સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દુનિયાના છેલ્લા દિવસો પછી શું થશે?

દુનિયાના છેલ્લા દિવસો પછી શું થશે?

દુનિયાના છેલ્લા દિવસો પછી શું થશે?

અમુક લોકો “છેલ્લા” દિવસોના વિચારથી ધ્રૂજી જાય છે. (૨ તીમોથી ૩:૧) તેઓના મનમાં ફક્ત દુઃખ, દુઃખને દુઃખ જ આવે છે. તો પછી કેમ સદીઓથી લોકો એની કાગને ડોળે રાહ જુએ છે? એનું કારણ એ કે છેલ્લા દિવસો પૂરા થતા જ સોનેરી યુગ આવશે.

દાખલા તરીકે, સર આઇઝેક ન્યૂટનને અતૂટ ભરોસો હતો કે ઈશ્વરનું હજાર વર્ષનું રાજ આવશે. એમાં સુખ-શાંતિ હશે. એ સમયે મીખાહ ૪:૩ અને યશાયાહ ૨:૪ની ભવિષ્યવાણી પૂરી થશે: “તેઓ પોતાની તરવારોને ટીપીને કોશો, અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે; પ્રજાઓ એકબીજીની વિરૂદ્ધ તરવાર ઉગામશે નહિ, અને તેઓ ફરીથી યુદ્ધકળા શીખશે નહિ.”

ઈસુએ પણ દુષ્ટ જગતના અંતની વાત કરી ત્યારે, શિષ્યોનું ધ્યાન આશીર્વાદો પર ખેંચ્યું. તેમણે જણાવ્યું કે મોટી વિપત્તિમાં દુઃખ-તકલીફો, ચિંતા અને ડર બેહદ વધી જશે. પણ પછી કહ્યું, “આ વાતો થવા લાગે ત્યારે તમે નજર ઉઠાવીને તમારાં માથાં ઊંચાં કરો; કેમ કે તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે, એમ સમજવું.” (લુક ૨૧:૨૮) શામાંથી આપણો ઉદ્ધાર થશે?

ઈશ્વરે આપેલાં વચન

આજે જ્યાં જુઓ ત્યાં યુદ્ધો, ઝઘડા, ગુના, મારામારી અને ભૂખમરો છે. શું તમારા પર એવી કોઈ આફત આવી છે? લાખો ઇન્સાન એના ડરમાં જીવે છે. ઈશ્વર આપણને આ વચન આપે છે:

‘થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે; નમ્ર લોકો પૃથ્વીનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.’​—⁠ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧.

“મારા લોકો શાંતિભર્યા દેશમાં અને સલામતીભર્યા ઘરોમાં” રહેશે.​—⁠યશાયા ૩૨:​૧૮, સંપૂર્ણ.

યહોવાહ “પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે; તે ધનુષ્યને ભાંગી નાખે છે, ભાલાને કાપી નાખે છે; અને રથોને અગ્‍નિથી બાળી નાખે છે.”​—⁠ગીતશાસ્ત્ર ૪૬:૯.

“તેઓ સર્વ પોતપોતાના દ્રાક્ષાવેલા તળે તથા પોતપોતાની અંજીરી તળે બેસશે; અને કોઈ તેમને બીવડાવશે નહિ.”​—⁠મીખાહ ૪:⁠૪.

ખોરાકની કોઈ અછત નહિ હોય. અરે, “પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ” અનાજ પાકશે.​—⁠ગીતશાસ્ત્ર ૭૨:⁠૧૬.

“જે કોઇ મારૂં સાંભળશે તે સહીસલામત રહેશે, અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહેશે.”​—⁠નીતિવચનો ૧:૩૩.

આપણે રહેતા હોઈએ ત્યાં કદાચ અમુક હદે શાંતિ હોય. તોપણ, બીમારી અને મરણ આપણા જાની દુશ્મનની જેમ રાજ કરે છે. ઈશ્વરના રાજમાં એવું નહિ હોય. અરે, ગુજરી ગયેલાને પણ ઈશ્વર જીવતા કરશે. બાઇબલ કહે છે:

“હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.”​—⁠યશાયાહ ૩૩:⁠૨૪.

‘યહોવાહ આપણી આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ થનાર નથી; તેમજ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી.’​—⁠પ્રકટીકરણ ૨૧:⁠૪.

“છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણ છે.”​—⁠૧ કોરીંથી ૧૫:⁠૨૬.

ગુજરી ગયેલાઓને ઈશ્વર જીવતા કરશે.​—⁠યોહાન ૫:૨૮, ૨૯.

ઈશ્વરભક્ત પીતરે કહ્યું: “આપણે તેના વચન પ્રમાણે નવાં આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની વાટ જોઈએ છીએ.” (૨ પીતર ૩:૧૩) પૃથ્વી પર આજે ઘણા લોકો અશાંતિ ફેલાવે છે. સ્વાર્થી દેશો લડે છે. લોહીની નદીઓ વહેવડાવે છે. સુખ-શાંતિ લાવવા માટે, તેઓનો નાશ કરવો પડે. ફક્ત ઈશ્વરનું રાજ્ય એમ કરશે, જેના રાજા ઈસુ છે. તેમના રાજમાં દુનિયા કેવી હશે? બાઇબલ કહે છે: “તેના નિત્ય વૃદ્ધિ પામતા શાંતિપૂર્ણ રાજ્યનો કદી અંત આવશે નહિ. તે પોતાના પિતા દાવિદના રાજ્યાસન ઉપરથી પૂરી પ્રામાણિકતા અને ન્યાયીપણાથી રાજ્ય ચલાવશે. તે પૃથ્વી ઉપર સાચો ન્યાય અને શાંતિ લાવશે. આ પ્રમાણે નિશ્ચે થશે કેમ કે આકાશી સૈન્યોના પ્રભુએ તેમ કરવાનો દૃઢ નિર્ધાર કર્યો છે.”​—⁠યશાયા ૯:૭, IBSI.

તમે પણ એ દુનિયામાં જીવી શકો છો. ઈશ્વર વિષે શીખવામાં જરાય મોડું કરશો નહિ. એમાં તમારા અમર જીવનનો સવાલ છે. (યોહાન ૧૭:૩) બાઇબલ કહે છે કે “સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેની [યહોવાહની] ઇચ્છા છે.” (૧ તીમોથી ૨:⁠૪) એ જ્ઞાન મેળવવા, આ મૅગેઝિનના પ્રકાશકોને લખીને જણાવો કે તમને કોઈ બાઇબલમાંથી શીખવે. (g 4/08)

[પાન ૮, ૯ પર ચિત્રનું મથાળું]

ઈશ્વરના રાજમાં પૃથ્વી પર સુખ-શાંતિ હશે. એમાં તમે અમર જીવી શકો