સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘તમે વધારે મૂલ્યવાન છો.’—માથ્થી ૧૦:૩૧

શું ઈશ્વર તમારા પર ધ્યાન આપે છે?

શું ઈશ્વર તમારા પર ધ્યાન આપે છે?

સૃષ્ટિમાંથી આપણને શું શીખવા મળે છે?

બાળકનો જન્મ થાય ત્યારે, શરૂઆતની ૬૦ મિનિટ મહત્ત્વના ફેરફારોનો સમયગાળો હોય છે. શા માટે? આ સમયગાળા દરમિયાન માતાઓ પોતાના નવા જન્મેલા બાળક સાથે લાગણીમય સંબંધ કેળવે છે, એનાથી બાળકના વિકાસમાં ઘણી મદદ મળે છે. *

પોતાના નવા જન્મેલા બાળકની કાળજીપૂર્વક સંભાળ લેવા માતા શા માટે પ્રેરાય છે? ધ જર્નલ ઓફ પેરિનેટલ એજ્યુકેશનમાં પ્રોફેસર જેનેટ ક્રેનશો સમજાવે છે કે, ‘બાળકના જન્મ પછી માતા તેને સ્પર્શે, તેને નિહાળે અને તેને દૂધ પીવડાવે, પછી ઓક્સીટોસીન નામનું હોર્મોન સ્ત્રીમાં માતાની લાગણી વધારે છે.’ એ સમયે માતામાં બીજું એક હોર્મોન વિકસે છે, જે ‘બાળકનું ધ્યાન રાખવામાં તેને મદદ કરે છે.’ અને એનાથી, બાળક સાથેનો સંબંધ ગાઢ બને છે. એ શા માટે મહત્ત્વનું છે?

માતા અને બાળક વચ્ચેનો અનોખો સંબંધ આપણા પ્રેમાળ સર્જનહાર યહોવા * તરફથી ભેટ છે. રાજા દાઊદ સહીસલામત તેમની માતાના “ઉદરમાંથી બહાર” આવી શક્યા એ માટે તેમણે ઈશ્વરનો આભાર માન્યો. તેમ જ, માતાની ગોદમાં તે સલામતીનો અનુભવ કરી શક્યા એનો પણ આભાર માન્યો. તેમણે પ્રાર્થના કરી હતી કે, ‘જન્મથી હું તમારા હાથમાં સોંપાએલો છું; મારી માના ઉદરમાં હતો ત્યારથી તમે મારા ઈશ્વર છો.’—ગીતશાસ્ત્ર ૨૨:૯, ૧૦.

ધ્યાન આપો: માતાઓ બાળકોને નિહાળે, તેની જરૂરિયાતો પૂરી કરે, એવી અદ્‍ભુત વ્યવસ્થા જો ઈશ્વરે કરી હોય, તો એમાં કોઈ શંકા નથી કે “ઈશ્વરનાં બાળકો” એટલે કે આપણામાં તે વ્યક્તિગત રસ લઈ રહ્યા છે.—પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૯.

ઈશ્વર કાળજી રાખે છે એ વિશે શાસ્ત્રમાંથી માહિતી

ઈસુ ખ્રિસ્ત, સર્જનહાર ઈશ્વરને સૌથી સારી રીતે ઓળખે છે. તેમણે કહ્યું: “શું બે ચકલીઓ એક પૈસે વેચાતી નથી? તોપણ, એમાંની એકેય તમારા પિતાના ધ્યાન બહાર જમીન પર પડશે નહિ. તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે. તેથી બીશો નહિ, તમે ઘણી ચકલીઓ કરતાં વધારે મૂલ્યવાન છો.”—માથ્થી ૧૦:૨૯-૩૧.

આપણામાંથી અમુક વ્યક્તિઓ નાના પક્ષીઓને એકદમ ધ્યાનથી નિહાળે છે. પણ શું ક્યારેય આપણે એમાંથી એકેયને જમીન પર પડતા જોયું છે? આપણા સ્વર્ગમાંના પિતા એકેએક પક્ષીનું ધ્યાન રાખે છે! પણ યાદ રાખો કે, ઈશ્વર માટે પક્ષીઓ, અરે અઢળક પક્ષીઓ પણ માણસોની તુલનામાં કંઈ નથી. એટલા માટે બોધપાઠ સ્પષ્ટ છે: ઈશ્વર તમારું ધ્યાન રાખે છે કે નહિ, એ વિશે ચિંતા કરશો નહિ. અરે, તે તો તમારામાં ઊંડો રસ લે છે!

ઈશ્વર આપણું ભલું ચાહે છે અને પ્રેમાળ રીતે આપણું ધ્યાન રાખે છે

શાસ્ત્રમાંથી મળતો ભરોસો

  • “યહોવાની દૃષ્ટિ સર્વ સ્થળે છે, તે ભલા અને ભૂંડા પર લક્ષ રાખે છે.”નીતિવચનો ૧૫:૩.

  • ‘ન્યાયીઓ પર યહોવાની કૃપાદૃષ્ટિ છે, તેઓની અરજ પ્રત્યે તેમના કાન ઉઘાડા છે.’ગીતશાસ્ત્ર ૩૪:૧૫.

  • ‘હું તમારી દયાથી આનંદ કરીશ તથા હરખાઈશ; કેમ કે તમે મારું દુઃખ જોયું છે; તમે મારી વિપત્તિઓ જાણો છો.’ગીતશાસ્ત્ર ૩૧:૭.

‘મને લાગતું કે યહોવા મને પ્રેમ કરતા નથી’

ઈશ્વર આપણું ભલું ચાહે છે અને પ્રેમાળ રીતે આપણું ધ્યાન રાખે છે. શું એ માહિતી જાણવાથી આપણા જીવનમાં કોઈ ફરક પડે છે? ચોક્કસ પડે છે. એ વિશે ઇંગ્લૅન્ડની હાન્‍ના * જણાવે છે:

‘કેટલીક વાર મને એમ લાગતું કે યહોવા મને પ્રેમ કરતા નથી. મારી પ્રાર્થનાઓનો જવાબ આપતા નથી. મને લાગતું કે મારામાં શ્રદ્ધાની ખામી હોવાથી એવું થાય છે. ઈશ્વર મને સજા આપે છે અથવા હું સાવ મામૂલી છું, એટલે મને ભૂલી ગયા છે. મને થતું કે ઈશ્વરને મારી કંઈ પડી નથી.’

યહોવા ધ્યાન રાખે છે અને પ્રેમ કરે છે, એ વિશે હાન્‍નાને હવે જરાય શંકા નથી. કેવી રીતે તેના વિચારો બદલાયા? તે જણાવે છે: “એ વિચારો ધીમે ધીમે બદલાયા. ઘણાં વર્ષો પહેલાંનું એક પ્રવચન મને હજી યાદ છે, જે ઈસુએ બલિદાન આપીને ચૂકવેલી કિંમત વિશે હતું. એની મારા પર ઊંડી અસર પડી હતી, મને ખાતરી થઈ હતી કે યહોવા મને પ્રેમ કરે છે. જ્યારે મારી પ્રાર્થનાઓનો જવાબ મળતો ત્યારે હું રડી પડતી, કેમ કે મને સમજાયું કે યહોવા મને પ્રેમ કરે છે. બાઇબલનો અભ્યાસ કરવાથી અને સભાઓમાં હાજર રહેવાથી મને યહોવા, તેમના ગુણો અને આપણા માટેની તેમની લાગણીઓ વિશે શીખવા મળ્યું. હવે હું સ્પષ્ટ રીતે જોઈ શકું છું કે, યહોવા હંમેશાં આપણી પડખે છે, તે આપણને બધાને પ્રેમ કરે છે. તે આપણા દરેકનું ધ્યાન રાખવા ચાહે છે.”

હાન્‍નાના શબ્દો ઉત્તેજન આપનારા છે. પણ, ઈશ્વર તમારી લાગણી સમજે છે અને એને યાદ રાખે છે, એ વિશે તમને કઈ રીતે ખાતરી મળી શકે? એ સવાલનો જવાબ હવે પછીના લેખમાં જોવા મળશે.

^ ફકરો. 3 સુવાવડ પછી ડિપ્રેશનનો (પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનો) ભોગ બનેલી કેટલીક માતાઓ પોતાના બાળકો સાથે લાગણીમય સંબંધ કેળવી શકતી નથી. જોકે, તેઓએ એ માટે પોતાને દોષ આપવો ન જોઈએ. યુ.એસ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ સંસ્થા પ્રમાણે, આ ડિપ્રેશન ‘શારીરિક અને લાગણીમય કારણોને લીધે થાય છે. માતા અમુક બાબતો કરે કે ન કરે, એનાથી એ થતું નથી.’ વધુ માહિતી માટે જૂન ૮, ૨૦૦૩ સજાગ બનો!માં (અંગ્રેજી), આપેલો આ લેખ જુઓ: “અંડરસ્ટેન્ડિંગ પોસ્ટપાર્ટમ ડિપ્રેશન.”

^ ફકરો. 5 પવિત્ર શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.

^ ફકરો. 15 આ લેખોમાં અમુક નામ બદલ્યાં છે.