સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમને કઈ રીતે અસર કરે છે—રંગો

તમને કઈ રીતે અસર કરે છે—રંગો

તમે આજુબાજુ નજર નાખો ત્યારે, તમારી આંખો અને મગજ સાથે મળીને માહિતી એકઠી કરે છે. તમે ફળ જુઓ છો અને નક્કી કરો છો કે એને ખાવું કે નહિ. તમે આકાશ તરફ નજર નાખો છો અને નક્કી કરો છો કે આજે વરસાદ નહિ પડે. હમણાં તમે શબ્દો જોઈ રહ્યા છો અને એનો અર્થ સમજો છો. આ બધામાં રંગો છે, જે તમને અસર કરે છે. કઈ રીતે?

ફળનો રંગ તમને એ નક્કી કરવા મદદ કરે છે કે એ કેટલું પાકેલું અને આકર્ષક છે. આકાશ અને વાદળોનો રંગ તમને હવામાન પારખવા મદદ કરે છે. આ લેખના શબ્દોનો રંગ અને એની પાછળના રંગ વચ્ચે ફરક છે, પણ તમારી આંખ એ સહજતાથી લે છે. જાણતા-અજાણતા જ તમે માહિતી મેળવવા રંગોનો ઉપયોગ કરો છો. એટલું જ નહિ, રંગો તમારી લાગણીઓને પણ અસર કરે છે.

લાગણીઓને અસર કરે છે—રંગો

દુકાનમાં અનેક વસ્તુઓ હોય છે, એનું પૅકિંગ એવું હોય છે જેથી તમારું ધ્યાન ખેંચાય. જાહેરાત કરનારાઓ રંગોનો એવો ઉપયોગ કરે છે જેથી એ વસ્તુ તમને આકર્ષક લાગે. વ્યક્તિ, ઉંમર અને ઇચ્છા ધ્યાનમાં રાખીને રંગો પસંદ કરવામાં આવે છે. ઘર શણગારનારાઓ, કપડાં બનાવનારાઓ અને કલાકારો પણ જાણે છે કે રંગો લાગણીઓ પર ઊંડી અસર કરે છે.

દરેક વ્યક્તિ માટે રંગોનો અર્થ અલગ અલગ હોય છે, જેનું કારણ સ્થાનિક રિવાજ અને સંસ્કૃતિ છે. દાખલા તરીકે, એશિયામાં અમુક લોકો લાલ રંગને સારા ભાવિ અને ઉજવણી સાથે સાંકળે છે. પરંતુ, આફ્રિકાના અમુક ભાગમાં લાલ રંગને શોકનો રંગ ગણવામાં આવે છે. ભલે વ્યક્તિનો ઉછેર ક્યાંય પણ થયો હોય, અમુક રંગો એવા છે જેનાથી એક સરખી લાગણી ઊભરાય છે. ચાલો, ત્રણ રંગો વિશે જોઈએ કે એ કઈ રીતે તમને અસર કરે છે.

લાલ ઘણા દૂરથી પણ જોઈ શકાય છે. લાલને મોટા ભાગે શક્તિ, યુદ્ધ અને ભય સાથે સાંકળવામાં આવે છે. એ લાગણી ભડકાવનાર રંગ છે, એનાથી પાચન શક્તિ વધે છે, શ્વાસોચ્છવાસ વધે છે અને બ્લડ પ્રેશર વધે છે.

બાઇબલમાં લાલ રંગ માટે વપરાયેલો હિબ્રૂ શબ્દ “લોહી” માટે વપરાતા શબ્દ પરથી ઊતરી આવ્યો છે. બાઇબલમાં ખૂની વેશ્યાને ઘેરા લાલ કે કિરમજી રંગની કહી છે, જેણે જાંબુઆ અને લાલ રંગના વસ્ત્ર પહેરેલા છે. તે “કિરમજી રંગના શ્વાપદ” પર બેઠેલી છે, જે “ઈશ્વરનિંદક નામોથી ભરેલું” છે.—પ્રકટીકરણ ૧૭:૧-૬.

લીલો રંગ એવી લાગણી પ્રેરે છે, જે લાલ રંગની વિરુદ્ધ છે. આ રંગ પાચન પ્રક્રિયા ધીમી પાડે છે અને મન શાંત કરે છે. લીલો રંગ આરામ અને સ્થિરતા સાથે સંકળાયેલો છે. લીલાંછમ બગીચા અને ટેકરીઓ જોઈએ ત્યારે, તણાવ ઓછો થાય છે. ઉત્પત્તિનો અહેવાલ જણાવે છે કે ઈશ્વરે મનુષ્ય માટે લીલું ઘાસ અને શાકભાજી આપ્યું છે.—ઉત્પત્તિ ૧:૧૧, ૧૨, ૩૦.

સફેદ રંગનો ઉલ્લેખ પ્રકાશ, સુરક્ષા અને સ્વચ્છતા માટે થાય છે. ભલાઈ, નિખાલસતા અને શુદ્ધતા સાથે પણ આ રંગ જોડાયેલો છે. બાઇબલમાં ઘણી વાર સફેદ રંગનો ઉલ્લેખ થયો છે. દર્શનમાં મનુષ્યો અને દૂતોને સફેદ કપડાં પહેરેલા દર્શાવવામાં આવે છે, જેનો હેતુ ન્યાયપણા અને ભક્તિમાં શુદ્ધતા પર ભાર આપવાનો હોય છે. (યોહાન ૨૦:૧૨; પ્રકટીકરણ ૩:૪; ૭:૯, ૧૩, ૧૪) શ્વેત ઘોડાઓ પર સફેદ ઝભ્ભા પહેરેલા ઘોડેસવારો ન્યાયી યુદ્ધને દર્શાવે છે. (પ્રકટીકરણ ૧૯:૧૪) સફેદ રંગનો ઉપયોગ કરીને ઈશ્વર ભાર આપે છે કે તે આપણાં પાપ માફ કરવા તૈયાર છે: “તમારાં પાપ જોકે લાલ વસ્ત્રના જેવાં હોય, તો પણ તેઓ હિમ સરખાં શ્વેત થશે.”—યશાયા ૧:૧૮.

યાદ રાખવા ઉપયોગી છે—રંગો

ઈશ્વર એ સારી રીતે જાણે છે કે રંગો મનુષ્યોની લાગણીને અસર કરે છે, એ બાઇબલમાંથી જોવા મળે છે. દાખલા તરીકે, પ્રકટીકરણનું પુસ્તક હાલમાં માણસો અનુભવે છે એ વિશે જણાવે છે. જેમ કે, ભૂખમરો અને મરકીને લીધે થતું મરણ, યુદ્ધો અને દુકાળ. આપણે યાદ રાખી શકીએ માટે દર્શનમાં ઘોડા અને તેના સવારોને સાદી રીતે બતાવવામાં આવ્યા નથી. પણ, અલગ અલગ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પહેલો ઘોડો સફેદ છે. એ ઈસુ ખ્રિસ્તના ન્યાયી યુદ્ધને દર્શાવે છે. એ પછી, લાલ રંગનો ઘોડો છે, જે દેશો વચ્ચેના યુદ્ધને દર્શાવે છે. એની પાછળ, કાળા રંગનો ઘોડો છે, જે દુકાળને દર્શાવે છે. ત્યાર બાદ, ‘ફિક્કા રંગનો એક ઘોડો હતો, તેના પર જે બેઠેલો હતો તેનું નામ મરણ હતું.’ (પ્રકટીકરણ ૬:૧-૮) દરેક ઘોડાનો રંગ આપણામાં એક લાગણી ઉત્પન્ન કરે છે, જે તેના દર્શનના અર્થ સાથે મેળ ખાય છે. આપણે સહેલાઈથી અલગ અલગ રંગોના ઘોડાને યાદ રાખી શકીએ છીએ. ઉપરાંત, આપણા દિવસો વિશેની સમજણ પણ યાદ રાખવા મદદ મળે છે.

બાઇબલમાં એવા તો ઘણાં ઉદાહરણ છે કે, જેમાં રંગો દ્વારા સ્પષ્ટ વર્ણન કરવામાં આવ્યું છે. પ્રકાશ, રંગો અને મનુષ્યની આંખોના રચનાર ઈશ્વર શીખવવા માટે કુશળતાથી રંગોનો ઉપયોગ કરે છે જેથી, વાચકની નજરમાં ચિત્ર ઊભું થાય. આમ, વાચક સહેલાઈથી સમજી શકે છે અને યાદ પણ રાખી શકે છે. માહિતી મેળવવા અને સમજવા રંગો આપણને મદદ કરે છે. રંગો આપણી લાગણીને સ્પર્શે છે. મહત્ત્વની બાબતો યાદ રાખવા રંગો આપણને મદદ કરે છે. જીવનની મજા માણવા, સરજનહાર પાસેથી મળેલી સુંદર ભેટ છે રંગો. (w13-E 10/01)