સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સંસ્કારી અને ધાર્મિક વ્યક્તિ બનવા બાઇબલ મદદ કરે છે, સ્કૂલનું શિક્ષણ એમ કરી શકતું નથી

મુશ્કેલી દૂર કરવા માટેનું એક પગલું

સારા સંસ્કારો

સારા સંસ્કારો

કેનેડાની પ્રખ્યાત સ્કૂલમાં ભણતા યુવાન છોકરાઓ પિકનિકમાં ગયા હતા. અમુક પર આરોપ મૂકવામાં આવ્યો કે તેઓએ બીજા છોકરાઓની જાતીય પજવણી કરી છે. એ બનાવ પછી ઓટાવા સિટીઝન નામના છાપામાં એક પત્રકારે લખ્યું: ‘યુવાનો હોશિયાર હોય, ધનવાન હોય કે તેઓએ સારું શિક્ષણ લીધું હોય તો, એનો અર્થ એવો નથી કે તેઓ ખોટું કામ કરશે જ નહિ.’

એ પત્રકારે એમ પણ જણાવ્યું, ‘માબાપ પાસે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બાળકોને સારા સંસ્કાર આપે. પણ મોટા ભાગના માબાપોને બાળકો ભણી-ગણીને સારી નોકરી મેળવે, એની વધારે ચિંતા હોય છે.’

ખરું કે, સ્કૂલનું શિક્ષણ લેવું મહત્ત્વનું છે. પરંતુ સારું ભણતર પણ બાળકોને ખોટી ઇચ્છાઓ અને ખોટી લાગણીઓ વિરુદ્ધ લડવાનું શીખવી શકતું નથી. આપણે સારા સંસ્કાર ક્યાંથી શીખી શકીએ?

સંસ્કારી અને ધાર્મિક વ્યક્તિ બનવા મદદ કરે એવું શિક્ષણ

બાઇબલ અરીસા જેવું છે. અરીસામાં જોઈએ ત્યારે આપણી ખામીઓ સાફ દેખાય આવે છે. (યાકૂબ ૧:૨૩-૨૫) બાઇબલ ફક્ત ખામીઓ જ બતાવતું નથી પણ જરૂરી સુધારો કરવા મદદ કરે છે. સારા ગુણો કેળવવા મદદ કરે છે. એમાં ભલાઈ, કૃપા, ધીરજ, સંયમ અને પ્રેમ જેવા ગુણો પણ આવી જાય છે. અરે, પ્રેમ તો “એકતાનું સંપૂર્ણ બંધન” પણ કહેવાય છે. (કોલોસીઓ ૩:૧૪) પ્રેમના ગુણની ખાસિયત શું છે? એ વિશે બાઇબલ શું કહે છે?

  • ‘પ્રેમ ધીરજ રાખે છે અને દયાળુ છે. પ્રેમ ઈર્ષા કરતો નથી. એ બડાઈ મારતો નથી, પ્રેમ ફૂલાઈ જતો નથી; પ્રેમ અયોગ્ય રીતે વર્તતો નથી, પોતાનો જ લાભ જોતો નથી, ઉશ્કેરાઈ જતો નથી; કોઈએ દુઃખ પહોંચાડ્યું હોય તો એનો હિસાબ રાખતો નથી. એ અન્યાયમાં, એટલે કે દુષ્ટતામાં ખુશ થતો નથી, પણ સત્યમાં ખુશ થાય છે. એ બધું સહન કરે છે, કશામાં હિંમત હારતો નથી. પ્રેમ કાયમ ટકી રહે છે.’—૧ કોરીંથીઓ ૧૩:૪-૮.

  • “પ્રેમ પોતાના પડોશીનું કંઈ ખરાબ કરતો નથી.”—રોમનો ૧૩:૧૦.

  • “મહત્ત્વનું તો એ છે કે, એકબીજા માટે ગાઢ પ્રેમ રાખો, કેમ કે પ્રેમ અસંખ્ય પાપને ઢાંકે છે.”—૧ પીતર ૪:૮.

સગાંઓ અને મિત્રો સાથે હો ત્યારે તમને કેવું લાગે છે? શું તમે પોતાને સલામત અનુભવો છો? શું તમને બીજી કોઈ વાતની ચિંતા હોય છે? તમે જાણો છો કે તેઓ તમારું ભલું ઇચ્છે છે. તેઓ ક્યારેય જાણીજોઈને તમને હાનિ નહિ પહોંચાડે કે તમારા દિલને ઠેસ નહિ પહોંચાડે.

પ્રેમ આપણને બીજાઓ માટે જતું કરવા પ્રેરે છે. અરે, બીજાઓ માટે પોતાને બદલવા પણ પ્રેરે છે. દાખલા તરીકે, જ્યોર્જ નાના બન્યા ત્યારે બને એટલો સમય પોતાના પૌત્ર સાથે વિતાવવા માંગતા હતા. પણ એક મુશ્કેલી હતી. જ્યોર્જ સિગારેટના બંધાણી હતા, એટલે તેમના જમાઈ ચાહતા ન હતા કે તે બાળકની સામે સિગારેટ પીવે. જ્યોર્જે શું કર્યું? તેમણે એ લત છોડી દીધી. તે પચાસ વર્ષથી સિગારેટ પીતા હતા પણ પોતાના પૌત્ર માટે એ છોડી દીધી. સાચે જ, પ્રેમમાં બધું બદલવાની તાકાત છે!

બાઇબલ આપણને ભલાઈ, કૃપા અને ખાસ તો પ્રેમ જેવા ગુણો કેળવવા મદદ કરે છે

આપણે પ્રેમનો ગુણ કેળવી શકીએ છીએ. બાળકોને પ્રેમનો ગુણ શીખવવામાં માબાપ સૌથી મોટો ભાગ ભજવે છે. તેઓ બાળકોનું ભરણપોષણ અને રક્ષણ કરે છે. બાળકોને વાગે કે તેઓ બીમાર પડે ત્યારે તેઓની વહારે દોડી આવે છે. સારા માબાપ પોતાનાં બાળકો સાથે વાત કરે છે અને તેઓને શીખવે છે. તેઓ બાળકોને શિસ્ત પણ આપે છે. તેઓ ખરું-ખોટું પારખવાનો સિદ્ધાંત પણ શીખવે છે. સારા માબાપ પોતાનાં બાળકો માટે સારો દાખલો બેસાડે છે.

દુઃખની વાત છે કે અમુક માબાપ પોતાની જવાબદારી પૂરી કરવામાં ઊણા ઊતર્યા છે. શું એનો અર્થ એવો થાય કે તેઓનાં બાળકોનું ભવિષ્ય સારું નહિ હોય? ના, જરાય નહિ! બાળપણમાં કુટુંબ તરફથી પ્રેમ મળ્યો ન હોય, એવા લોકો પણ મોટાં મોટાં ફેરફારો કરી શકે છે. તેઓ પણ પ્રેમાળ અને સારી વ્યક્તિ બની શકે છે. હવે પછીના લેખમાં આપણે અમુક દાખલા જોઈશું. એમાંની અમુક વ્યક્તિઓ વિશે તો લોકોએ આશા છોડી દીધી હતી. તેઓને લાગતું કે એ વ્યક્તિઓ ક્યારેય સુધરશે જ નહિ.