નીતિવચનો ૧૭:૧-૨૮

  • ભલાઈનો બદલો ભૂંડાઈથી ન વાળ (૧૩)

  • તકરાર વધી જાય એ પહેલાં ત્યાંથી નીકળી જા (૧૪)

  • સાચો મિત્ર દરેક સમયે પ્રેમ બતાવે છે (૧૭)

  • “આનંદી હૃદય ઉત્તમ દવા છે” (૨૨)

  • સમજુ માણસ જીભ પર દાબ રાખે છે (૨૭)

૧૭  ઝઘડાના ઘરમાં મિજબાની માણવા* કરતાં,+શાંતિના ઘરમાં સૂકો રોટલો ખાવો વધારે સારું.+  ૨  સમજુ ચાકર માલિકના બેશરમ દીકરા પર રાજ કરશે,તે તેના વારસામાંથી ભાઈની જેમ હિસ્સો મેળવશે.  ૩  ચાંદી ગાળવા કુલડી* અને સોનું ગાળવા ભઠ્ઠી હોય છે,+પણ હૃદયને પારખનાર તો યહોવા છે.+  ૪  દુષ્ટ માણસ દુઃખ પહોંચાડતી વાતો પર ધ્યાન આપે છેઅને કપટી માણસને નિંદા સાંભળવી ગમે છે.+  ૫  ગરીબની મજાક ઉડાવનાર તેના સર્જનહારનું અપમાન કરે છે+અને બીજાની બરબાદી પર ખુશ થનારને સજા થયા વગર રહેશે નહિ.+  ૬  વૃદ્ધોનો મુગટ તેઓનાં પૌત્ર-પૌત્રીઓ છેઅને બાળકોનું* ગૌરવ તેઓના પિતા* છે.  ૭  જો મૂર્ખના મોંએ સારી* વાતો શોભતી ન હોય,+તો શાસકના મોંએ જૂઠી વાત કઈ રીતે શોભે?+  ૮  માલિકની નજરમાં ભેટ કીમતી પથ્થર* જેવી છે,+તે જે કંઈ કરે છે, એ સફળ થાય છે.+  ૯  જે અપરાધ માફ કરે છે,* તે પ્રેમ બતાવે છે,+પણ જે પોતાની જ વાત પર અડી જાય છે, તે ગાઢ મિત્રોને જુદા પાડે છે.+ ૧૦  મૂર્ખ માણસ સો ફટકા ખાય તોય સુધરતો નથી,+પણ સમજુને એક ટકોર પણ બસ છે.+ ૧૧  ખરાબ માણસ વિરોધ કરવાનું બહાનું શોધે છે,પણ ક્રૂર સંદેશવાહક આવશે અને તેને સજા કરશે.+ ૧૨  મૂર્ખની મૂર્ખાઈનો સામનો કરવા કરતાં,+બચ્ચાં છીનવાઈ ગયેલી રીંછડીનો સામનો કરવો વધારે સારું. ૧૩  જે ભલાઈનો બદલો ભૂંડાઈથી વાળે છે,તેના ઘરમાંથી બૂરાઈ હટશે નહિ.+ ૧૪  ઝઘડાની શરૂઆત તો બંધમાંથી પાણી છોડવા જેવું છે,*તકરાર વધી જાય એ પહેલાં ત્યાંથી નીકળી જા.+ ૧૫  દુષ્ટને નિર્દોષ ઠરાવનાર અને નેકને દોષિત ઠરાવનાર,+એ બંનેને યહોવા ધિક્કારે છે. ૧૬  ભલે મૂર્ખ પાસે બુદ્ધિ મેળવવાનો કોઈ રસ્તો હોય,પણ તેને એમ કરવાનું મન* જ ન હોય તો શો ફાયદો?+ ૧૭  સાચો મિત્ર દરેક સમયે પ્રેમ બતાવે છે+ અને મુસીબતના સમયે તે ભાઈ બની જાય છે.+ ૧૮  અક્કલ વગરનો માણસ હાથ મિલાવીને કરાર કરે છેઅને પડોશીની હાજરીમાં જામીન બને* છે.+ ૧૯  જેને ઝઘડા ગમે છે, તેને અપરાધ ગમે છે.+ જે પોતાનો દરવાજો મોટો બનાવે છે, તે વિનાશ નોતરે છે.+ ૨૦  જેના દિલમાં કપટ છે, તેનું ભલું થતું નથી*+અને જે છેતરામણી વાતો કરે છે, તેની બરબાદી થાય છે. ૨૧  મૂર્ખ દીકરાને જન્મ આપનાર પિતા દુઃખી દુઃખી થઈ જશેઅને અણસમજુ બાળકના પિતાને ખુશી મળશે નહિ.+ ૨૨  આનંદી હૃદય ઉત્તમ દવા છે,*+પણ ઉદાસ મન વ્યક્તિને કમજોર બનાવી દે છે.*+ ૨૩  ન્યાય ઊંધો વાળવા+દુષ્ટ માણસ ખાનગીમાં* લાંચ લે છે. ૨૪  સમજુ માણસની નજર બુદ્ધિ પર જ લાગેલી હોય છે,પણ મૂર્ખની આંખો પૃથ્વીના ખૂણે ખૂણે ભટકે છે.+ ૨૫  મૂર્ખ દીકરો પિતાને દુઃખ પહોંચાડે છેઅને માતાનું દિલ દુભાવે છે.*+ ૨૬  નેક માણસને સજા કરવી* યોગ્ય નથીઅને આગેવાનને કોરડા મારવા નિયમ વિરુદ્ધ છે. ૨૭  જ્ઞાની માણસ જીભ પર દાબ રાખે છે+અને સમજુ માણસ ચૂપ રહે છે.+ ૨૮  મૂર્ખ પણ ચૂપ રહે તો, તે બુદ્ધિમાન ગણાશેઅને જે પોતાનું મોં સીવી લે, તે સમજુ ગણાશે.

ફૂટનોટ

મૂળ, “બલિદાનો ખાવા.”
ચાંદી ઓગાળવા અને શુદ્ધ કરવા વપરાતું માટીનું હાંડલું.
અથવા, “દીકરાઓનું.”
અથવા, “માતા-પિતા.”
અથવા, “નેક.”
અથવા, “બરકત લાવતા પથ્થર.”
મૂળ, “ઢાંકે છે.”
અથવા, “નદી પરના બંધના દરવાજા ખોલવા જેવું છે.”
અથવા, “દિલ; અક્કલ.”
અથવા, “બાંહેધરી આપે.”
અથવા, “તે સફળ થતો નથી.”
અથવા, “ઘા રૂઝવે છે.”
અથવા, “હાડકાં સૂકવી નાખે છે; તાકાત ચૂસી લે છે.”
મૂળ, “ખોળામાંથી.”
મૂળ, “કડવાશથી ભરી દે છે.”
અથવા, “દંડ કરવો.”