સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શોકમાં ડૂબેલાઓ માટે આશ્વાસન

શોકના વમળમાંથી બહાર આવવા—તમે શું કરી શકો?

શોકના વમળમાંથી બહાર આવવા—તમે શું કરી શકો?

શોકમાંથી બહાર આવવા શું કરવું એ વિશે દુનિયામાં જાતજાતની તરકીબો મળી રહેશે. પણ એમાંની અમુકથી જ ફાયદો થાય છે. અગાઉ જોઈ ગયા તેમ દરેક વ્યક્તિની દુઃખ સહેવાની ક્ષમતા જુદી જુદી હોય છે. કોઈ સલાહ એકને કામ લાગે, તો બીજીને ન લાગે.

પણ અમુક સૂચનો એવાં છે જેનાથી ઘણાને ફાયદો થયો છે. સલાહકારો પણ એ સૂચનો વારંવાર વાપરે છે. એ સૂચનો પ્રાચીન ગ્રંથ બાઇબલના બોધમાંથી લીધા છે, જે આજે પણ એટલા જ ઉપયોગી છે.

૧: સગાં-વહાલાં અને મિત્રોનો સાથ લો

  • અમુક નિષ્ણાતો માને છે કે શોકમાંથી બહાર આવવાનું આ એક સૌથી મહત્ત્વનું પગલું છે. તોય કોઈ વાર તમને એકલાં એકલાં રહેવાનું મન થશે. એવું પણ બને કે કોઈ મદદ કરવા આવે ત્યારે તમે ચિડાઈ જાઓ. આવું થાય એ સામાન્ય છે.

  • એનો અર્થ એવો નથી કે તમે હંમેશાં લોકોથી ઘેરાયેલા રહો. હંમેશાં એકલા એકલા પણ ન રહો. તમને ભવિષ્યમાં બીજાઓની મદદની જરૂર પડી શકે. તેથી, લોકોને પ્રેમથી જણાવો કે તમને શાની જરૂર છે અને શાની નહિ.

  • સંજોગો પ્રમાણે જુઓ કે ક્યારે એકલા રહેવું અને ક્યારે નહિ.

બોધ: ‘એક કરતાં બે ભલા. જો તેઓમાંથી એક પડી જાય, તો બીજો સાથી તેને ઉઠાડશે.’—સભાશિક્ષક ૪:૯, ૧૦.

૨: ખાવા-પીવાનું ધ્યાન રાખો અને કસરત કરો

  • દુઃખને કારણે તણાવમાં હોઈએ ત્યારે, પૌષ્ટિક ખોરાક લેવો સારું રહે છે. જુદાં જુદાં ફળો, શાકભાજી અને ઓછી ચરબીવાળો ખોરાક લો.

  • પુષ્કળ પાણી અને શરીર માટે સારા હોય એવાં પીણાં પીઓ.

  • એકસાથે ન ખવાય તો સમયે સમયે થોડું થોડું ખાતા રહો. તમારે શું ખાવું એ વિશે ડૉક્ટરને પૂછી શકો. *

  • ચાલવા જવાથી અને બીજી કસરતો કરવાથી ખોટાં વિચારો ટાળવા મદદ મળે છે. એ સમયે વ્યક્તિને જીવનમાં આવેલા બદલાણ પર વિચાર કરવાની અથવા ધ્યાન બીજે દોરવાની તક મળે છે.

બોધ: “કોઈ માણસ કદી પોતાના શરીરનો ધિક્કાર કરતો નથી, પણ એનું પાલનપોષણ કરીને પ્રેમથી સંભાળ રાખે છે.”—એફેસીઓ ૫:૨૯.

૩: પૂરતી ઊંઘ લો

  • પૂરતી ઊંઘ ખૂબ જરૂરી છે. આવા કિસ્સામાં દુઃખને લીધે વ્યક્તિ વધારે થાકી જતી હોય છે. એટલે તે પૂરતી ઊંઘ લે તો સારું રહેશે.

  • તમારી ઊંઘ ઉડાવી દે એવાં પીણાંથી દૂર રહો, જેમ કે ચા, કોફી અથવા દારૂ.

બોધ: ‘વધારે પડતું કામ કરવું અને પવન પાછળ ભાગવું, એના કરતાં થોડોક આરામ લેવો સારું છે.’—સભાશિક્ષક ૪:૬, NW.

૪: સંજોગો પ્રમાણે વર્તો

  • પોતાનું કોઈ ગુજરી જાય ત્યારે બધાને દુઃખ થાય છે. પણ તેઓ એને જુદી જુદી રીતે વ્યક્ત કરે છે. એ તમારા પર છે કે તમે પોતાનું દુઃખ કઈ રીતે વ્યક્ત કરશો.

  • કેટલાક લોકો બીજાઓ આગળ દિલ ઠાલવે છે, તો અમુકને એમ કરવું નથી ગમતું. બીજાઓ આગળ દિલ ઠાલવવાથી મદદ મળશે કે નહિ, એ વિશે નિષ્ણાતોનું પણ જુદું જુદું કહેવું છે. તમને કોઈની આગળ દિલ ઠાલવવું છે. પણ કદાચ અચકાવ છો, તો શું કરી શકો? કોઈ ખાસ મિત્રને તમારા દિલની અમુક વાતો જણાવીને શરૂઆત કરો.

  • અમુક માને છે કે પોક મૂકીને રડવાથી હૈયું હળવું થઈ જાય છે. જ્યારે કે બીજાઓ થોડાં આંસુ સારીને પણ હૈયું હળવું કરી શકે છે.

બોધ: ‘દરેક દિલ પોતાની વેદના જાણે છે.’—નીતિવચનો ૧૪:૧૦.

૫: નુકસાન કરતી ટેવોથી દૂર રહો

  • કેટલાક પોતાનો ગમ ભૂલાવવા દારૂ કે ડ્રગ્સને રવાડે ચઢી જાય છે. ગમથી પીછો છોડાવવા આવી લતના ગુલામ બનીને તેઓ પોતાને જ નુકસાન કરી બેસે છે. એ બધાથી ઘડીક રાહત તો મળે છે પણ સમય જતાં, વ્યક્તિ મોટી મુશ્કેલીમાં ફસાઈ શકે. ચિંતા અને દુઃખ હળવું કરવા તમે બીજી સારી ટેવો કેળવી શકો.

બોધ: “આપણે દરેક પ્રકારની ગંદકીથી પોતાને શુદ્ધ કરીએ.”—૨ કોરીંથીઓ ૭:૧.

૬: સમયનો સારો ઉપયોગ કરો

  • ઘણા કિસ્સામાં જોવા મળ્યું છે કે બીજાં કામોમાં મન પરોવવાથી વ્યક્તિને દુઃખમાંથી બહાર આવવા મદદ મળી છે.

  • મિત્રો સાથે સંબંધ મજબૂત કરવાથી અથવા નવા નવા મિત્રો બનાવવાથી, નવી નવી બાબતો શીખવાથી કે આનંદપ્રમોદમાં થોડો સમય વિતાવવાથી અમુક હદે રાહત મળે છે.

  • સમયના વહેણ સાથે વ્યક્તિના વિચારોમાં ફેરફાર આવી શકે. શોકમાં ડૂબી રહેવાને બદલે તે હવે બીજાં કામોમાં મન લગાડવા લાગે. દિલના ઘા રૂઝાવવાની એ તો કુદરતી પ્રક્રિયા છે.

બોધ: ‘દરેક બાબતને માટે વખત હોય છે: રડવાનો વખત અને હસવાનો વખત; શોક કરવાનો વખત અને નૃત્ય કરવાનો વખત.’—સભાશિક્ષક ૩:૧,.

૭: રોજબરોજના કામમાં પાછા લાગી જાઓ

  • બને એટલા જલદી રોજબરોજના કામમાં પાછા લાગી જાઓ.

  • નિયમિત ઊંઘ લેવાથી, નોકરીધંધો અને બીજાં કામમાં મન પરોવવાથી પહેલાંની જેમ રોજિંદુ જીવન જીવવા મદદ મળશે.

  • સારાં કામોમાં લાગુ રહેવાથી દુઃખ ભૂલવા મદદ મળશે.

બોધ: ‘જીવનભર આનંદ કરવો ને ભલું કરવું, એ કરતાં તેઓ માટે બીજું કંઈ શ્રેષ્ઠ નથી. વળી દરેક મનુષ્ય ખાયપીએ, ને પોતાની સર્વ મહેનતનું સુખ ભોગવે, એ ઈશ્વરનું વરદાન છે.’—સભાશિક્ષક ૩:૧૨, ૧૩.

૮: ઉતાવળે મહત્ત્વના નિર્ણયો ન લો

  • પ્રિયજનને ગુમાવ્યા પછી જેઓએ ઉતાવળે મહત્ત્વના નિર્ણયો લીધા છે તેઓમાંના ઘણા હવે પસ્તાય છે.

  • બીજે રહેવા જવાનો, નોકરી બદલવાનો કે પછી પ્રિયજનની વસ્તુઓને ઘરમાંથી કાઢી નાખવાનો નિર્ણય લેતા પહેલા પૂરતો વિચાર કરો.

બોધ: ‘મહેનત કરનારના વિચારોને સફળતા મળે છે; પણ દરેક ઉતાવળિયો ફક્ત ગરીબ થાય છે.’—નીતિવચનો ૨૧:૫.

૯: ગુજરી ગયેલા પ્રિયજનને યાદ કરતા રહો

  • શોકમાં ડૂબેલા ઘણા લોકોને અમુક બાબતો કરવાથી પ્રિયજનની યાદ તાજી રાખવા મદદ મળે છે.

  • વ્યક્તિના ફોટા અથવા તેની સાથે જોડાયેલી કોઈ ખાસ વસ્તુ સાચવી રાખો. અમુક બનાવો યાદગીરી તરીકે નોંધી લો, એ બધું ઘા પર મલમ જેવું કામ કરે છે.

  • સમય જતાં તમારું મન હળવું થાય ત્યારે એ સારી યાદો સાથે જોડાયેલી વસ્તુઓને જુઓ.

બોધ: ‘પહેલાના દિવસો યાદ કરો.’—પુનર્નિયમ ૩૨:૭.

૧૦: એ માહોલમાંથી બહાર નીકળો

  • થોડા દિવસ ક્યાંક ફરવા જાઓ.

  • વધારે દિવસ ફરવા ન જઈ શકતા હો તો એક-બે દિવસ માટે જાઓ. બાગમાં, દરિયા કિનારે કે પછી મિત્રો સાથે ક્યાંક બીજે જાઓ.

  • રોજ જે કામ કરો છો, કોઈક વાર એનાથી કંઈક અલગ કરો.

બોધ: “તમે બધા મારી સાથે એકાંત જગ્યાએ ચાલો અને થોડો આરામ કરો.”—માર્ક ૬:૩૧.

૧૧: બીજાઓને મદદ કરો

  • યાદ રાખો કે બીજાઓને મદદ કરવાથી વ્યક્તિને પોતાને પણ સારું લાગે છે.

  • ગુજરી ગયેલી વ્યક્તિનાં મિત્રો અને સગાંઓ પણ તમારી જેમ દુઃખી હશે. તેઓ પણ ચાહતા હશે કે તેઓનું દુઃખ કોઈ સમજે અને દિલાસો આપે. તમે તેઓને મદદ કરો.

  • બીજાઓને સાથ અને આશ્વાસન આપવાથી તમે તાજગી અનુભવશો અને જીવવાનું કારણ મળશે.

બોધ: “લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.”—પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૫.

૧૨: જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે એ પારખો

  • દુઃખનો પહાડ તૂટે ત્યારે સમજાય છે કે જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે.

  • જીવનની ભેટનો તમે કેવો ઉપયોગ કરો છો એનો વિચાર કરવાની આ સારી તક છે, એને ઝડપી લો.

  • હવેથી કઈ બાબતોને વધારે મહત્ત્વ આપશો એ નક્કી કરો.

બોધ: ‘ઉજાણીના ઘરમાં જવા કરતાં શોકના ઘરમાં જવું સારું છે; કેમ કે બધા મનુષ્યોની જિંદગીનું પરિણામ એ જ છે. અને જીવતો માણસ એ વાત પોતાના દિલમાં ઠસાવી રાખશે.’—સભાશિક્ષક ૭:૨.

તમારું દુઃખ જડમૂળથી દૂર કરી શકે એવો કોઈ ઉપાય હાલમાં શક્ય નથી. છતાં, ઘણા કબૂલે છે કે અમુક સારી રીતો અજમાવવાથી દિલાસો મળ્યો છે. જેમ કે આ લેખમાં આપેલાં સૂચનો. ખરું કે દુઃખ હળવું કરવાનાં બધાં સૂચનો અહીં આપવામાં આવ્યાં નથી. તોપણ અહીં આપેલાં સૂચનોમાંથી અમુક અજમાવી જોવાથી તમને કેટલીક હદે રાહત મળશે.

^ ફકરો. 13 સજાગ બનો! કોઈ ખાસ સારવાર વિશે ભલામણ કરતું નથી.