સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

દૂતો

દૂતો

સાહિત્ય, ચિત્રો અને ફિલ્મોમાં દૂતો વિશે જણાવવામાં આવે છે. પરંતુ, દૂતો કોણ છે અને તેઓ શું કામ કરે છે?

દૂતો કોણ છે?

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

 

વિશ્વ અને પ્રથમ માનવ યુગલના સર્જન પહેલાં સર્વોચ્ચ ઈશ્વરે દૂતો બનાવ્યા હતા. તેઓ માણસો કરતાં ઘણા શક્તિશાળી અને બુદ્ધિમાન છે. ઈશ્વર રહે છે ત્યાં એટલે કે સ્વર્ગમાં દૂતો પણ રહે છે. સ્વર્ગમાં કોઈ માણસ જઈ શકતું નથી કે એને જોઈ શકતું નથી. (અયૂબ ૩૮:૪,) બાઇબલમાં ‘દૂતોનો’ ઉલ્લેખ થયો છે.—ગીતશાસ્ત્ર ૧૦૪:૪. *

દૂતોની સંખ્યા કેટલી છે? ઘણી બધી. ઈશ્વરના રાજ્યાસનની આસપાસ “લાખોના લાખો અને હજારોના હજારો” દૂતો હોય છે. (પ્રકટીકરણ ૫:૧૧) એ વાક્યનો સીધો અર્થ થાય કે દૂતો કરોડોની સંખ્યામાં છે.

‘મેં રાજ્યાસનની આસપાસ ઘણા દૂતોને જોયા; તેઓની સંખ્યા લાખોના લાખો અને હજારોના હજારો હતી.’—પ્રકટીકરણ ૫:૧૧.

પ્રાચીન સમયોમાં દૂતો શું કરતા હતા?

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

 

ઘણી વાર દૂતો ઈશ્વર વતી બોલનાર તરીકે કે પછી ઈશ્વરનો સંદેશો પહોંચાડનાર તરીકે કામ કરતા. * બાઇબલમાં એવા ઘણા અહેવાલો છે જેમાં તેઓએ ઈશ્વર તરફથી ચમત્કારો કર્યાં હતા. ઈશ્વરે દૂતને મોકલીને ઇબ્રાહીમને આશીર્વાદ આપ્યો હતો અને દૂત દ્વારા તેમને પોતાના દીકરા ઇસ્હાકનું બલિદાન આપતા પણ રોક્યા હતા. (ઉત્પત્તિ ૨૨:૧૧-૧૮) એક દૂતે સળગતા ઝાડવા દ્વારા મુસાને દર્શન દીધું અને એવો સંદેશો આપ્યો જેનાથી મુસાનું જીવન બદલાઈ ગયું. (નિર્ગમન ૩:૧, ૨) જ્યારે દાનીયેલને સિંહોના બીલમાં નાખવામાં આવ્યા, ત્યારે “ઈશ્વરે પોતાના દૂતને મોકલીને સિંહોનાં મોં બંધ કરાવ્યાં” હતા.—દાનીયેલ ૬:૨૨.

“અને યહોવાના દૂતે ઝાડવા મધ્યે અગ્નિની જ્વાળામાં તેને [મુસાને] દર્શન દીધું.”—નિર્ગમન ૩:૨.

આજે દૂતો શું કરી રહ્યા છે?

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

 

આજે દૂતો જે કરી રહ્યા છે એ વિશે આપણે બધું જાણતા નથી. જોકે, બાઇબલ એ જણાવે છે કે તેઓ નેક દિલના લોકોને ઈશ્વર વિશે શીખવા મદદ કરે છે.—પ્રેરિતોનાં કાર્યો ૮:૨૬-૩૫; ૧૦:૧-૨૨; પ્રકટીકરણ ૧૪:૬, ૭.

યહોવાએ ઈશ્વરભક્ત યાકૂબને એક સપનું દેખાડ્યું, જેમાં યાકૂબે જોયું કે દૂતો સ્વર્ગ અને પૃથ્વી પર આવવા-જવા માટે “સીડી” વાપરે છે. (ઉત્પત્તિ ૨૮:૧૦-૧૨) એ સપના પરથી યાકૂબને લાગ્યું કે યહોવા ઈશ્વર પૃથ્વી પર પોતાનું કામ કરવા દૂતોને મોકલે છે. આમ, ઈશ્વર પોતાના વફાદાર ભક્તોને મદદ કરવા દૂતોનો ઉપયોગ કરે છે. યાકૂબની જેમ, આપણને પણ ભરોસો છે કે ઈશ્વર દૂતો દ્વારા આપણને મદદ કરશે.—ઉત્પત્તિ ૨૪:૪૦; નિર્ગમન ૧૪:૧૯; ગીતશાસ્ત્ર ૩૪:૭.

“એક સીડી પૃથ્વી પર ઊભી કરેલી હતી, ને તેની ટોચ આકાશ સુધી પહોંચી હતી; અને જુઓ, તેના પર ઈશ્વરના દૂત ચઢતા ને ઊતરતા હતા.”—ઉત્પત્તિ ૨૮:૧૨.

^ ફકરો. 6 બાઇબલ જણાવે છે કે, અમુક દૂતોએ ઈશ્વરની સત્તા વિરુદ્ધ બળવો કર્યો અને તેઓને “દુષ્ટ દૂતો” કહેવામાં આવ્યા.—લુક ૧૦:૧૭-૨૦.

^ ફકરો. 11 હકીકતમાં, “દૂત” માટે હિબ્રૂ અને ગ્રીકમાં વપરાતા મૂળ શબ્દોનો અર્થ “સંદેશવાહક” થાય છે.