સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કુટુંબ અને મિત્રો

કુટુંબ અને મિત્રો

કેટલાક લોકોને કુટુંબ અને મિત્રો સાથે સારો સંબંધ રાખવો અઘરું લાગે છે. ચાલો અમુક બાઇબલ સિદ્ધાંતો જોઈએ, જે તમને બીજાઓ સાથેનો સંબંધ સુધારવા મદદ કરી શકે.

સ્વાર્થી ન બનો

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “તમે ફક્ત પોતાનું જ નહિ, બીજાઓનું પણ ભલું જુઓ.”—ફિલિપીઓ ૨:૪.

એનો શું અર્થ થાય: સારા સંબંધની ચાવી એ છે કે, ફક્ત બીજાઓ પાસેથી લેવું જ નહિ પણ તેઓને આપવું પણ જોઈએ. જો તમે ફક્ત પોતાનો જ વિચાર કરશો તો બીજાઓ સાથેના સંબંધમાં ખટાશ આવી જશે. દાખલા તરીકે, જો વ્યક્તિ ફક્ત પોતાની ઇચ્છાઓ પૂરી કરવા પર ધ્યાન આપશે, તો બની શકે કે તે ખરાબ કામ કરીને પોતાના જીવનસાથીને બેવફા બને. આપણે એવી વ્યક્તિના મિત્ર બનવા માંગતા નથી, જે ફક્ત પોતાની વસ્તુઓ અને જ્ઞાન વિશે બડાઈ હાંકતી હોય. એક પુસ્તક જણાવે છે કે જે વ્યક્તિ બીજાનો નહિ, પણ પોતાનો જ વિચાર કરે છે, તે મુશ્કેલીમાં મુકાય છે.

તમે શું કરી શકો:

  • મદદ કરો. સારા મિત્રો એકબીજા પર ભરોસો રાખે છે અને હંમેશાં મદદ કરવા તૈયાર હોય છે. કેટલાક અભ્યાસથી જોવા મળ્યું છે કે બીજાઓને મદદ કરનાર વ્યક્તિને ડિપ્રેશન થવાની સંભાવના ઓછી છે અને તેનો આત્મવિશ્વાસ પણ વધે છે.

  • દયા બતાવો. દયા એટલે તમારા દિલમાં બીજાઓના દુઃખનો અહેસાસ. દયા બતાવનાર વ્યક્તિ બીજાઓ માટે કડવા શબ્દો નહિ બોલે કે તેઓની મજાક નહિ ઉડાવે, જેથી તેઓનાં દિલને ઠેસ પહોંચે.

    દયા બતાવો છો ત્યારે બીજાઓને સહન કરવાનું તમે શીખો છો. દયાથી તમે ભેદભાવ રાખવાનું ટાળી શકો છો. અલગ અલગ સમાજના લોકોને મિત્રો બનાવી શકો છો.

  • સમય આપો. બીજાઓ સાથે જેટલો વધારે સમય પસાર કરશો, એટલી વધારે સારી રીતે તેઓને ઓળખી શકશો. સારા મિત્રો બનાવવા સારી વાતચીત ખૂબ જરૂરી છે. એ માટે સારા સાંભળનાર બનો. તમારા મિત્રની ચિંતાઓમાં સહભાગી થાઓ. એક અભ્યાસ જણાવે છે, ‘સારી વાતચીતથી લોકોના ચહેરા ખુશીથી ખીલી ઊઠે છે.’

સમજી-વિચારીને મિત્રો પસંદ કરો

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “ખરાબ સંગત સારા સંસ્કારને બગાડે છે.”—૧ કોરીંથીઓ ૧૫:૩૩.

એનો શું અર્થ થાય: તમે જેઓની સાથે સમય પસાર કરો છો, તેઓની સારી કે ખરાબ અસર તમારા પર પડે છે. માણસોના સ્વભાવ વિશે અભ્યાસ કરનારાઓ જણાવે છે કે, જીવનનાં અનેક પાસાઓમાં મિત્રોની ઘણી અસર પડે છે. દાખલા તરીકે, જો મિત્ર સિગારેટ પીતો હોય, તો તમને પણ એ લત લાગી શકે. જો કોઈ મિત્રએ છૂટાછેડા લીધા હોય, તો તમારા મનમાં પણ છૂટાછેડા લેવાના વિચારો આવી શકે.

તમે શું કરી શકો: અમુક લોકોમાં સારા ગુણો અને સંસ્કારો હશે. એ ગુણો અને સંસ્કારો તમને ગમતા હશે કે તમે કેળવવા માંગતા હશો. એવા લોકોને મિત્રો બનાવો. એવા લોકો સાથે મિત્રતા કેળવો જેઓ સમજદાર, બીજાઓને માન આપનાર, ઉદાર અને મહેમાનગતિ બતાવનાર હોય.

પવિત્ર શાસ્ત્રના બીજા સિદ્ધાંતો

યુગલો, યુવાનો અને બાળકોને જીવનમાં સુધારો કરવા મદદ મળે એ માટે બાઇબલ આધારિત વીડિયો જુઓ

બીજાઓને દુઃખ પહોંચે એવું ન બોલો.

“વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે.”—નીતિવચનો ૧૨:૧૮.

ઉદાર બનો.

“ઉદાર માણસ ધનવાન બનશે.”—નીતિવચનો ૧૧:૨૫, IBSI.

બીજાઓ પાસે જેવા વર્તનની આશા રાખો છો, એ રીતે તમે પણ વર્તો.

“જેમ તમે ચાહો છો કે લોકો તમારી સાથે વર્તે, એમ તમે પણ તેઓની સાથે વર્તો.”—માથ્થી ૭:૧૨.