સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નમ્ર લોકો પૃથ્વીનો વારસો પામશે

નમ્ર લોકો પૃથ્વીનો વારસો પામશે

નમ્ર લોકો પૃથ્વીનો વારસો પામશે

‘હું માનું છું કે ધરતીની રોનક એકદમ બદલાઈ જશે. સુંદર બની જશે. પણ એ રાતોરાત નહિ, યુગો પછી થશે. જાણે એક નવું સ્વર્ગ અને નવી પૃથ્વી આવશે.’—જૉ-મારી પેલ્ટ, ફ્રાંસના પર્યાવરણના ઍક્સ્પર્ટ.

આજકાલ પૃથ્વી જાણે છેલ્લા શ્વાસ લઈ રહી છે. સમાજમાં તકલીફોનો કોઈ પાર નથી. લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. ઘણા એ દિવસ માટે તલપે છે, જ્યારે આ ધરતી જન્‍નત, નંદનવન કે સ્વર્ગ જેવી સુંદર બની જશે, જેમાં લોકો સુખેથી રહેશે. આ કંઈ એકવીસમી સદીના લોકોનું સપનું નથી. સદીઓથી બાઇબલ જણાવે છે કે ધરતીને ફરી સુંદર બનાવવામાં આવશે. બધી તકલીફોનું નામ-નિશાન મટી જશે. ઈસુએ પોતે કહ્યું હતું: “નમ્ર છે તેઓને ધન્ય છે; કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે.” તેમણે એમ પણ કહ્યું: “જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.” દુનિયાભરમાં ઘણા ખ્રિસ્તીઓ ઈસુના આ શબ્દો જાણે છે. (માત્થી ૫:૫; ૬:૧૦) પણ આજે મોટા ભાગના ખ્રિસ્તીઓ જાણે એ શબ્દો ભૂલી ગયા છે. તેઓ માનતા નથી કે ધરતી ફરી સુંદર બનશે, ફક્ત ઈશ્વરને માનનારા ભલા લોકો જ એમાં રહેશે.

લોકોએ કેમ સ્વર્ગમાં કે પછી પૃથ્વી પર સુખચેનથી જીવવાના સપનાં જોવાનું છોડી દીધું છે? કૅથલિક લોકોનો વિચાર કરો. દર અઠવાડિયે છપાતું ફ્રેન્ચ મૅગેઝિન લા વે આમ કહે છે: ‘છેલ્લાં ૧,૯૦૦ વર્ષથી ચર્ચે પારાદેશ વિષે શીખવ્યું છે. પણ હવે પાદરીઓની કૉલેજમાં કોઈ એના વિષે વાત કરતું નથી. રવિવારના ઉપદેશમાં એના વિષે કંઈ કહેવાતું નથી. પાદરીઓના કોર્સમાં એના વિષે કંઈ ભણાવતા નથી.’ એ શબ્દનો અર્થ હવે ‘રહસ્ય અને મૂંઝવણનાં કાળાં વાદળો’ પાછળ ઢંકાઈ ગયો છે. અમુક પાદરીઓ જાણીજોઈને એ શબ્દ વાપરતા નથી, કેમ કે તેઓને લાગે છે કે એ લોકોના મનમાં સ્વર્ગના નહિ, પણ ફક્ત ‘સુંદર પૃથ્વીનાં જ સપનાં ભરી દે છે.’

સમાજશાસ્ત્રી ફ્રેડ્રિક લૅન્વાર ખાસ કરીને ધર્મ પર સંશોધન કરે છે. તે કહે છે કે લોકોના મનમાં ‘પારાદેશʼનો અર્થ ‘સાવ અલગ બાબત’ બની ગઈ છે. એનો ખરો અર્થ જાણે ભૂલાઈ ગયો છે. ઇતિહાસકાર જૉ ડેલ્યુમોએ આ વિષય પર અનેક પુસ્તકો લખ્યાં છે. તે માને છે કે પારાદેશ વિષેના બાઇબલનાં વચનો ક્યારેય પૂરા થશે નહિ. તે લખે છે: ‘પારાદેશ વિષેની આશામાં હવે શું બચ્યું છે?’ ખ્રિસ્તી ધર્મ આ જવાબ આપે છે: ‘આપણા તારણહાર ઈસુ મરણમાંથી સજીવન થયા એ માટે આપણે ખૂબ આભારી છીએ. આપણે હવે એ દિવસની રાહ જોઈએ છીએ, જ્યારે સર્વ લોકોમાં સંપ હશે. તેઓની આશાઓ પૂરી થશે.’

શું પૃથ્વી ફરી સ્વર્ગ જેવી સુંદર બનશે? લોકો એના પર સદા સુખ-શાંતિમાં રહેશે? પૃથ્વીનું ભાવિ શું છે? શું આપણે એ જાણી શકીએ કે પછી બસ અનુમાન લગાવીશું? હવે પછીનો લેખ આ પ્રશ્નોના જવાબ આપશે. (w 06 8/15)