સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાનાં સૂચનો ભરોસાપાત્ર છે

યહોવાનાં સૂચનો ભરોસાપાત્ર છે

“યહોવાની સાક્ષી [સૂચન, NW ] વિશ્વાસપાત્ર છે, તે અબુદ્ધને બુદ્ધિમાન કરે છે.”—ગીત. ૧૯:૭.

૧. આપણે અવારનવાર કેવા વિષયો પર ચર્ચા કરીએ છીએ અને એમ કરવાથી શું ફાયદો થાય છે?

 ચોકીબુરજના અભ્યાસની તૈયારી કરતી વખતે શું તમને કદી લાગ્યું છે કે ‘આ વિષય પર તો પહેલાં પણ ચર્ચા થઈ હતી?’ મંડળની સભાઓમાં તમે કેટલાક સમયથી આવતા હશો તો, નોંધ્યું હશે કે અમુક વિષય પર અવારનવાર ચર્ચા કરીએ છીએ. જેમ કે, ઈશ્વરનું રાજ્ય, ઈસુએ આપણા માટે આપેલું બલિદાન, શિષ્યો બનાવવાનું કામ. તેમ જ, પ્રેમ અને શ્રદ્ધા જેવા ગુણોની ચર્ચા કરીએ છીએ. આ વિષયો પર નિયમિત રીતે અભ્યાસ કરવાથી આપણે શ્રદ્ધાને અડગ બનાવીએ છીએ અને ‘વચનના કેવળ સાંભળનારા જ નહિ, પણ પાળનારા’ બનીએ છીએ.—યાકૂ. ૧:૨૨.

૨. (ક) ઈશ્વરનાં સૂચનો મોટા ભાગે શાને રજૂ કરે છે? (ખ) કઈ રીતે ઈશ્વરના નિયમો કે સૂચનો મનુષ્યના નિયમો કરતાં અલગ છે?

બાઇબલમાં ‘સૂચનો’ મોટા ભાગે શાને રજૂ કરે છે? ઈશ્વરે પોતાના લોકોને આપેલાં નિયમો, આજ્ઞાઓ અને ધોરણોને રજૂ કરે છે. યહોવાના નિયમો કે સૂચનો મનુષ્યના નિયમો જેવા નથી, જેમાં સમયે-સમયે સુધારા-વધારા કરવા પડે. ઈશ્વરનાં નિયમો અને ધોરણો હંમેશાં ભરોસાપાત્ર છે. ખરું કે, એમાંના અમુક કોઈ ચોક્કસ સમય કે સંજોગોને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યાં છે. પરંતુ, એ કદી પણ ખોટાં પુરવાર થયાં નથી. એક ઈશ્વરભક્તે લખ્યું, “તારાં સાક્ષ્યો [સૂચનો, NW ] સદાકાળ ન્યાયયુક્ત છે.”—ગીત. ૧૧૯:૧૪૪.

૩, ૪. (ક) યહોવાનાં સૂચનોમાં શાનો સમાવેશ થઈ શકે? (ખ) સૂચનો પાળ્યાં હોત તો, ઈસ્રાએલીઓને કેવા લાભ થયા હોત?

તમે કદાચ નોંધ્યું હશે કે યહોવાનાં સૂચનોમાં ચેતવણીનો પણ સમાવેશ થાય છે. પ્રાચીન ઈસ્રાએલ રાષ્ટ્રને નિયમિત રીતે ઈશ્વરના પ્રબોધકો પાસેથી ચેતવણી મળતી રહી. દાખલા તરીકે, ઈસ્રાએલીઓ વચનના દેશમાં પ્રવેશવાના હતા એના થોડા સમય પહેલાં, મુસાએ તેઓને ચેતવતા કહ્યું: “સાવચેત રહો, રખેને તમારું અંતઃકરણ ઠગાઈ જાય, અને તમે ભટકી જઈને બીજાં દેવદેવીઓની સેવા કરો અને તેમને ભજો અને યહોવાનો કોપ તમારા પર સળગી ઊઠે.” (પુન. ૧૧:૧૬, ૧૭) બાઇબલ જણાવે છે કે ઈશ્વરે પોતાના લોકોના ભલા માટે વારંવાર સૂચનો આપ્યાં હતાં.

બીજા ઘણા કિસ્સાઓમાં યહોવાએ ઈસ્રાએલીઓને અરજ કરી કે તેમનું કહેવું માને, તેમનો ભય રાખે અને તેમને મહિમા આપે. (પુન. ૪:૨૯-૩૧; ૫:૨૮, ૨૯) એ સૂચનો પાળવાથી તેઓને ચોક્કસ ઘણા આશીર્વાદ મળવાના હતા.—લેવી. ૨૬:૩-૬; પુન. ૨૮:૧-૪.

ઈશ્વરનાં સૂચનો પ્રત્યે ઈસ્રાએલીઓ કઈ રીતે વર્ત્યા

૫. યહોવા શા માટે રાજા હિઝકીયાના પક્ષે લડ્યા?

ઈસ્રાએલના આખા ઇતિહાસ દરમિયાન, ઈશ્વરે પોતાનું વચન પાળ્યું. દાખલા તરીકે, આશ્શૂરના રાજા સાન્હેરીબે યહુદા પર ચઢાઈ કરી અને રાજા હિઝકીયાને ધમકી આપી ત્યારે, યહોવાએ મદદ કરવા પોતાનો એક દૂત મોકલ્યો. એ દૂતે ફક્ત એક જ રાતમાં આશ્શૂરની સેનાના ‘સર્વ પરાક્રમી યોદ્ધાઓનો નાશ કર્યો.’ આમ, સાન્હેરીબને શરમજનક રીતે પાછું ફરવું પડ્યું. (૨ કાળ. ૩૨:૨૧; ૨ રાજા. ૧૯:૩૫) યહોવા શા માટે રાજા હિઝકીયાના પક્ષે લડ્યા? કારણ, ‘યહોવાને હિઝકીયા વળગી રહ્યા અને તેમનું અનુકરણ કરવાથી તે અટક્યા નહિ. યહોવાની આજ્ઞાઓ તે પાળતા રહ્યા.’—૨ રાજા. ૧૮:૧, ૫, ૬.

યહોવાનાં સૂચનો દ્વારા યોશીયાને સાચી ભક્તિ માટે પગલાં લેવાં ઉત્તેજન મળ્યું (ફકરો ૬ જુઓ)

૬. રાજા યોશીયાએ કઈ રીતે યહોવામાં ભરોસો બતાવ્યો?

બીજો દાખલો રાજા યોશીયાનો છે. તેમણે પણ યહોવાની આજ્ઞાઓ પાળી. તે હજી આઠ વર્ષના હતા ત્યારથી જ તેમણે ‘યહોવાની નજરમાં જે સારું હતું એ કર્યું. તે જમણે કે ડાબે પડખે ખસ્યા નહિ.’ (૨ કાળ. ૩૪:૧, ૨) યોશીયાએ પોતાના રાજ્યમાંથી મૂર્તિપૂજા દૂર કરી અને સાચી ભક્તિ ફરીથી શરૂ કરીને યહોવામાં પોતાનો ભરોસો બતાવ્યો. આમ, યોશીયા પોતાના પર જ નહિ, આખા દેશ પર આશીર્વાદ લાવ્યા.—૨ કાળવૃત્તાંત ૩૪:૩૧-૩૩ વાંચો.

૭. ઈસ્રાએલીઓએ યહોવાનાં સૂચનોમાં ભરોસો ન મૂક્યો ત્યારે શું પરિણામ આવ્યું?

જોકે, દુઃખની વાત છે કે ઈશ્વરનાં સૂચનોમાં ભરોસો મૂકવાનું તેમના લોકો ઘણી વાર ચૂકી ગયા હતા. સદીઓ દરમિયાન તેઓએ ઘણી વાર યહોવાની આજ્ઞાઓ તોડી. તેઓની શ્રદ્ધા નબળી હતી ત્યારે, બીજાઓની વાતોમાં સહેલાઈથી આવીને તેઓ જૂઠા દેવોની ભક્તિ કરવા લાગ્યા. (એફે. ૪:૧૩, ૧૪) પહેલાંથી જણાવ્યું હતું તેમ, ઈશ્વરનાં સૂચનોમાં ભરોસો ન મૂકવાને લીધે તેઓએ ખરાબ પરિણામ ભોગવવાં પડ્યાં.—લેવી. ૨૬:૨૩-૨૫; યિર્મે. ૫:૨૩-૨૫.

૮. ઈસ્રાએલીઓના અને આપણા સંજોગો કઈ રીતે સરખા છે?

ઈસ્રાએલીઓના અને આપણા સંજોગો કઈ રીતે સરખા છે? તેઓની જેમ હાલના ઈશ્વરભક્તોને પણ સલાહ અને શિસ્ત મળે છે. (૨ પીત. ૧:૧૨) ઈશ્વરની પ્રેરણાથી લખાયેલું બાઇબલ વાંચવાથી દરેક વાર આપણને સૂચનો મળે છે. પરંતુ, પસંદગી આપણે કરવાની છે કે યહોવાનાં એ સૂચનો પ્રમાણે કરીશું કે પોતાને ઠીક લાગે એમ કરીશું. (નીતિ. ૧૪:૧૨) ચાલો, હવે જોઈએ કે શા માટે યહોવાનાં સૂચનોમાં ભરોસો મૂકી શકીએ અને એમ કરવાથી શું ફાયદો થાય છે.

ઈશ્વરને આધીન રહો અને જીવતા રહો

૯. ઈસ્રાએલીઓ અરણ્યમાં હતા ત્યારે, યહોવા તેઓને સાથ આપી રહ્યા છે એની ખાતરી કઈ રીતે આપી?

ઈસ્રાએલીઓએ “ભયંકર અરણ્ય”ની ૪૦ વર્ષની મુસાફરી શરૂ કરી એનો વિચાર કરો. એ વખતે, યહોવાએ વિગતવાર માહિતી પૂરી ન પાડી કે તે કઈ રીતે તેઓને દોરશે, રક્ષણ આપશે અને સંભાળ રાખશે. તેમ છતાં, યહોવાએ વારંવાર બતાવ્યું કે ઈસ્રાએલીઓ તેમનામાં અને તેમનાં સૂચનોમાં ભરોસો મૂકી શકે છે. દિવસના સમયે મેઘસ્તંભ અને રાતના સમયે અગ્‍નિસ્તંભ દ્વારા યહોવાએ ઈસ્રાએલીઓને સાથ આપ્યો. આમ, ઈશ્વર તેઓને ખાતરી અપાવતા હતા કે તે વેરાન જગ્યામાંથી પસાર થવા તેઓને મદદ કરી રહ્યા છે. (પુન. ૧:૧૯; નિર્ગ. ૪૦:૩૬-૩૮) ઈશ્વરે તેઓની જરૂરિયાતો પણ પૂરી કરી. જેમ કે, “તેઓનાં વસ્ત્રો જૂનાં થયાં નહિ અને તેઓના પગ સૂજ્યા નહિ.” સાચે જ ‘તેઓને કશાની ખોટ પડી નહિ.’—નહે. ૯:૧૯-૨૧.

૧૦. યહોવા આજે કઈ રીતે પોતાના લોકોને દોરે છે?

૧૦ યહોવાના ભક્તો જલદી જ નવી દુનિયામાં જશે. એમ બને ત્યાં સુધી શું આપણને એવો ભરોસો છે કે “મોટી વિપત્તિ”માંથી બચી જવા યહોવા દરેક બાબતો પૂરી પાડશે? (માથ. ૨૪:૨૧, ૨૨; ગીત. ૧૧૯:૪૦, ૪૧) ખરું કે, યહોવાએ આપણને નવી દુનિયા સુધી દોરી જવા મેઘસ્તંભ કે અગ્‍નિસ્તંભ આપ્યો નથી. પરંતુ, તે આપણને શ્રદ્ધામાં અડગ રહેવા પોતાની સંસ્થા દ્વારા મદદ કરે છે. દાખલા તરીકે, આપણો સંબંધ યહોવા સાથે મજબૂત કરવા પર હાલમાં વધુ ભાર મૂકવામાં આવે છે. એમ કરવા, ઉત્તેજન મળે છે કે આપણે વ્યક્તિગત બાઇબલ વાંચન કરીએ. તેમ જ, કુટુંબ તરીકે ભક્તિની સાંજ, સભાઓ અને પ્રચાર માટે નિયમિત સમય ફાળવીએ. એ સૂચનો પાળવાં, શું આપણે જીવનમાં ફેરફાર કર્યા છે? એમ કરીશું તો, એવી શ્રદ્ધા કેળવી શકીશું, જે નવી દુનિયા આવે ત્યાં સુધી ટકી રહેવા મદદ કરશે.

યહોવાનાં સૂચનો પાળવાથી રાજ્યગૃહ સલામત બનાવી શકીએ છીએ (ફકરો ૧૧ જુઓ)

૧૧. કઈ રીતે યહોવાએ બતાવ્યું છે કે તે આપણી સંભાળ રાખે છે?

૧૧ આપણને રોજબરોજના જીવનમાં મદદ કરે એવાં સૂચનો પણ યહોવાની સંસ્થા દ્વારા મળતાં રહે છે. એમાં, ધન-સંપત્તિ તરફ યોગ્ય વલણ રાખવા અને જીવન સાદુ બનાવીને ચિંતાઓ ઓછી કરવા જેવી બાબતનો સમાવેશ થાય છે. યોગ્ય પહેરવેશ, સારું મનોરંજન અને કેટલું ભણતર લેવું, એની પસંદગી કરવામાં પણ આપણને સારું માર્ગદર્શન મળે છે. એવાં સૂચનો પણ યાદ કરો, જેને પાળવાથી આપણાં ઘર, વાહન અને રાજ્યગૃહની સલામતી જળવાઈ રહે છે. તેમ જ, અચાનક ઊભી થતી મુશ્કેલીઓ માટે તૈયાર રહેવા પણ સૂચનો મળ્યાં છે. એવાં સૂચનો બતાવે છે કે યહોવા આપણી સંભાળ રાખે છે.

પહેલાંના ખ્રિસ્તીઓને શ્રદ્ધામાં અડગ રહેવા સૂચનોથી મદદ મળી

૧૨. (ક) ઈસુએ કયા એક વિષય પર પોતાના શિષ્યો સાથે વારંવાર વાત કરી હતી? (ખ) નમ્રતા બતાવતું કયું કામ પીતરના મન પર ઊંડી અસર કરી ગયું? એ આપણને કઈ રીતે અસર કરે છે?

૧૨ પ્રથમ સદીમાં યહોવાના ભક્તોને નિયમિત રીતે સૂચનો મળતાં રહ્યાં. ઈસુએ પોતાના શિષ્યોને વારંવાર જણાવ્યું કે નમ્રતા કેળવવી જરૂરી છે. ઈસુએ નમ્ર બનવા ફક્ત કહ્યું જ નહિ, કાર્યોથી પણ બતાવ્યું. પોતાના મરણની આગલી રાતે ઈસુએ પ્રેરિતોને પાસ્ખાપર્વ માટે ભેગા કર્યા હતા. પ્રેરિતો હજી જમતા હતા એટલામાં ઈસુએ ઊભા થઈને તેઓના પગ ધોયા. મોટા ભાગે એ કામ ચાકરો કરતા હતા. (યોહા. ૧૩:૧-૧૭) આવી નમ્રતા બતાવીને ઈસુએ તેઓનાં મન પર ઊંડી છાપ છોડી. પ્રેરિત પીતર ત્યાં હાજર હતા. તેથી, આશરે ૩૦ વર્ષ પછી પણ તે સાથી ખ્રિસ્તીઓને નમ્રતા વિશે સલાહ આપી શક્યા. (૧ પીત. ૫:૫) ઈસુનો દાખલો આપણને પણ એકબીજા સાથે નમ્રતાથી વર્તવા ઉત્તેજન આપે છે.—ફિલિ. ૨:૫-૮.

૧૩. ઈસુએ શિષ્યોને બીજી કઈ મહત્ત્વની બાબત કેળવવા વિશે જણાવ્યું હતું?

૧૩ ઈસુએ અડગ શ્રદ્ધા કેળવવા વિશે પણ પોતાના શિષ્યોને વારંવાર જણાવ્યું હતું. એક વાર, દુષ્ટ દૂત વળગેલા છોકરાને સાજો કરવામાં શિષ્યો નિષ્ફળ ગયા હતા. તેથી, તેઓએ ઈસુને પૂછ્યું, “અમે તેને કેમ કાઢી ન શક્યા?” જવાબમાં ઈસુએ કહ્યું, ‘તમારા અવિશ્વાસને લીધે. હું તમને ખચીત કહું છું કે, તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમને કંઈ અશક્ય થશે નહિ.’ (માથ. ૧૭:૧૪-૨૦) પોતાના સેવાકાર્ય દરમિયાન ઈસુએ શિષ્યોને શીખવ્યું કે શ્રદ્ધા હોવી ખૂબ મહત્ત્વની છે. (માથ્થી ૨૧:૧૮-૨૨ વાંચો.) શું આપણે પોતાની શ્રદ્ધા મજબૂત કરવા દરેક સંમેલન અને સભામાં જઈએ છીએ? ત્યાં બધા સાથે હળવા-મળવાથી આપણને આનંદ મળે છે. જોકે, એથી વધુ મહત્ત્વનું એ છે કે એ પ્રસંગો દ્વારા આપણને યહોવામાં શ્રદ્ધા બતાવવાની તક મળે છે.

૧૪. નિઃસ્વાર્થ પ્રેમ બતાવવો આજે શા માટે જરૂરી છે?

૧૪ ગ્રીક શાસ્ત્રવચનોમાં આપણને એકબીજા માટે પ્રેમ બતાવવા ઘણાં સૂચનો મળે છે. ઈસુએ કહ્યું હતું કે બીજી સૌથી મોટી આજ્ઞા છે: “પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર.” (માથ. ૨૨:૩૯) એવી જ રીતે, ઈસુના સાવકા ભાઈ યાકૂબે પણ પ્રેમને “રાજમાન્ય નિયમ” કહ્યો. (યાકૂ. ૨:૮) પ્રેરિત યોહાને લખ્યું: “વહાલાઓ, નવી આજ્ઞા નહિ, પણ જૂની આજ્ઞા જે આરંભથી તમારી પાસે હતી, તે હું તમને લખું છું.” (૧ યોહા. ૨:૭, ૮) યોહાન શાને “જૂની આજ્ઞા” કહી રહ્યા હતા? તે પ્રેમની આજ્ઞાનો ઉલ્લેખ કરી રહ્યા હતા. “જૂની” એ અર્થમાં કારણ કે ઈસુએ એને દાયકાઓ અગાઉ “આરંભ”થી આપી હતી. જ્યારે કે, “નવી” એ અર્થમાં કે શિષ્યોએ નવા સંજોગોમાં નિઃસ્વાર્થ પ્રેમ બતાવવાનો હતો. ખ્રિસ્તના શિષ્યો તરીકે આજે આપણને ચેતવણીઓ મળે છે કે દુનિયા જેવું સ્વાર્થી વલણ ન બતાવીએ. એમ કરવાથી, પાડોશી પરનો આપણો પ્રેમ ઠંડો પડતા અટકે છે. આવી ચેતવણીઓ માટે આપણે કેટલા આભારી છીએ!

૧૫. ઈસુના આવવાનો મુખ્ય ધ્યેય શું હતો?

૧૫ ઈસુએ લોકોમાં રસ બતાવ્યો હતો. આપણે શાના આધારે કહી શકીએ કે તેમને લોકો માટે પ્રેમ હતો? તેમણે બીમાર અને કમજોર લોકોને સાજા કર્યા. તેમ જ, ગુજરી ગયેલાઓને સજીવન કર્યા. જોકે, ઈસુના આવવાનો મુખ્ય ધ્યેય લોકોને સાજા કરવાનો ન હતો. તેમના શિક્ષણ અને પ્રચારકાર્યની લોકોના જીવન પર ઊંડી અસર થઈ. કઈ રીતે? જેમ કે, આપણે જાણીએ છીએ કે જેઓને ઈસુએ સાજા અથવા સજીવન કર્યા, તેઓ સમય જતા ઘરડા થઈને ગુજરી ગયા. જ્યારે કે, જે લોકોએ તેમનો સંદેશો સ્વીકાર્યો તેઓને હંમેશ માટેનું જીવન મેળવવાની તક મળી.—યોહા. ૧૧:૨૫, ૨૬.

૧૬. ઈસુની આજ્ઞા આજે યહોવાના સાક્ષીઓ કઈ રીતે પાળી રહ્યા છે?

૧૬ પહેલી સદીમાં ઈસુએ શરૂ કરેલું પ્રચારકાર્ય આજે ઘણા મોટા પાયે થઈ રહ્યું છે. ઈસુએ પોતાના શિષ્યોને આ આજ્ઞા કરી હતી: “તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો.” (માથ. ૨૮:૧૯) સાચે જ, તેઓએ એમ કર્યું હતું અને આજે આપણે પણ એમ કરી રહ્યા છે! સિત્તેર લાખ કરતાં વધારે યહોવાના સાક્ષીઓ પૂરા ઉત્સાહથી ૨૩૦ કરતાં વધારે દેશોમાં ઈશ્વરના રાજ્યનો સંદેશો જાહેર કરી રહ્યા છે. તેઓ લાખો લોકોને બાઇબલમાંથી નિયમિત રીતે શીખવે છે. આ પ્રચારકાર્ય સાબિત કરે છે કે આપણે છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છે.

યહોવામાં ભરોસો બતાવતા રહીએ

૧૭. પાઊલે અને પીતરે કયા સૂચનો આપ્યાં?

૧૭ સાચે જ, સૂચનો મળવાથી પહેલી સદીના ખ્રિસ્તીઓને શ્રદ્ધામાં અડગ રહેવા મદદ મળી. દાખલા તરીકે, પ્રેરિત પાઊલ રોમની કેદમાં હતા ત્યારે તેમણે તીમોથીને કહ્યું: ‘જે સત્ય વચનો તેં મારી પાસેથી સાંભળ્યાં એને પકડી રાખ.’ (૨ તીમો. ૧:૧૩) એ શબ્દોથી તીમોથીને ઘણું જ ઉત્તેજન મળ્યું હશે. પ્રેરિત પીતરે પણ સાથી ભાઈ-બહેનોને સહનશીલતા, સંયમ અને એકબીજા માટે લાગણી કેળવવા ઉત્તેજન આપ્યું હતું. એ પછી તેમણે લખ્યું: ‘તમે એ વાતો જાણો છો અને હાલ સત્યમાં સ્થિર છો, તોપણ તમને એ બાબતો નિયમિત યાદ કરાવવાનું હું ચૂકીશ નહિ.’—૨ પીત. ૧:૫-૮, ૧૨.

૧૮. પહેલી સદીના ખ્રિસ્તીઓએ સૂચનોને કેવાં ગણ્યાં?

૧૮ “પવિત્ર પ્રબોધકો દ્વારા અગાઉ જે વચનો કહેવામાં આવ્યાં હતાં” એના જેવા જ વિચારો પાઊલે અને પીતરે લખ્યા હતા. (૨ પીત. ૩:૨) તો શું પહેલી સદીના ભાઈઓને એ સૂચનો વાંચીને ગુસ્સો આવ્યો? ના, કેમ કે તેઓ જાણતા હતા કે સૂચનો આપીને ઈશ્વર પ્રેમ બતાવી રહ્યા છે. સૂચનોની મદદથી તેઓ ‘પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તની કૃપામાં અને જ્ઞાનમાં વધતા ગયા.’—૨ પીત. ૩:૧૮.

૧૯, ૨૦. શા માટે આપણે યહોવાનાં સૂચનોમાં ભરોસો મૂકવો જોઈએ અને એમ કરવાથી શું ફાયદો થશે?

૧૯ બાઇબલમાં આપેલાં સૂચનો કદી નિષ્ફળ ગયાં નથી. તેથી, યહોવાનાં એ સૂચનોમાં ભરોસો મૂકવાનાં આપણી પાસે ઘણાં કારણો છે. (યહોશુઆ ૨૩:૧૪ વાંચો.) બાઇબલ જણાવે છે કે હજારો વર્ષો દરમિયાન ઈશ્વર કઈ રીતે મનુષ્ય સાથે વર્ત્યા છે. એ ઇતિહાસ પણ આપણા ભલા માટે નોંધવામાં આવ્યો હતો. (રોમ. ૧૫:૪; ૧ કોરીં. ૧૦:૧૧) આપણે બાઇબલની ભવિષ્યવાણી પૂરી થતા જોઈ છે. ભવિષ્યવાણીઓને સૂચનો સાથે સરખાવી શકાય, જે અગાઉથી જણાવવામાં આવે છે. દાખલા તરીકે, ભાખવામાં આવ્યું હતું કે “છેલ્લા કાળમાં” લાખો લોકો યહોવાની સાચી ભક્તિ તરફ દોરાશે. હાલમાં, એમ જ થઈ રહ્યું છે! (યશા. ૨:૨, ૩) દુનિયાની બગડતી હાલત પણ બાઇબલની ભવિષ્યવાણી પૂરી કરે છે. તેમ જ, આજે દુનિયા ફરતે મોટા પાયે થઈ રહેલું પ્રચારકાર્ય પણ ઈસુના શબ્દો પૂરા કરે છે.—માથ. ૨૪:૧૪.

૨૦ યહોવાએ સદીઓ દરમિયાન પુરવાર કર્યું છે કે આપણે તેમનામાં પૂરો ભરોસો મૂકી શકીએ છીએ. શું આપણે તેમનાં સૂચનોમાંથી લાભ મેળવી રહ્યા છીએ? આપણે તેમનાં સૂચનોમાં અડગ શ્રદ્ધા રાખવી જોઈએ. રોસલીન નામનાં એક બહેને જણાવ્યું: ‘હું યહોવામાં પૂરો ભરોસો મૂકતી ગઈ તેમ, હું તેમનો પ્રેમાળ હાથ મારા પર જોઈ શકી. એનાથી મને ટકી રહેવા શક્તિ મળતી.’ આ બહેનની જેમ, આપણે પણ યહોવાનાં સૂચનોમાં ભરોસો મૂકીને લાભ મેળવતા રહીએ.