તે હંમેશાં પોતાનાં વચનો પાળે છે. એનાથી મને બાઇબલની ભવિષ્યવાણીઓમાં રસ જાગ્યો. મારે જાણવું હતું કે એ ભવિષ્યવાણીઓ કઈ રીતે પૂરી થઈ. હું જે શીખ્યો એનાથી ઈશ્વર પરની મારી શ્રદ્ધા વધારે મજબૂત થઈ.

મને તરત જ સમજાઈ ગયું કે ફક્ત યહોવાના સાક્ષીઓ જ બીજાઓને બાઇબલની વાતો સમજવા સાચા દિલથી મદદ કરે છે. હું તેઓનાં સાહિત્યમાં ટાંકેલી કલમો નોંધી લેતો અને પછી મારા કૅથલિક બાઇબલમાંથી એ વાંચતો. હું જેટલો વધારે ઊંડો ઊતરતો ગયો, એટલો વધારે મને ભરોસો થયો કે આ જ સાચું શિક્ષણ છે.

હું બાઇબલમાંથી શીખ્યો કે યહોવા ચાહે છે કે હું તેમના નિયમો પાળું. મેં એફેસીઓ ૪:૨૨-૨૪ વાંચી ત્યારે હું જોઈ શક્યો કે મારે ‘પહેલાંના વર્તન પ્રમાણેનો જૂનો સ્વભાવ’ કાઢી નાખવાની જરૂર છે અને “નવો સ્વભાવ” પહેરવાની જરૂર છે, ‘જે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે રચવામાં આવ્યો છે.’ એટલે મેં ગંદાં કામો છોડી દીધાં. હું જાણતો હતો કે મારે જુગાર રમવાનું છોડવું પડશે, કારણ કે એનાથી લોકો લાલચુ બને છે અને તેઓમાં પૈસાનો પ્રેમ જાગે છે. (૧ કોરીંથીઓ ૬:૯, ૧૦) હું એ પણ જાણતો હતો કે ફેરફારો કરવા જૂના મિત્રો છોડવા પડશે અને એવા મિત્રો બનાવવા પડશે, જેઓ પણ ઈશ્વરની કૃપા મેળવવા માંગે છે.

એ બધું એટલું સહેલું ન હતું. પણ હું યહોવાના સાક્ષીઓની સભાઓમાં જવા લાગ્યો અને ત્યાં મેં નવા નવા મિત્રો બનાવ્યા. એટલું જ નહિ, હું પોતાની રીતે પણ બાઇબલનો ખંતથી અભ્યાસ કરતો રહ્યો. એનાથી હું પૂરેપૂરો બદલાઈ ગયો. મેં પહેલાં જેવું હિંસક સંગીત સાંભળવાનું છોડી દીધું, મારા ધ્યેયો બદલ્યા અને મારાં કપડાંની સ્ટાઇલ પણ બદલી. ૧૯૯૫માં હું બાપ્તિસ્મા લઈને યહોવાનો સાક્ષી બન્યો.

મને કઈ રીતે ફાયદો થયો:

પહેલાં મારા માટે પૈસો પરમેશ્વર હતો, પણ હવે મારા માટે એનું એટલું મહત્ત્વ નથી. પહેલાં હું જલદી ગુસ્સે થઈ જતો, પણ હવે હું શાંત રહું છું. મને ભાવિની ચિંતા પણ સતાવતી નથી.

દુનિયાભરનાં મારાં ભાઈ-બહેનો સાથે મળીને યહોવાની ભક્તિ કરવામાં મને આનંદ મળે છે. તેઓમાં એવા લોકો પણ છે, જેઓ મુશ્કેલીઓ છતાં વફાદારીથી યહોવાની ભક્તિ કરે છે. હવે હું મારાં સમય અને શક્તિનો ઉપયોગ મારી ઇચ્છાઓ સંતોષવા નહિ, પણ યહોવાની ભક્તિમાં અને બીજાઓને મદદ કરવામાં વાપરું છું. એનાથી હું બહુ ખુશ છું.

“હવે મારું જીવન ખુશીઓથી ભરેલું છે.”—ઇયાન કિંગ

  • જન્મ: ૧૯૬૩

  • દેશ: ઇંગ્લૅન્ડ

  • ભૂતકાળ: જીવનથી હતાશ

મારા વિશે:

મારો જન્મ ઇંગ્લૅન્ડમાં થયો હતો, પણ હું સાત વર્ષનો હતો ત્યારે અમે ઑસ્ટ્રેલિયા રહેવા ગયા. અમે ક્વીન્ઝલૅન્ડ શહેરમાં રહેતા હતા, જ્યાં ઘણા લોકો વેકેશન માણવા આવે છે. અમારું કુટુંબ બહુ પૈસાદાર ન હતું, પણ અમને જે જોઈતું હતું, એ મળી રહેતું હતું.

ભલે મને જોઈતી વસ્તુઓ મળી જતી હતી, પણ હું ખુશ ન હતો. હું જીવનથી હતાશ થઈ ગયો હતો. મારા પિતા અતિશય દારૂ પીતા હતા. તેમની દારૂની લતના લીધે અને મારી મમ્મી સાથેના ખરાબ વર્તનના લીધે તે મને જરાય ગમતા ન હતા. બહુ પછીથી મને ખબર પડી કે પપ્પા જ્યારે મલેશિયાની સેનામાં હતા, ત્યારે તેમણે કેવું કેવું સહન કર્યું હતું. એ જાણ્યા પછી હું સમજી શક્યો કે તે એ રીતે કેમ વર્તતા હતા.

૧૫-૧૬ વર્ષની ઉંમરથી જ હું અતિશય દારૂ પીવા લાગ્યો. ૧૬ વર્ષની ઉંમરે હું નૌકાદળમાં જોડાયો. હું અલગ અલગ ડ્રગ્સ લેવા લાગ્યો અને તમાકુનો બંધાણી બની ગયો. હું દારૂ વગર રહી શકતો ન હતો. પહેલાં તો હું ફક્ત શનિ-રવિ ખૂબ દારૂ પીતો, પણ હવે એ રોજનું થઈ ગયું હતું.

હું વીસેક વર્ષનો હતો ત્યારે મને ઈશ્વરના અસ્તિત્વ વિશે શંકા થવા લાગી. હું વિચારતો: ‘જો ઈશ્વર સાચે જ હોય, તો કેમ લોકોએ દુઃખ સહેવું પડે છે અને મરવું પડે છે?’ મેં તો દુનિયામાં ચાલતી બૂરાઈ માટે ઈશ્વરને દોષ આપતી એક કવિતા પણ લખી હતી.

૨૩ વર્ષની ઉંમરે મેં નૌકાદળની નોકરી છોડી. પછી મેં અલગ અલગ નોકરીઓ કરી અને એક વર્ષ માટે વિદેશ પણ ગયો. પણ કશાથી મને રાહત ન મળી. મારા જીવનમાં કોઈ ધ્યેય ન હતો, મારે કંઈ જ કરવું ન હતું. ઘર, સારી નોકરી અને ઊંચો હોદ્દો, એ બધું મારે મન નકામું હતું. મને ફક્ત દારૂ પીવાથી અને સંગીત સાંભળવાથી જ સારું લાગતું હતું.

મને એ ઘડી હજી યાદ છે, જ્યારે મને જીવનનો હેતુ જાણવાની ઇચ્છા થઈ હતી. હું પોલૅન્ડમાં હતો અને આઉશવિટ્‌ઝમાં આવેલી જુલમી છાવણીની મુલાકાતે ગયો હતો. મેં ત્યાંના કરુણ બનાવો વિશે વાંચ્યું હતું. પણ જ્યારે હું ત્યાં ગયો અને મારી સગી આંખે એ વિશાળ છાવણી જોઈ, ત્યારે મારું દિલ કાંપી ઊઠ્યું. હું સમજી જ શકતો ન હતો કે એક માણસ કઈ રીતે બીજા માણસ પર આટલો જુલમ ગુજારી શકે. મને યાદ છે કે એ છાવણીની આજુબાજુ ચાલતો હતો ત્યારે મારી આંખોમાં આંસુ હતા અને મનમાં એક જ સવાલ હતો, ‘આવું કેમ થયું?’

પવિત્ર શાસ્ત્રે કઈ રીતે મારું જીવન સુધાર્યું:

૧૯૯૩માં ઑસ્ટ્રેલિયા પાછા આવ્યા બાદ હું મારા સવાલોના જવાબ શોધવા બાઇબલ વાંચવા લાગ્યો. થોડા જ સમય બાદ, બે યહોવાના સાક્ષીઓ મારા ઘરે આવ્યા અને મને સંમેલનમાં આવવાનું આમંત્રણ આપ્યું. એ સંમેલન નજીકના જ સ્ટેડિયમમાં થવાનું હતું. મેં ત્યાં જવાનું નક્કી કર્યું.

અમુક મહિનાઓ પહેલાં હું એ જ સ્ટેડિયમમાં એક રમત જોવા ગયો હતો, પણ આ સંમેલન એના કરતાં સાવ અલગ હતું. સાક્ષીઓ નમ્ર હતા અને તેઓએ સારાં કપડાં પહેર્યાં હતાં. તેઓનાં બાળકો પણ સરસ રીતે તૈયાર થયાં હતાં અને સારી રીતે વર્તતાં હતાં. પણ બપોરની રિસેસમાં મેં જોયું એનાથી મને ખૂબ નવાઈ લાગી. સેંકડો સાક્ષીઓ ઘાસ પર બેસીને જમી રહ્યા હતા, પણ જ્યારે તેઓ પોતપોતાની જગ્યાએ પાછા આવ્યા ત્યારે ઘાસ પર મને જરાય કચરો જોવા ન મળ્યો. સૌથી મહત્ત્વનું તો, તેઓ બધા જ ખુશ હતા અને હું એની જ તો શોધમાં હતો. મને એ દિવસનું એકેય પ્રવચન યાદ નથી, પણ સાક્ષીઓનું વર્તન હું કદી નહિ ભૂલું.

એ સાંજે મેં મારાં ફોઈના દીકરાનો વિચાર કર્યો. તેણે બાઇબલ વાંચ્યું હતું અને અલગ અલગ ધર્મોનો અભ્યાસ કર્યો હતો. વર્ષો પહેલાં તેણે મને આ વાત કહી હતી: ઈસુએ કહ્યું હતું કે તેમના ખરા શિષ્યોને તેઓનાં કાર્યોથી ઓળખી શકાશે. (માથ્થી ૭:૧૫-૨૦) મને થયું કે એક વાર જોઉં તો ખરો કે સાક્ષીઓ કઈ રીતે અલગ તરી આવે છે. જીવનમાં પહેલી વાર મને આશાનું કિરણ દેખાયું.

એ પછીના અઠવાડિયે એ બે સાક્ષી બહેનો પાછી આવી, જેઓએ મને સંમેલનનું આમંત્રણ આપ્યું હતું. તેઓએ મને બાઇબલમાંથી શીખવા પૂછ્યું અને મેં હા પાડી. હું તેઓ સાથે સભાઓમાં પણ જવા લાગ્યો.

હું જેમ જેમ બાઇબલમાંથી શીખતો ગયો, તેમ તેમ ઈશ્વર વિશેના મારા વિચારો બદલાતા ગયા. હું શીખ્યો કે બૂરાઈ અને દુઃખ-તકલીફો પાછળ ઈશ્વરનો હાથ નથી અને જ્યારે લોકો ખરાબ કામો કરે છે, ત્યારે તેમને દુઃખ થાય છે. (ઉત્પત્તિ ૬:૬; ગીતશાસ્ત્ર ૭૮:૪૦, ૪૧) મેં નક્કી કર્યું કે હું કદી યહોવાને દુઃખી નહિ કરું. મારે તેમનું દિલ ખુશ કરવું હતું. (નીતિવચનો ૨૭:૧૧) મેં વધુ પડતો દારૂ પીવાનું અને તમાકુનું સેવન છોડી દીધું. મેં ગંદાં કામો પણ છોડી દીધાં. માર્ચ ૧૯૯૪માં હું બાપ્તિસ્મા લઈને યહોવાનો સાક્ષી બન્યો.

મને કઈ રીતે ફાયદો થયો:

હવે હું સાચે જ ખુશ છું. મુશ્કેલીઓનો ઉકેલ લાવવા મને દારૂની જરૂર નથી. એના બદલે, હું મારો બોજો યહોવા પર નાખવાનું શીખ્યો છું.—ગીતશાસ્ત્ર ૫૫:૨૨.

મારા લગ્‍નને દસ વર્ષ થયા છે. હું, મારી પત્ની કેરન અને મારી સાવકી દીકરી નેલા, અમે સાથે મળીને લોકોને ઈશ્વરનો સંદેશો જણાવીએ છીએ. તેઓને ઈશ્વર વિશે શીખવવામાં અમને અનેરો આનંદ મળે છે. હવે મારું જીવન ખુશીઓથી ભરેલું છે.

a એ યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.