સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૪૬

સમર્પણ અને બાપ્તિસ્મા કેમ જરૂરી?

સમર્પણ અને બાપ્તિસ્મા કેમ જરૂરી?

જ્યારે એક વ્યક્તિ યહોવાને સમર્પણ કરે છે, ત્યારે તે પ્રાર્થનામાં વચન આપે છે કે તે ફક્ત યહોવાની જ ભક્તિ કરશે અને તેમની ઇચ્છાને જીવનમાં પહેલી રાખશે. (ગીતશાસ્ત્ર ૪૦:૮) પછી તે બાપ્તિસ્મા લે છે. તેના બાપ્તિસ્માથી બીજાઓ જોઈ શકે છે કે, તેણે પોતાનું જીવન યહોવાને સોંપી દીધું છે. યહોવાને પોતાનું જીવન સમર્પિત કરવું એ સૌથી મહત્ત્વનો નિર્ણય છે. એનાથી તમારું જીવન બદલાઈ શકે છે. એ નિર્ણય લેવા તમને શાનાથી પ્રેરણા મળશે? ચાલો જોઈએ.

૧. એક વ્યક્તિ કેમ સમર્પણ કરવા પ્રેરાય છે?

આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ, એટલે આપણું જીવન તેમને સમર્પિત કરીએ છીએ. (૧ યોહાન ૪:૧૦, ૧૯) બાઇબલમાં લખ્યું છે: “તું પૂરા દિલથી અને પૂરા જીવથી અને પૂરા મનથી અને પૂરા બળથી તારા ઈશ્વર યહોવાને પ્રેમ કર.” (માર્ક ૧૨:૩૦) આપણે ફક્ત શબ્દોથી નહિ, કાર્યોથી પણ બતાવીએ છીએ કે આપણે તેમને પ્રેમ કરીએ છીએ. જો એક છોકરો અને છોકરી એકબીજાને સાચે જ પ્રેમ કરતા હશે, તો તેઓ લગ્‍ન કરવાનો નિર્ણય લેશે. એવી જ રીતે, જો આપણે સાચે જ યહોવાને પ્રેમ કરીએ છીએ, તો પોતાનું જીવન સમર્પિત કરીશું અને બાપ્તિસ્મા લઈશું.

૨. જેઓ બાપ્તિસ્મા લઈને યહોવાના સાક્ષી બને છે, તેઓને યહોવા કયા આશીર્વાદ આપે છે?

તમે બાપ્તિસ્મા લો છો ત્યારે યહોવાના કુટુંબનો ભાગ બનો છો. એ પછી તમે ઘણી રીતોએ યહોવાનો પ્રેમ જોઈ શકો છો અને તેમની સાથેનો તમારો સંબંધ હજી વધારે ગાઢ બને છે. (માલાખી ૩:​૧૬-૧૮ વાંચો.) તમે બાપ્તિસ્મા લો છો ત્યારે યહોવા તમારા પિતા બને છે. એટલું જ નહિ, તમને આખી દુનિયામાં રહેતાં લાખો ભાઈ-બહેનો મળે છે, જેઓ યહોવાને અને તમને ખૂબ પ્રેમ કરે છે. (માર્ક ૧૦:​૨૯, ૩૦ વાંચો.) પણ બાપ્તિસ્મા પહેલાં તમારે કયાં પગલાં ભરવાની જરૂર છે? તમારે યહોવા વિશે શીખવું જોઈએ, તેમને પ્રેમ કરવો જોઈએ અને તેમના દીકરામાં શ્રદ્ધા મૂકવી જોઈએ. છેલ્લે, તમારે પોતાનું જીવન યહોવાને સમર્પિત કરવું જોઈએ. જો તમે આ બધાં પગલાં ભરશો અને બાપ્તિસ્મા લેશો, તો તમને કાયમ માટે આ પૃથ્વી પર સુખચેનથી જીવવાની તક મળશે. ઈશ્વરના વચન બાઇબલમાં લખ્યું છે: “બાપ્તિસ્મા તમને હમણાં બચાવી રહ્યું છે.”​—૧ પિતર ૩:૨૧.

વધારે જાણો

તમે યહોવાને પોતાનું જીવન સમર્પિત કરો અને બાપ્તિસ્મા લો, એ કેમ જરૂરી છે? ચાલો જોઈએ.

૩. આપણે બધાએ નિર્ણય લેવાનો છે કે કોની ભક્તિ કરીશું

જૂના જમાનામાં અમુક ઇઝરાયેલીઓને લાગતું કે તેઓ યહોવાની સાથે સાથે જૂઠા દેવ બઆલની પણ ભક્તિ કરી શકે છે. પણ તેઓની એ ખોટી માન્યતા સુધારવા યહોવાએ પોતાના પ્રબોધક એલિયાને મોકલ્યા. ૧ રાજાઓ ૧૮:૨૧ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • ઇઝરાયેલીઓએ કયો નિર્ણય લેવાનો હતો?

ઇઝરાયેલીઓની જેમ આપણે પણ નિર્ણય લેવાની જરૂર છે કે આપણે કોની ભક્તિ કરીશું. લૂક ૧૬:૧૩ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • યહોવાની સાથે સાથે આપણે કેમ બીજા કોઈની કે બીજી કોઈ વસ્તુની ભક્તિ નથી કરી શકતા?

  • તમે યહોવાને કઈ રીતે બતાવી શકો કે તમે ફક્ત તેમની જ ભક્તિ કરવાનો નિર્ણય લીધો છે?

૪. યહોવા તમને કેટલો પ્રેમ કરે છે, એનો વિચાર કરો

યહોવાએ આપણને ઘણી બધી અનમોલ ભેટો આપી છે. બદલામાં આપણે તેમને શું આપી શકીએ? વીડિયો જુઓ.

યહોવાએ કઈ રીતોએ બતાવ્યું છે કે તે તમને પ્રેમ કરે છે? ગીતશાસ્ત્ર ૧૦૪:૧૪, ૧૫ અને ૧ યોહાન ૪:૯, ૧૦ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • તમે કઈ ભેટો માટે યહોવાની દિલથી કદર કરવા માંગો છો?

  • એ ભેટોનો વિચાર કરો છો ત્યારે, તમને યહોવા વિશે કેવું લાગે છે?

જો આપણને કોઈ ભેટ આપે અને એ બહુ ગમી જાય, તો આપણે કોઈ ને કોઈ રીતે તે વ્યક્તિનો આભાર માનીશું, ખરું ને? પુનર્નિયમ ૧૬:૧૭ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • યહોવાએ તમારા માટે જે કંઈ કર્યું છે એનો વિચાર કરો છો ત્યારે, તમને યહોવાને શું આપવાનું મન થાય છે?

૫. સમર્પણ કરવાથી ઘણા આશીર્વાદો મળે છે

ઘણા લોકોને લાગે છે કે મોટું નામ, મોટો હોદ્દો અને ઘણા બધા પૈસા હોય તો જ ખુશીઓ મળે છે. પણ શું એ સાચું છે? વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.

  • વીડિયોમાં બતાવેલા ખેલાડીને ફૂટબોલ રમવું બહુ જ ગમતું હતું, તોપણ તેમણે કેમ એ રમત છોડી દીધી?

  • તેમણે નક્કી કર્યું કે ફૂટબોલમાં જીવન વિતાવવાને બદલે યહોવાની સેવામાં પોતાનું જીવન વિતાવશે. શું તમને લાગે છે કે તેમણે ખરો નિર્ણય લીધો? શા માટે?

ઈસુના શિષ્ય બન્યા એ પહેલાં પ્રેરિત પાઉલ દુનિયામાં નામ-દામ કમાવા માંગતા હતા. તેમણે એ સમયના જાણીતા શિક્ષકના હાથ નીચે યહૂદી નિયમશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. પણ ઈસુના શિષ્ય બનવા તેમણે એ બધું છોડી દીધું. શું પાઉલને એનો અફસોસ હતો? ફિલિપીઓ ૩:૮ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • ઈસુના શિષ્ય બન્યા એ પહેલાં પાઉલ જે કરતા હતા, એને તેમણે કેમ “કચરો” ગણ્યો?

  • પાઉલે જે કંઈ જતું કર્યું, એના બદલામાં તેમને શું મળ્યું?

  • શું તમને લાગે છે કે બીજી કોઈ પણ વસ્તુ કરતાં યહોવાની સેવામાં તમને વધારે ખુશી મળશે? તમને એવું કેમ લાગે છે?

ઈસુના શિષ્ય બનવા પાઉલે જે ગુમાવ્યું, એના કરતાં અનેક ગણું મેળવ્યું

અમુક લોકો કહે છે: “મને ખબર છે કે બાપ્તિસ્મા લેવું જોઈએ, પણ હું એના માટે તૈયાર નથી.”

  • તમને શું લાગે છે?

આપણે શીખી ગયા

આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ, એટલે તેમને પોતાનું જીવન સમર્પિત કરીએ છીએ અને બાપ્તિસ્મા લઈએ છીએ.

તમે શું કહેશો?

  • આપણે કેમ ફક્ત યહોવાને જ પૂરા દિલથી પ્રેમ કરવો જોઈએ અને તેમની જ ભક્તિ કરવી જોઈએ?

  • જેઓ બાપ્તિસ્મા લઈને યહોવાના સાક્ષી બને છે, તેઓને યહોવા કયા આશીર્વાદો આપે છે?

  • શું તમે યહોવાને પોતાનું જીવન સમર્પિત કરવા ચાહો છો?

આટલું કરો

વધારે માહિતી

જુઓ કે એક સંગીતકાર અને એક ફૂટબોલ ખેલાડીએ કેમ પોતાનું જીવન યહોવાને સમર્પિત કર્યું.

યુવાનો પૂછે છે​—હું જીવનમાં શું કરવા માંગું છું?​—વીતેલી કાલ પર એક નજર (૬:૫૨)

ચાલો જોઈએ કે સમર્પણ કરવાનાં બીજાં અમુક કારણો કયાં છે.

“યહોવાહને કેમ સમર્પણ કરવું જોઈએ?” (ચોકીબુરજ, જાન્યુઆરી ૧, ૨૦૧૦)

આ ગીતમાં જુઓ કે જેઓ યહોવાને સમર્પણ કરીને બાપ્તિસ્મા લે છે, તેઓને કેટલી ખુશી મળે છે.

તારી ખાતર જીવું (૪:૩૦)

જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે, એનો વિચાર કરવા એક સ્ત્રીને શેનાથી મદદ મળી? “હું હંમેશાં પૂછતી, ‘આપણે કેમ જીવીએ છીએ?’” લેખમાં તેમનો અનુભવ વાંચો.

“પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે” (ચોકીબુરજનો લેખ)