સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પૈસાનો સદુપયોગ કરો

પૈસાનો સદુપયોગ કરો

પૈસાનો સદુપયોગ કરો

ઈશ્વર કહે છે કે ‘પૈસાનો લોભ સઘળા પ્રકારનાં પાપનું મૂળ છે.’ (૧ તીમોથી ૬:૧૦) અમુક લોકો માટે પૈસો જ પરમેશ્વર છે. તેથી તેઓ રાત-દિ પૈસા પાછળ પડ્યા હોય છે. બીજા અમુક લોકો પૈસાના દાસ થઈ ગયા છે. એ કારણે તેઓએ મુશ્કેલી વેઠવી પડે છે. ‘પૈસા હોવું ખોટું નથી,’ પણ એને યોગ્ય રીતે વાપરવા જોઈએ.—સભાશિક્ષક ૧૦:૧૯.

પૈસા કેવી રીતે વાપરવા એ વિષે બાઇબલમાં કંઈ જોવા મળતું નથી. પણ બાઇબલમાં પૈસાનો સદુપયોગ કરવાની સલાહ છે. પૈસા ઇન્વેસ્ટ કરવાની સલાહ આપનારા પણ બાઇબલ સાથે સહમત છે. પૈસાનો સદુપયોગ કરવા વિષે પાંચ મુદ્દા જોઈએ.

પૈસાની બચત કરો. બાઇબલમાં જોવા મળે છે કે ઈશ્વરે પહેલાંના જમાનામાં ઈસ્રાએલીઓને થોડા પૈસા બચાવવાનું શીખવ્યું હતું. તેઓને વર્ષમાં જે કંઈ મળતું એનો દસમો ભાગ બચાવવાનું કહ્યું. તેઓએ એ ભાગ ફક્ત યહોવાહની ભક્તિ માટે જ વાપરવાનો હતો. (પુનર્નિયમ ૧૪:૨૨-૨૭) એ જ રીતે પાઊલે પણ તેમના સમયના ખ્રિસ્તીઓને સલાહ આપી કે બીજાઓને મદદ કરવા દર અઠવાડિયે કંઈક બચત કરો. (૧ કોરીંથી ૧૬:૧, ૨) પૈસા ઇન્વેસ્ટ કરવાની સલાહ આપનારા મોટાભાગના લોકો પૈસા બચાવવાનું ઉત્તેજન આપે છે. હાથમાં પૈસા હોય તો તરત જ વપરાઈ જશે. એટલે પગાર મળે કે તરત જ થોડા પૈસા બેંકના સેવીંગ્સ એકાઉન્ટમાં મૂકો. અથવા બીજી કોઈ જગ્યાએ રાખો જેનાથી બચત થાય.

બજેટ બનાવો. એનાથી તમે પૈસા કેટલા વાપરો છો એનું ધ્યાન રાખી શકો છો. એમ કરવાથી તમે જાણશો કે પૈસા શામાં વપરાય છે. વધારે પડતા પૈસા ન વપરાય એનું ધ્યાન રાખી શકશો. તમે જેટલું કમાતા હોય એનાથી ઓછા વાપરો. તમારે વિચારવું જોઈએ કે ‘શું આની મને ખરેખર જરૂર છે?’ ઈસુએ પણ સલાહ આપી કે કોઈ પણ કામ કરતા પહેલાં એનો ‘ખર્ચ ગણવાની’ જરૂર છે. (લુક ૧૪:૨૮) બાઇબલ પણ સલાહ આપે છે કે વગરકામનું દેવું ન કરો.—નીતિવચનો ૨૨:૭.

પ્લાન કરો. તમને આગળ જતા શાની જરૂર પડશે એનો વિચાર કરો. દાખલા તરીકે, પિતા પોતાના કુટુંબ માટે લાઈફ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ કે બીજો કોઈ ઇન્સ્યોરન્સ લેવાનું વિચારી શકે. લોનથી ઘર ખરીદવાનું વિચારતા હો તો, ઓછા વ્યાજની લોન લઈ શકો. રિટાયર થયા પછી શાની જરૂર પડશે એનો પણ હમણાંથી વિચાર કરવો જોઈએ. નીતિવચનો ૨૧:૫ કહે છે, ‘વિચારીને કામ કરનારને મહેનતના ફળ મળે છે.’

શીખો. કોઈ કળા શીખવામાં સમય અને શક્તિ આપવા પડે. પણ એમ કરવું એક ઇન્વેસ્ટમેન્ટ છે. એનાથી તમને જ લાભ થશે. પોતાની કાળજી રાખવાનું પણ શીખો. જીવનમાં હંમેશા કંઈને કંઈ શીખતા રહો. બાઇબલ પણ કહે છે કે આપણે હંમેશા ‘જ્ઞાન અને વિવેકબુદ્ધિ’ કેળવતા રહીએ.—નીતિવચનો ૩:૨૧, ૨૨; સભાશિક્ષક ૧૦:૧૦.

બેલેન્સ રાખો. ઘણા લોકો સાથે સર્વે કરવામાં આવ્યો. એનાથી જોવા મળ્યું કે પૈસા પાછળ ભાગવાને બદલે બીજા લોકોની મદદ કરે છે તેઓ વધારે સુખી છે. અમુક લોકોને કોઈની પડી નથી. કઈ રીતે? તેઓની જીવન જરૂરિયાત પૂરી થઈ જાય તોપણ પૈસો, પૈસો ને પૈસો કરતા હોય છે. જોકે જીવનમાં વ્યક્તિને રોટી-કપડાં-મકાન સિવાય બીજું શું જોઈએ? એટલે જ બાઇબલ કહે છે, “આપણને જે અન્‍નવસ્ત્ર મળે છે તેઓથી આપણે સંતોષી રહીએ.” (૧ તીમોથી ૬:૮) જે છે એનાથી સંતોષ રાખીએ તો પૈસાની પાછળ નહિ પડીએ. મુશ્કેલીઓને પણ ટાળી શકીશું.

જોકે બધી મુશ્કેલીઓની જડ પૈસાનો લોભ છે. તમે ધ્યાન ન રાખો તો પૈસાના દાસ થઈ શકો. પૈસાનો સદુપયોગ કરવાથી જીવનમાં મહત્ત્વનું કામ કરી શકો છો. જેમ કે, કુટુંબ અને મિત્રોની કાળજી રાખી શકો. તોપણ આ દુનિયાને જોતા લાગે છે કે આપણે પૈસાની ચિંતામાંથી છૂટી શકવાના નથી. ગરીબી દૂર કરવાની શું કોઈ આશા છે? આ સવાલનો જવાબ હવે પછીના લેખમાં જોઈશું. (g09 03)

[પાન ૫ પર બ્લર્બ ]

તમે જેટલું કમાતા હો એનાથી ઓછો ખર્ચ કરો

[પાન ૫ પર બ્લર્બ]

વિચારો કે ‘શું આની મને ખરેખર જરૂર છે?’

[પાન ૬ પર બ્લર્બ]

જીવનમાં વ્યક્તિને રોટી-કપડાં-મકાન સિવાય બીજું શું જોઈએ?

[પાન ૭ પર બોક્સ/ચિત્ર]

બાળકોને પૈસાનો સદુપયોગ કરતા શીખવો

આજે ઘણા લોકો પૈસાને લીધે મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. તેથી નિષ્ણાંતો માબાપને વિનંતી કરે છે કે બાળકોને નાનપણથી પૈસાનો સદુપયોગ કરતા શીખવો. તેઓ જાણતા નથી કે પૈસા ક્યાંથી આવે છે. તેઓને લાગે છે કે પૈસા “ડૅડી પાસેથી” કે “બૅંકમાંથી” આવે છે. બાળકોને પૈસાની કિંમત સમજાવો. તેઓને સમજાવો કે શું જરૂરી છે અને શું નથી. તેઓને પૈસા બચાવતા અને કેવી રીતે ઇન્વેસ્ટ કરવું એ પણ શીખવો. આમ કરવાથી તેઓ આગળ જતા દેવાદાર નહિ થાય. નીચે અમુક સૂચનો છે.

૧. સારો દાખલો બેસાડો. તમે જે કહો છો એના કરતાં પણ જે કરો છો એની બાળકો પર વધારે અસર પડશે.

૨. અગાઉથી નક્કી કરો કે કેટલા પૈસા વાપરવા. તમે અને બાળકોએ કેટલા પૈસા વાપરવા જોઈએ એ વિષે વાત કરો. વધારે પૈસા માંગે તો ના પાડો.

૩. તેઓને નક્કી કરવા દો કે કેવી રીતે પૈસા વાપરશે. તેઓને કોઈ રીતે પૈસા મળતા હોય તો માર્ગદર્શન આપો. પછી પૈસા કઈ રીતે વાપરવા એ તેઓને નક્કી કરવા દો.

૪. બીજાઓને આપતા શીખવો. તમારા બાળકોને પોતાની વસ્તુઓ, બીજાઓ સાથે વહેંચવાનું શીખવો. તેમ જ, ઈશ્વરની ભક્તિ માટે પણ પૈસા વાપરવાનું શીખવો.