સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલ જીવન સુધારે છે

બાઇબલ જીવન સુધારે છે

બાઇબલ જીવન સુધારે છે
  • જન્મ: ૧૯૮૧

  • દેશ: અમેરિકા

  • પહેલાં કેવા હતા: ખોટા માર્ગે ચઢેલો દીકરો

મારો ભૂતકાળ:

મારો જન્મ માઉન્ડ્‌સવીલમાં થયો હતો. એ એક શાંત ગામ છે, જે અમેરિકામાં પશ્ચિમ વર્જિનિયાના ઉત્તરી ભાગમાં આવેલી ઓહાયો નદીની નજીક છે. અમે ત્રણ ભાઈ અને એક બહેન છીએ. હું બીજા નંબરનો છું. અમે ચાર બાળકો હોવાને લીધે અમારા ઘરમાં કોઈને ભાગ્યે જ કંટાળો આવે. મારા માબાપ મહેનતુ અને ઈમાનદાર હોવાની સાથે સાથે બીજાઓ માટે પ્રેમ પણ રાખતાં. અમે પૈસાદાર ન હતા, પણ અમને જીવન જરૂરી બાબતો મળી રહેતી. મમ્મી-પપ્પા યહોવાના સાક્ષીઓ હોવાથી તેઓએ અમને નાનપણથી બાઇબલના ધોરણો શીખવવા બનતું બધું કર્યું હતું.

જોકે, તરુણ વયનો થયો ત્યાં સુધીમાં જે શીખ્યો હતો એનાથી વિરુદ્ધ જવાનું મન થવા લાગ્યું. હું શંકા કરવા લાગ્યો કે બાઇબલના ધોરણો પ્રમાણે જીવવામાં કોઈ અર્થ ખરો? શું એમાં સાચો સંતોષ મળી શકે? મને લાગતું કે મન ફાવે એમ જીવવામાં જ ખરી આઝાદી છે. જલદી જ મેં યહોવાના સાક્ષીઓની સભાઓમાં જવાનું બંધ કરી દીધું. મારા ભાઈ અને બહેન પણ મારી સાથે જોડાયાં. મમ્મી-પપ્પાએ અમને મદદ કરવાની પૂરી કોશિશ કરી, પણ અમે તેમની કદર કરી નહિ.

મને ખ્યાલ પણ ન હતો કે જેને હું ખરી આઝાદી ગણતો હતો, એ મને વ્યસનનો ગુલામ બનાવી દેશે. એક દિવસ સ્કૂલેથી ઘરે આવતા મારા મિત્રએ મને સિગારેટ આપી. મેં તરત લઈ લીધી. એ દિવસ પછી, મેં એવી ઘણી ખરાબ આદતોની શરૂઆત કરી. સમય જતાં, મને દારૂ અને ડ્રગ્સની લત લાગી. તેમ જ, હું વ્યભિચાર જેવી બાબતો કરવા લાગ્યો. એ પછીના અમુક વર્ષોમાં મેં વધારે નશો ચઢાવે એવાં જોખમી ડ્રગ્સ અજમાવ્યાં અને એનો બંધાણી બન્યો. હું વ્યસનની આદતમાં વધુ ફસાતો ગયો. એટલે મારા ખર્ચા પૂરા પાડવા મેં ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું.

મારું મન ડંખતું પણ હું એને ગણકારતો નહિ. જેટલું એમ કરતો એટલું વધારે થતું કે હું ખોટું જીવન જીવું છું. મને એમ લાગતું કે જીવનમાં ઘણાં ખોટાં કામ કરી બેઠો છું, જેને હવે સુધારવાં શક્ય નથી. હું ઘણી પાર્ટીઓ અને સંગીતના પ્રોગ્રામમાં જતો, ત્યાં આસપાસ ઘણા લોકો હોવા છતાં મને એકલું લાગતું. હું ઉદાસ થઈ જતો. અમુક વાર થતું કે મારા મમ્મી-પપ્પા કેટલા સારાં છે અને હું કઈ રીતે ખોટા માર્ગે ચઢી ગયો.

બાઇબલે કઈ રીતે મારું જીવન સુધાર્યું:

મારું જીવન સુધારશે એવી આશા મેં છોડી દીધી હતી, પણ અમુકે નહોતી છોડી. મારા મમ્મી-પપ્પાએ વર્ષ ૨૦૦૦માં મને યહોવાના સાક્ષીઓના ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં આવવાનું આમંત્રણ આપ્યું. મારી ઇચ્છા ન હતી છતાં હું ગયો. નવાઈની વાત છે કે મારી જેમ ખોટા માર્ગે ચઢેલાં મારા ભાઈ અને બહેન પણ સંમેલનમાં આવ્યાં હતાં.

સંમેલનમાં હતો ત્યારે મને યાદ આવ્યું કે, હું આશરે એકાદ વર્ષ પહેલાં આ જ જગ્યાએ રોક કન્સર્ટમાં (સંગીતના પ્રોગ્રામમાં) આવ્યો હતો. સંગીતના પ્રોગ્રામ અને સંમેલન વચ્ચેનો તફાવત મારા દિલને ખૂબ અસર કરી ગયો. સંગીતના પ્રોગ્રામ વખતે આ જગ્યા કચરા અને સિગારેટના ધૂમાડાથી ભરેલી હતી. લોકોને એકબીજાની કંઈ પડી ન હતી. તેમ જ, ખૂબ ઉદાસ કરી નાખે એવું સંગીત હતું. જ્યારે કે, સંમેલનમાં મારી ચારે બાજુ આનંદ અને ખુશીથી ભરેલાં લોકો હતા. હું ઘણાં વર્ષોથી તેઓને મળ્યો ન હતો, છતાં તેઓએ મારો દિલથી આવકાર કર્યો. જગ્યા પણ એકદમ સાફ રાખવામાં આવી હતી અને સંદેશો સારી આશા આપનારો હતો. બાઇબલ સત્યની મારા પર જે સારી અસર પડી એનાથી હું વિચારવા લાગ્યો કે ‘મેં સત્ય કેમ છોડી દીધું!’—યશાયા ૪૮:૧૭, ૧૮.

“બાઇબલની મદદથી, હું ડ્રગ્સના બંધનમાંથી છુટ્યો અને એની લે-વેચ કરવાનું બંધ કરી શક્યો. તેમ જ, હું એક સારો વ્યક્તિ બન્યો”

સંમેલન પછી તરત જ મેં સાક્ષીઓની સભાઓમાં જવાનો નિર્ણય કર્યો. મારા ભાઈ અને બહેનને પણ સંમેલનમાં સારો અનુભવ થયો હતો. એટલે તેઓએ પણ સભામાં આવવાનું નક્કી કર્યું. અમે ત્રણે જણે બાઇબલ અભ્યાસ સ્વીકાર્યો.

બાઇબલની એક કલમ મને ખૂબ અસર કરી ગઈ. એ યાકૂબ ૪:૮ છે: “તમે ઈશ્વરની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.” મને સમજાયું કે ઈશ્વર સાથે ગાઢ સંબંધ બાંધવા મારે જીવનમાં ઘણા સુધારા કરવા પડશે. જેમ કે, મારે તમાકુ, ડ્રગ્સ, દારૂ અને એવી બીજી બાબતો છોડવી પડશે.—૨ કોરીંથી ૭:૧.

મેં ખરાબ દોસ્તી છોડી દીધી અને યહોવાના સાક્ષીઓમાંથી નવા દોસ્તો બનાવ્યા. મારી સાથે અભ્યાસ કર્યો હતો એ સાક્ષી વડીલે મને ખૂબ મદદ કરી. તે મને કાયમ ફોન કરતા અને આવતા-જતા મારી ખબર પૂછતા. આજ સુધી તે મારા ખાસ દોસ્ત છે.

મેં યહોવાને જીવન સમર્પણ કર્યું છે એ બતાવવા ૨૦૦૧ની વસંતમાં બાપ્તિસ્મા લીધું. મારા મોટા ભાઈ અને બહેનને પણ એમ જ કર્યું. આખરે, અમે બધા યહોવાની ભક્તિમાં એક થયા. એ જોઈને મારા મમ્મી-પપ્પા અને નાના ભાઈના આનંદનો પાર ન રહ્યો.

મને કઈ રીતે ફાયદો થયો:

પહેલાં મને લાગતું હતું કે બાઇબલના સિદ્ધાંતો બાંધી રાખનારા છે. પણ હવે હું એને રક્ષણ આપનારા ગણું છું. બાઇબલની મદદથી, હું ડ્રગ્સના બંધનમાંથી છુટ્યો અને એની લે-વેચ કરવાનું બંધ કરી શક્યો. તેમ જ, હું એક સારો વ્યક્તિ બન્યો.

આજે દુનિયા ફરતે યહોવાના ભક્તો એકમતે ભક્તિ કરે છે. અને એકબીજાને ખરો પ્રેમ બતાવે છે. (યોહાન ૧૩:૩૪, ૩૫) આવા ભાઈચારાનો એક ભાગ બનવાનો મને લહાવો મળ્યો છે. આ ભાઈ-બહેનોની વચ્ચે રહેવાથી મને એક ખાસ આશીર્વાદ મળ્યો. મને એદ્રીઆન મળી, જે હવે મારી પત્ની છે. હું તેને ખૂબ પ્રેમ કરું છું. તેની સાથે યહોવાની ભક્તિ કરવાનો મને ઘણો આનંદ મળે છે.

પોતા માટે જીવવાને બદલે હવે હું બીજાઓને મદદ કરવા પૂરો સમય સેવામાં આપું છું. લોકોને શીખવું છું કે બાઇબલને અનુસરવાથી તેઓને પણ જીવનમાં ફાયદો થઈ શકે. એ કામમાં મને સૌથી વધારે આનંદ મળે છે. હું પૂરી ખાતરીથી કહી શકું છું કે બાઇબલે મારું જીવન સુધાર્યું છે. આખરે મને ખરા અર્થમાં આઝાદી મળી! (w13-E 01/01)