સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વર પાસે આવવામાં મારું ભલું છે

ઈશ્વર પાસે આવવામાં મારું ભલું છે

હું ૯ વર્ષની હતી ત્યારે મારા શરીરનો વિકાસ રોકાઈ ગયો. આજે હું ૪૩ વર્ષની છું પણ મારું કદ ફક્ત ૩ ફૂટ છે. મારાં માતા-પિતાને જ્યારે ખ્યાલ આવ્યો કે હવે મારું કદ નહિ વધે, ત્યારે તેઓએ મને સખત મહેનત કરવા ઉત્તેજન આપ્યું. તેઓ ચાહતાં કે હું મારા કદ વિશે સતત વિચાર્યા ન કરું. પોતાને વ્યસ્ત રાખવા મારા ઘરની બહાર મેં ફળની એક નાનકડી દુકાન ખોલી. હું બધું જ સરસ રીતે ગોઠવીને રાખતી, એટલે ઘણા ગ્રાહકો ફળ ખરીદવા મારી પાસે આવતા.

જોકે, સખત મહેનત કરવાથી પણ મારા જીવનમાં કંઈ બદલાયું નહિ. આખરે તો મારું કદ એટલું ને એટલું જ રહ્યું અને રોજબરોજનાં સાધારણ કામો કરવામાં પણ મને મુશ્કેલી નડતી રહી. અરે, દુકાનનાં કાઉન્ટર પણ મને ઊંચાં લાગતાં. મને એવું લાગતું કે દરેક વસ્તુ મારા કરતાં બમણી ઊંચાઈવાળા લોકો માટે બનાવવામાં આવી છે. હું ઘણી લાચારી અનુભવતી. પરંતુ, જ્યારે હું ૧૪ વર્ષની થઈ ત્યારે મારા એ વિચારમાં બદલાણ આવ્યું.

એક દિવસે મારી દુકાન પર બે સ્ત્રીઓ ફળ ખરીદવાં આવી. તેઓ યહોવાના સાક્ષીઓ હતાં. ખરીદી કર્યાં પછી તેઓએ મને બાઇબલ અભ્યાસ કરવા માટે પૂછ્યું. થોડા જ સમયમાં મને અહેસાસ થયો કે મારા કદની ચિંતા કરવા કરતાં યહોવા અને તેમના હેતુ વિશે જાણવું વધારે મહત્ત્વનું છે. એના લીધે મને ઘણી રાહત મળી. ગીતશાસ્ત્ર ૭૩:૨૮ મારી મનગમતી કલમ બની ગઈ. એ કલમનો પહેલો ભાગ જણાવે છે: ‘ઈશ્વર પાસે આવવામાં મારું ભલું છે.’

એ અરસામાં અચાનક અમારા કુટુંબને કોટ ડીવાંર (આઇવરી કોસ્ટ) છોડીને બર્કિના ફાસો જવાનું થયું. ત્યાં મારું જીવન ઘણું બદલાઈ ગયું. મારા જૂના ઘરે અડોશપડોશના લોકો મને ફળની દુકાને કામ કરવા જોવાથી ટેવાયેલા હતા. જ્યારે કે, અહીં નવી જગ્યાના લોકો માટે હું અજાણી વ્યક્તિ હતી. લોકોને હું દેખાવમાં અજુગતી લાગતી. બહાર જતી તો લોકો મને જોયા કરતા, એટલે હું ઘણાં અઠવાડિયાઓ સુધી ઘરમાં જ પૂરાઈ રહી. પછી, મને યાદ આવ્યું કે યહોવાની નજીક જવા હું જે પ્રયત્નો કરતી હતી એ મારા માટે સારા હતા. મેં યહોવાના સાક્ષીઓની શાખા કચેરીને પત્ર લખ્યો. મને બાઇબલમાંથી શીખવવા તેઓએ નેની નામના એક મિશનરી બહેનને મોકલ્યાં. એક સ્કૂટર પર તે મારા ઘરે આવ્યાં હતાં. મને જેની જરૂર હતી એવી વ્યક્તિ મારી મદદે આવી!

મારા ઘરની આસપાસના રસ્તાઓ માટીવાળા અને લપસી જવાય એવા હતા. અરે, વરસાદમાં તો ત્યાં કીચડ થઈ જતું. નેનીબહેન મને બાઇબલ શીખવવાં આવતાં ત્યારે, તે ઘણી વખત લપસી પડ્યાં હતાં. તોપણ, તેમણે મારા ઘરે આવવાનું છોડ્યું નહિ. એક દિવસે તેમણે મને સભામાં પર આવવાનું આમંત્રણ આપ્યું. મારા માટે એ ખૂબ અઘરું હતું. કેમ કે એ માટે મારે ઘરની બહાર નીકળવાનું હતું અને લોકોની નજરનો સામનો કરવાનો હતો. બીજું કે, મને સ્કૂટર પર બેસાડવાથી, મારા વજનને લીધે બહેન માટે સ્કૂટર ચલાવવું અઘરું બને એમ હતું. છતાં, મારી મનગમતી કલમનો બીજો ભાગ મનમાં રાખીને, મેં તેમની પર સભાઓમાં જવા માટે હા પાડી. એ કલમનો બીજો ભાગ જણાવે છે: “મેં પ્રભુ યહોવાને મારો આશ્રય કર્યો છે.”

અમુક વાર હું અને બહેન નેની રસ્તા પર લપસી પડ્યાં હતાં. પરંતુ, અમે એની દરકાર ન કરી, કારણ કે અમને સભાઓમાં જવું ખૂબ ગમતું. રાજ્યગૃહની અંદર ભાઈ-બહેનોની સ્મિતભરી નજરમાં અને રાજ્યગૃહની બહારના લોકોની ટગર ટગર જોતી નજરમાં આભ-જમીનનો ફરક હતો! ત્યાર બાદ, નવ મહિના પછી મેં બાપ્તિસ્મા લીધું.

મારી મનગમતી કલમનો છેલ્લો ભાગ કહે છે: “હું તારાં સર્વ કૃત્યો પ્રગટ કરું.” હું જાણતી હતી કે પ્રચારમાં જવું મારા માટે સૌથી મોટો પડકાર બનશે. ઘરઘરના સાક્ષીકાર્યમાં હું પહેલી વાર ગઈ હતી એ મને હજીયે યાદ છે. નાના-મોટા બધા લોકો મને તાકીને જોવા લાગ્યા. ઘણા મારી પાછળ પાછળ આવ્યા અને મારી ચાલ જોઈને મજાક ઉડાવવા લાગ્યા. એનાથી મને ઘણું દુઃખ થયું! પરંતુ, મેં વિચાર્યું કે નવી દુનિયાની મને જેટલી જરૂર છે, એટલી જ તેઓને પણ છે. એ વિચારને લીધે હું એ બધું સહી શકી.

મારું કામ આસાન બનાવવા, મેં ત્રણ પૈડાંવાળી હાથથી ચાલતી એક સાઇકલ વસાવી. ટેકરો આવે ત્યારે મારા સાથી પ્રચારક સાઇકલને ધક્કો મારી આપતાં. પછી, ઢાળ ઊતરતી વખતે તે છલાંગ મારીને મારી સાઇકલ પર બેસી જતાં. ખરું કે શરૂઆતમાં સેવાકાર્ય કરવું મારા માટે એક મોટો પડકાર હતો. પણ સમય જતાં મને એનાથી ખૂબ ખુશી મળવા લાગી. વર્ષ ૧૯૯૮માં મેં નિયમિત પાયોનિયરીંગ શરૂ કર્યું.

હું ઘણા બાઇબલ અભ્યાસ ચલાવતી અને મારા ૪ બાઇબલ વિદ્યાર્થીઓએ બાપ્તિસ્મા લીધું. મને ખુશી છે કે મારી એક બહેન પણ સત્યમાં આવી. સત્યમાં બીજાઓની પ્રગતિ જોઈને મને જરૂરના સમયે ઉત્તેજન મળી રહેતું. એક વાર હું મૅલેરિયાથી પીડાઈ રહી હતી, ત્યારે મને આઇવરી કોસ્ટથી એક પત્ર આવ્યો. એ પત્રમાં મને મારા એક બાઇબલ વિદ્યાર્થીની પ્રગતિ વિશે જાણવા મળ્યું. એ છોકરો બર્કિના ફાસોની એક યુનિવર્સિટીમાં ભણતો હતો. હું તેનો અભ્યાસ તેના ઘરના બારણે ઊભી-ઊભી લેતી. એ અભ્યાસ મેં મંડળના એક ભાઈને સોંપી દીધો હતો. થોડા સમય પછી, એ બાઇબલ વિદ્યાર્થી આઇવરી કોસ્ટ રહેવા જતો રહ્યો હતો. પત્રમાં મેં જ્યારે વાંચ્યું કે તે હવે બાપ્તિસ્મા ન પામેલો પ્રકાશક બન્યો છે, ત્યારે મારી ખુશીનો કોઈ પાર ન રહ્યો!

કદાચ તમને સવાલ થાય કે, ગુજરાન ચલાવવા હું શું કરું છું? અપંગ લોકોને મદદ આપતી એક સંસ્થાએ મને સીવણકામ શીખવા વિશે પૂછ્યું. ત્યાં અમારા એક શિક્ષકે જોયું કે મારામાં કામ કરવાની સારી આવડતો છે, એટલે તેમણે કહ્યું, ‘અમારે તને સાબુ બનાવતા શીખવવું જોઈએ.’ પછી, તેઓએ મને સાબુ બનાવવાનું શીખવ્યું. હવે, હું મારા ઘરમાં જ સાબુ બનાવવાનો ધંધો કરું છું. એ સાબુ કપડાં ધોવામાં અને ઘરકામમાં વપરાય છે. મારા બનાવેલા સાબુ ગ્રાહકોને ખૂબ ગમે છે. તેઓ બીજાઓને પણ એ ખરીદવાની ભલામણ કરે છે. ગ્રાહકોને સાબુ પહોંચતા કરવા હું ત્રણ પૈડાંવાળા મારા સ્કૂટર પર જાતે જઉં છું.

મને જણાવતા ઘણું દુઃખ થાય છે કે કમરમાં સખત દુઃખાવો રહેવાને કારણે મારે વર્ષ ૨૦૦૪માં પાયોનિયરીંગ બંધ કરવું પડ્યું. જોકે, હું આજે પણ સાક્ષીકાર્યમાં નિયમિત રીતે ભાગ લઉં છું.

લોકો કહે છે કે મારું સ્મિત મારી ઓળખ છે. અને કેમ ન હોય, ખુશ રહેવાનું મારી પાસે એક કારણ છે! ઈશ્વરની નજીક આવવાથી મારું ભલું થયું છે.—સારાહ માયગાના જણાવ્યા પ્રમાણે.