સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કેરલની નદીઓમાં સફર

કેરલની નદીઓમાં સફર

કેરલની નદીઓમાં સફર

ભારતના સજાગ બનો!ના લેખક તરફથી

કલ્પના કરો કે તમે સુંદર હાઉસબોટમાં બેસીને સફર કરી રહ્યા છો. એવી સફર તમે દક્ષિણ ભારતમાંના કેરલ રાજ્યની ૪૪ નદીઓમાં ૯૦૦ કિલોમીટર સુધી કરી શકો. એ અનુભવનું વર્ણન કરવા શબ્દો પણ ઓછા પડે. તમે જાણે કુદરતના ખોળામાં બેઠા હોવ. બોટ ધીમે ધીમે પાણીમાં સરતી જાય તેમ તમને નાળિયેરીથી ઘેરાયેલા નદીના કિનારા જોવા મળે. ચોખાનાં લીલાંછમ ખેતરો, સરોવરો અને નહેરો જોવા મળે. નૅશનલ જિયોગ્રાફિક ટ્રાવેલર મૅગેઝિન પ્રમાણે કેરલ “એવી ૫૦ જગ્યાઓમાંની એક છે, જે જિંદગીમાં એકવાર તો જોવી જ જોઈએ.”

ઘણી નદીઓની આસપાસ રહેતા લોકો પણ મજાના છે. તેઓને એક એવો સમય યાદ છે, જ્યારે કોઈ ટૂરિસ્ટ ન આવતા કે કોઈ ફાઇવ-સ્ટાર હોટલ પણ ન હતી. ખરું કે અમુક હવે બંધાયેલી હોટલોમાં નોકરી કરે છે. બીજાઓ ટૂરિઝમને લગતું કામકાજ કરે છે. તોપણ તેઓના રિવાજો અને રોજના જીવનમાં બહુ કંઈ ફેરફાર થયો નથી. તેઓ ચોખાની ખેતી કરે છે. નાળિયેરીનાં ઝાડ ઉગાડે છે. માછલી પકડે છે, જે તેઓનો ખોરાક છે. તેઓ ઘણી વાર માછલી વેચે પણ છે.

નદીઓમાં માછલી પકડવી

મોટા ભાગે અહીં માછીમારનો ધંધો થાય છે. તમે બીજે ક્યાંય જોયું નહિ હોય, પણ અહીં જોવા મળે છે કે સ્ત્રીઓ ટપકાંવાળી માછલી કારીમીન પકડે છે. એવી માછલીઓ ભારતના અને પરદેશના લોકોને બહુ જ ભાવે છે. એ માછલીઓ કઈ રીતે પકડવામાં આવે છે? સ્ત્રીઓ ઘડો લઈને નદીમાં જાય છે. તેઓને જોઈને માછલીઓ પાણીમાં ડૂબકી મારીને તળિયે કાદવમાં માથું સંતાડી દે છે. તોપણ, સ્ત્રીઓ પોતાના પગ તળિયે ફેરવીને જાણી જાય છે કે માછલી ક્યાં છે. પછી પાણીમાં ડૂબકી મારી જીવતી માછલી પકડી પકડીને ઘડામાં નાખતી આવે. પૂરતી માછલીઓ પકડાઈ જાય એટલે સ્ત્રીઓ કિનારે આવે જ્યાં ઘરાકો રાહ જોતા ઊભા હોય છે. મોટી ને મોંઘી માછલીઓ ફાઇવ-સ્ટાર હોટલમાં અમીરો માટે પીરસાય છે. જ્યારે કે નાની માછલીઓ મામૂલી માણસનું ટેસ્ટી ભોજન બને છે.

માછલી પકડવાની ચીનની જાળ

નદીના કિનારે તમને મોટા ભાગે માછલી પકડવાની ચીનની જાળ જોવા મળે. ટૂરિસ્ટો એ પણ જોવા જાય છે.

એવું માનવામાં આવે છે કે આજથી ૬૦૦ કરતાં વધારે વર્ષો પહેલાં, ચીની વેપારીઓ કુબ્લાઈ ખાનના દરબારમાંથી આવ્યા હતા. તેઓ કોચીનમાં (હવે કોચીમાં) સૌથી પહેલા એ માછીમારની જાળ લાવ્યા હતા. એ ચીની લોકોએ અને પછીથી પોર્ટુગીઝ લોકોએ વાપરી. ૬૦૦ વર્ષ પહેલાં થતું તેમ, આજે પણ ભારતના માછીમારો એનાથી માછલીઓ પકડે છે, રોજી-રોટી કમાય છે. ઘણાનાં પેટ એનાથી ભરાય છે. એક જ વાર જાળ નાખો તો, એટલી બધી માછલી પકડાય કે આખા ગામને પૂરી પડી રહે. સૂરજ આથમતો હોય ત્યારે જાળ સુકાતી હોય એવા ફોટા પાડવાનું ઘણા ટૂરિસ્ટોને બહુ ગમે છે.

લોકો ફક્ત ચીનની જાળ જોવા જ કેરલની નદીઓને કિનારે આવતા નથી. દર વર્ષે હજારો લોકો સર્પ જેવી લાંબીલચક હોડીઓની હરીફાઈ જોવા આવે છે. એવું તો ઘણું જોવા જેવું છે.

નદીઓમાં બોટ રેસ

સર્પાકાર હોડી લાંબી અને સાંકડી હોય છે. એનું સુકાન નાગની ફેણ જેવું હોય છે. પહેલાંના જમાનામાં ત્યાંના રાજાઓ લડાઈમાં એવી બોટ વાપરતા. આખરે એવાં યુદ્ધો બંધ થયાં. ત્યાર પછી એવી હોડીઓની બહુ જરૂર રહી નહિ. ફક્ત વાર-તહેવારે આ બોટ પાણીમાં આવ-જાવ કરતી. મેળા ભરાતા ત્યારે, ત્યાંના રિવાજની ઝાંખી કરાવતી ચીજ તરીકે એને શણગારીને રાખવામાં આવતી. તહેવારોમાં જાણીતા લોકોના માનમાં બોટ રેસ રાખવામાં આવતી. એ જોવા તેઓ પણ આવતા. આ રિવાજ લગભગ હજાર વર્ષ પહેલાં શરૂ થયો હતો અને આજે પણ લોકપ્રિય છે.

એ બોટની રેસમાં મોટા ભાગે ૨૦ જેટલી બોટ હોય છે. દરેકમાં ૧૦૦-૧૫૦ જેટલા માણસો હોય છે. એમાં સોએક જેટલા માણસો ટૂંકાં હલેસાં મારવાવાળા હોય છે, જેઓની બે લાઇન બને છે. ચાર સુકાનીઓ હોય છે, જેઓ પાસે લાંબાં હલેસાં હોય છે. એનાથી જરૂર હોય એમ બોટ ફેરવી શકે છે. બે જણ બોટની વચ્ચે ઊભા રહીને લાકડીથી ડંકો વગાડે છે. હલેસાં મારવાવાળા એના તાલે હલેસાં મારે છે. તેઓની સાથે સાથે બીજા છએક જણ બોટમાં હોય છે. તેઓ એના તાલે તાલે તાળીઓ પાડે, સીટી વગાડે, બૂમો પાડે, ગીતો ગાય. એનાથી બોટમાં બધાને તાન ચડે અને જોશમાં આવી જાય. આમ પહેલા પહેલા તો એક તાલમાં બધા હલેસાં મારતા હોય. પછી યુવાનિયાઓ રેસ જીતી જવા જોર લગાવીને એવાં હલેસાં મારવા લાગે કે તાલ-બાલ બધુંયે એક બાજુએ રહી જાય.

ભારતના પહેલા વડાપ્રધાન, જવાહરલાલ નહેરુ ૧૯૫૨માં એલ્લેપ્પી શહેરમાં આવ્યા હતા. ત્યાં તેમણે બોટ રેસ જોઈ, જે એમને બહુ જ ગમી. એટલી ગમી કે તે ભાન ભૂલી ગયા કે પોતે કોણ છે. તે જીતી રહેલી બોટમાં કૂદી પડ્યા અને તાળીઓ પાડીને તેઓની સાથે ગાવા લાગ્યા. દિલ્લી પાછા ફરીને તેમણે સર્પાકાર બોટ જેવી નાની ચાંદીની બોટ ભેટ તરીકે મોકલી. એના પર તેમની સહી સાથે લખ્યું હતું: “અજોડ લોકપ્રિય બોટ રેસ જીતી જનારાઓને!” દર વર્ષે થતી એ રેસને નહેરુ ટ્રૉફી રેસ કહેવાય છે, જેમાં જીતનારને એ ઇનામ તરીકે આપવામાં આવે છે. લાખેક લોકો એ રેસ જોવા ભેગા થાય છે. એ સમયે આ શાંત વહેતાં પાણી જાણે દોડવા માંડે છે.

પાણીમાં તરતી લક્ઝરી હોટેલો

ફક્ત સર્પાકાર બોટ જોવા જ ટૂરિસ્ટો આવતા નથી. જૂના જમાનાની લોકપ્રિય રાઇસ બોટમાંથી બનાવેલી લક્ઝરી હાઉસબોટ પણ જાણીતી છે.

જોકે ટૂરિસ્ટો માટે એવી ઘણી બોટ નવી નવી જ છે. પણ સોએક વર્ષ જૂની અમુક રાઇસ બોટ હજુયે છે. એ ટૂરિઝમ માટે વપરાય છે. એનું અસલી નામ કેટ્ટુવલ્લમ છે, જેનો અર્થ થાય, “ગાંઠોથી બનેલી બોટ.” એ બોટ ફણસના ઝાડનાં લાકડાંમાંથી બનાવવામાં આવે છે. એમાં એકેય ખીલી વપરાતી નથી, પણ કાથીની દોરડીની ગાંઠોથી બાંધવામાં આવે છે. આ હોડીઓ ચોખા, મસાલા અને બીજી ચીજ-વસ્તુઓ એક ગામથી બીજે લઈ જવા વપરાતી. આજકાલ મોર્ડન વાહનો આવ્યાં હોવાથી, આ બોટ બહુ વપરાતી નથી. પછી કોઈકના મનમાં નવો આઇડિયા આવ્યો કે ચાલો એને હાઉસબોટ બનાવીને ટૂરિસ્ટો માટે વાપરીએ. એમાં બાલ્કની, બાથરૂમવાળી લક્ઝરી રૂમ, સુંદર ફર્નિચર ગોઠવી દઈને પાણીમાં તરતી લક્ઝરી હોટેલો બનાવી દીધી. એમાં બોટ સાચવનારને પણ રાખ્યા. તમે ચાહો ત્યાં તેઓ લઈ જાય અને તમને ભાવતું ભોજન પણ બનાવી આપે!

સાંજે બોટને કિનારા પાસે લંગર નાખીને રાખવામાં આવે. અથવા તમને શાંતિ જોઈએ તો તળાવની વચ્ચે રાખે. કોઈક વાર ઉછળતી-કૂદતી માછલીના અવાજ સિવાય, એકદમ શાંત વાતાવરણની મજા તમે લઈ શકો.

ખરું કે બધાનાં જીવન એવાં શાંત અને આરામનાં નથી. એ એરિયામાં “માણસોને પકડનારા” પૂરજોશમાં કામ કરી રહ્યા છે.

નદી કિનારાએ “માણસોને પકડનારા”

“માણસોને પકડનારા” એ શબ્દો ઈસુએ પોતાના શિષ્યોને કહ્યા હતા, જેઓ માછીમારો હતા. ઈસુએ કહ્યું: “મારી પાછળ આવો, ને હું તમને માણસોને પકડનારા કરીશ.” અહીં ઈસુ લોકોને યહોવાહના ભક્તો બનવા મદદ કરવાની વાત કરતા હતા. (માત્થી ૪:૧૮, ૧૯; ૨૮:૧૯, ૨૦) એ કામ આજે યહોવાહના સાક્ષીઓ આખી દુનિયામાં કરી રહ્યા છે. કેરલની નદી-સરોવરના કિનારે પણ એ થઈ રહ્યું છે.

આજે કેરલમાં યહોવાહના સાક્ષીઓનાં ૧૩૨ મંડળો છે. એમાંથી ૧૩ તો નદી કિનારાના એરિયામાં છે. એ મંડળમાંના ઘણા માછીમાર છે. એક ભાઈ માછલી પકડવા ગયા ત્યારે, તેમના સાથીદાર સાથે યહોવાહ વિષે વાત કરી. એ વ્યક્તિ તરત જ પારખી શક્યા કે ચર્ચનું શિક્ષણ અને બાઇબલનાં શિક્ષણમાં મોટો ફરક છે. તેમની પત્ની અને ચાર બાળકો પણ વધારે જાણવા માગતા હતા. તેઓ બધા બાઇબલમાંથી શીખવા લાગ્યા. એ છમાંથી ચાર જણા ઝડપથી પ્રગતિ કરીને બાપ્તિસ્મા પામ્યા. બીજાં બે બાળકો પણ બાપ્તિસ્મા પામવા પ્રગતિ કરી રહ્યાં છે.

એક મંડળમાંથી ભાઈ-બહેનો બોટમાં નાના ટાપુ પર પ્રચાર કરવા ગયા. એ ટાપુ પર આવ-જાવ કરવા બોટના કંઈ ઠેકાણા હોતા નથી. એટલે ત્યાંના લોકો એ ટાપુને કદમાકુદી કહે છે, જેનો અર્થ થાય, “આવ્યા તો ફસાયા.” ત્યાં ભાઈ-બહેનોને જોની અને તેમની પત્ની રાની મળ્યા. પતિ-પત્ની બંને જન્મથી કૅથલિક હોવા છતાં, ધ્યાન ધરવાના સેન્ટરમાં જતા અને બને એટલા પૈસા એમાં દાન કરતા. જોનીએ બાઇબલનો સંદેશો સાંભળ્યો અને વધારે શીખવા લાગ્યા. પોતે જે શીખતા તે બીજાને પણ જણાવતા. તે પહેલાં દારૂડિયા હતા અને સ્મોકિંગ પણ કરતા. બાઇબલને લીધે તેમણે એ વ્યસનો છોડી દીધાં!

જોની જે કામધંધો કરતા એ બાઇબલના શિક્ષણની વિરુદ્ધ હતો. એટલે તેમણે ફેરફારો કર્યા. શરૂઆતમાં કુટુંબને પૈસાની ખેંચ પડી. પછી જોની કરચલા પકડીને વેચવા લાગ્યા. એનાથી કુટુંબનું સારી રીતે ભરણપોષણ કરી શક્યા. તે સપ્ટેમ્બર ૨૦૦૬માં બાપ્તિસ્મા પામ્યા. તેમની પત્ની અને બે બાળકો વરસ પછી બાપ્તિસ્મા પામ્યા. સ્વર્ગ જેવી દુનિયામાં અમર જીવનની આશાએ તેઓનું જીવન બદલી નાખ્યું.​—⁠ગીતશાસ્ત્ર ૯૭:૧; ૧ યોહાન ૨:⁠૧૭.

સાચે જ કેરલની નદી-સરોવરોનો અનુભવ અજોડ છે. એ પણ માછીમારની ચીનની જાળ, સર્પાકાર બોટ કે હાઉસબોટને લીધે નહિ. પરંતુ, “માણસોને પકડનારા” યહોવાહના સાક્ષીઓના પ્રચાર કામના લીધે એ અજોડ છે. (g 4/08)

[Caption on page ૧૦]

ભારત

[Caption on page ૧૦]

કેરલ

[Caption on page ૧૧]

કેરલમાં માછલી પકડવી સામાન્ય છે

સ્ત્રીઓ માછલી પકડે છે

[Credit Line]

ઉપરનો ફોટો: Salim Pushpanath

[Caption on page ૧૨]

સર્પાકાર બોટ રેસ

[Caption on page ૧૨]

હાઉસબોટ

“કેટ્ટુવલ્લમ”

[Caption on page ૧૨]

Salim Pushpanath

[Caption on page ૧૩]

જોની અને તેમની પત્ની, રાની