સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૧ | પ્રાર્થના કરો—“તમારી બધી ચિંતાઓ ઈશ્વર પર નાખી દો”

૧ | પ્રાર્થના કરો—“તમારી બધી ચિંતાઓ ઈશ્વર પર નાખી દો”

પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે: “તમે તમારી બધી ચિંતાઓ ઈશ્વર પર નાખી દો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.”—૧ પિતર ૫:૭.

એ શાસ્ત્રવચનનો શું અર્થ થાય?

ઈશ્વર યહોવા ચાહે છે કે આપણે તેમની સાથે વાત કરીએ. આપણા મનમાં કોઈ પણ ડર, ચિંતા કે મુશ્કેલી હોય એ બધું તેમને જણાવીએ. (ગીતશાસ્ત્ર ૫૫:૨૨) આપણે પોતાની દરેક તકલીફ વિશે તેમને જણાવી શકીએ છીએ, પછી ભલે તે નાનામાં નાની કેમ ન હોય. જો એ આપણા માટે જરૂરી હોય, તો એ યહોવા માટે પણ એટલી જ જરૂરી છે. યહોવાને પ્રાર્થના કરવી એક મહત્ત્વનું પગલું છે. એમ કરવાથી આપણને મનની શાંતિ મળે છે.—ફિલિપીઓ ૪:૬, ૭.

આપણે શું કરી શકીએ?

જ્યારે આપણે માનસિક બીમારીનો સામનો કરી રહ્યા હોઈએ, ત્યારે કદાચ આપણને એકલું એકલું લાગે. એવું એટલે લાગે કેમ કે આપણા પર જે વીતી રહ્યું હોય એ કદાચ બીજાઓ સમજી ન શકે. (નીતિવચનો ૧૪:૧૦) પણ જ્યારે ઈશ્વરને પોતાના મનની વાત કહીએ છીએ, ત્યારે તે હંમેશાં આપણું સાંભળે છે અને આપણને સમજે છે. યહોવા આપણા પર ધ્યાન આપે છે. તે આપણા દુઃખ-તકલીફો સારી રીતે જાણે છે. તે ચાહે છે કે આપણે દિલ ખોલીને તેમને પ્રાર્થના કરીએ, બધી જ ચિંતાઓ તેમને જણાવીએ.—૨ કાળવૃત્તાંત ૬:૨૯, ૩૦.

યહોવાને પ્રાર્થના કરવાથી આપણો ભરોસો વધે છે કે તેમને ખરેખર આપણી ચિંતા છે. આપણે પણ પહેલાંના સમયના એ ઈશ્વરભક્ત જેવું અનુભવીશું જેમણે પ્રાર્થનામાં કહ્યું: “તમે મારી વેદના જોઈ છે. તમે મારાં દુઃખો જોયાં છે.” (ગીતશાસ્ત્ર ૩૧:૭) યહોવાને ખબર છે કે આપણે કેવા દુઃખો વેઠી રહ્યા છીએ. એટલું જાણવાથી પણ મુશ્કેલ સંજોગોનો ધીરજથી સામનો કરવા મદદ મળે છે. યહોવા આપણી તકલીફો ફક્ત જોતા જ નથી, એને સમજે પણ છે. તે બીજાઓ કરતાં આપણને સૌથી સારી રીતે સમજે છે અને બાઇબલ દ્વારા હિંમત અને દિલાસો આપે છે.