સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુખ્ય વિષય: શું ઈશ્વર ક્રૂર છે?

ઈશ્વરને લોકો શા માટે ક્રૂર કહે છે?

ઈશ્વરને લોકો શા માટે ક્રૂર કહે છે?

આ મૅગેઝિનના પહેલાં પાન પરનો સવાલ વાંચીને શું તમને આંચકો લાગે છે? કેટલાંકને એવું થાય છે. પણ આજે ઘણા લોકો શંકા કરે છે કે ઈશ્વર ક્રૂર છે અથવા, તેઓ તેમને ક્રૂર માની લે છે. શા માટે?

કુદરતી આપત્તિઓમાંથી બચી ગયેલા અમુક લોકો સવાલ ઉઠાવે છે. તેઓ પૂછે છે: “ઈશ્વર શા માટે આ બધું થવા દે છે? તેમને શું માણસોની કંઈ પડી નથી? કે પછી, તે ક્રૂર છે?”

બીજાઓ બાઇબલ વાંચે છે ત્યારે એ સવાલ પૂછે છે. જ્યારે તેઓ નુહ અને જળપ્રલયને લગતો અહેવાલ, કે એવા બીજા પ્રસંગો વાંચે છે ત્યારે વિચારે છે, ‘પ્રેમાળ ઈશ્વરે કેમ બધા લોકોને મારી નાખ્યાં? શું તે ક્રૂર છે?’

શું કોઈ વાર તમને પણ આવા સવાલો થાય છે? અથવા, આવા સવાલો ઉઠાવનારને જવાબ આપવો તમને અઘરું લાગે છે? બંને કિસ્સાઓમાં મદદ માટે આ સવાલો પર વિચાર કરો.

આપણે કેમ ક્રૂરતાને ધિક્કારીએ છીએ?

સાદા શબ્દોમાં કહીએ તો, આપણે ખરું-ખોટું નક્કી કરી શકતા હોવાથી ક્રૂરતાને નફરત કરીએ છીએ. આમ, એ વાતમાં આપણે પ્રાણીઓથી એકદમ જુદાં પડીએ છીએ. સર્જનહારે “પોતાના સ્વરૂપ પ્રમાણે” આપણને બનાવ્યા છે. (ઉત્પત્તિ ૧:૨૭) એનો શું અર્થ થાય? ઈશ્વરે આપણને તેમના જેવા ગુણો બતાવવાની અને તેમના નૈતિક ધોરણો પ્રમાણે ચાલવાની ક્ષમતા આપી છે. એટલે, તેમની જેમ આપણે ખરું-ખોટું પારખી શકીએ છીએ. જરા વિચારો: જો ઈશ્વરે આપણને ખરું-ખોટું પારખવાની શક્તિ આપી હોય અને આપણે ક્રૂરતાને ધિક્કારતા હોઈએ તો, શું એ સાબિત નથી થતું કે ઈશ્વર પણ ક્રૂરતાને ધિક્કારે છે?

બાઇબલ આ દલીલને ટેકો આપે છે. ઈશ્વર આપણને ખાતરી આપે છે: “મારા માર્ગો તમારા માર્ગોથી, ને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે.” (યશાયા ૫૫:૯) જો આપણે માની લઈએ કે ઈશ્વર ક્રૂર છે, તો બાઇબલ શિક્ષણથી સાવ અલગ કહીએ છીએ. શું આપણે એમ કહીએ છીએ કે ઈશ્વરના માર્ગો કરતાં આપણા માર્ગો ઊંચા છે? એવું વિચારતા પહેલાં, વધારે હકીકતો જાણવામાં શાણપણ છે. ઈશ્વર ક્રૂર છે કે નહિ, એમ પૂછવાને બદલે કદાચ આપણે એમ પૂછવું જોઈએ કે, તેમના અમુક કામો શા માટે ક્રૂર લાગે છે. એ સમજવા, ચાલો જોઈએ કે “ક્રૂરતા”નો હકીકતમાં શું અર્થ થાય.

આપણે કોઈને ક્રૂર કહીએ ત્યારે એમ માની લઈએ છીએ કે તેના ઇરાદા ખોટા છે. ક્રૂર એને કહેવાય, જે બીજાઓને પીડાતા જોઈને ખુશ થાય અથવા તેઓના દુઃખોની તેને કંઈ પડી ન હોય. એટલે, જો એક પિતા પોતાના પુત્રને એટલા માટે શિક્ષા કરે, કારણ કે તેને પુત્રની લાગણીઓ ઘવાતી જોવાની મજા આવે છે, તો એ ક્રૂરતા કહેવાય. પણ જો પિતા શિખામણ કે રક્ષણ માટે પુત્રને શિક્ષા કરે તો એ સારું કહેવાય. આપણે કાયમ એ જાણતા નથી કે, બીજાઓ શા માટે અમુક રીતે વર્તે છે. એટલે તેઓના ઇરાદા વિશે આપણને સહેલાઈથી ગેરસમજ થઈ શકે.

કેટલાંક લોકો કેમ ઈશ્વરને ક્રૂર ગણે છે, એ વિશે બે કારણોનો વિચાર કરો: (૧) આજે જોવા મળતી કુદરતી આપત્તિઓ, અને (૨) ઈશ્વરે લોકોને સજા કરી હોય એવા બનાવો, જે બાઇબલમાં વાંચવા મળે છે. શું હકીકતો ખરેખર એમ બતાવે છે કે ઈશ્વર ક્રૂર છે? (w13-E 05/01)