સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સોશિયલ નેટવર્કિંગ વિષે શું ધ્યાન રાખવું જોઈએ? ભાગ ૨

સોશિયલ નેટવર્કિંગ વિષે શું ધ્યાન રાખવું જોઈએ? ભાગ ૨

યુવાનો પૂછે છે

સોશિયલ નેટવર્કિંગ વિષે શું ધ્યાન રાખવું જોઈએ? ભાગ ૨

નીચે આપેલી બાબતોમાં તમને મહત્ત્વનું લાગે એ પ્રમાણે ૧-૪ નંબર આપો.

___ મારી પ્રાઇવસી

___ મારો ટાઇમ

___ મારી શાખ

___ મારી દોસ્તી

તમે શાને પહેલો નંબર આપ્યો? જો સોશિયલ નેટવર્ક વાપરતા હોવ, તો તમે જેને પહેલો નંબર આપ્યો એ સિવાયની ત્રણ બાબતો પણ ખતરામાં છે.

શું તમારે સોશિયલ નેટવર્ક એકાઉન્ટ ખોલાવવું જોઈએ? જો તમે મમ્મી-પપ્પા સાથે રહેતા હોવ, તો તેઓ નક્કી કરી શકે કે તમને જરૂર છે કે નહિ. * (નીતિવચનો ૬:૨૦) જોકે, ઇન્ટરનેટથી જેટલો ખતરો રહેલો છે એટલો જ સોશિયલ નેટવર્કિંગથી પણ છે. એટલે માબાપ ના પાડે તો તમારે માનવું જોઈએ.—એફેસી ૬:૧.

જો તમારા મમ્મી-પપ્પા સોશિયલ નેટવર્ક વાપરવાની રજા આપે તો, એના ખતરાથી બચવા તમે શું કરશો? પાન ૧૪ ઉપરના “યુવાનો પૂછે છે” લેખમાં પ્રાઇવસી અને ટાઈમ વિષે જોયું. આ લેખમાં આપણે શાખ અને દોસ્તી વિષે વાત કરીશું.

પોતાની શાખ

પોતાની શાખનું રક્ષણ કરવાનો અર્થ થાય કે પોતાનું નામ બદનામ કરવાનો બીજાને મોકો ન આપીએ. એ સમજવા એક દાખલો લઈએ. ધારો કે તમારી પાસે નવી કાર છે. એમાં કોઈ લીટો કે ગોબો નથી પડ્યો. તમે કાર એવી ને એવી જ રાખવા ચાહશો ખરુંને? પણ તમારી બેદરકારીને લીધે ઍક્સિડન્ટમાં કાર ભાંગી જાય તો તમને કેવું લાગશે?

બેદરકારીથી સોશિયલ નેટવર્ક વાપરવાથી તમારી શાખ પર અસર થઈ શકે. ૧૯ વર્ષની કારા કહે છે, “વિચાર્યા વગર કોમેન્ટ લખવાથી અથવા ફોટો મૂકવાથી તમારી શાખ પર પાણી ફરી વળે છે.” એટલે વિચારો કે આવી બાબતની તમારી શાખ પર કેવી અસર થઈ શકે . . .

ફોટા. ઈશ્વરભક્ત પીતરે લખ્યું કે “તમારાં આચરણ સારાં” રાખો. (૧ પીતર ૨:૧૨) સોશિયલ નેટવર્ક પર બીજાના ફોટા જોઈને તમને કેવું લાગે છે?

“મને જેઓ માટે માન છે તેઓના ફોટા કોઈક વાર જાણે પીધેલા હોય એવા લાગે છે.”—૧૯ વર્ષની અન્‍ના.

“હું એવી છોકરીઓને જાણું છું, જેઓ બીજાની લાગણી ઉશ્કેરવા પોતાનું શરીર દેખાય એવા ફોટા પડાવે છે. હકીકતમાં તેઓ જેવી દેખાય છે એના કરતાં સોશિયલ નેટવર્કના પેજ પર એકદમ અલગ લાગે છે.”—૧૯ વર્ષની કારા.

સોશિયલ નેટવર્ક પર તમે કોઈનો આવો ફોટો જુઓ તો, તેના વિષે કેવું વિચારશો: (૧) લાગણીઓ ઉશ્કેરે એવા કપડાં પહેર્યા હોય અથવા (૨) પીધેલી દેખાતી હોય?

___

___

વાણી. બાઇબલ શીખવે છે કે ‘તમારા મુખમાંથી કોઈ અપશબ્દો નીકળવા ન જોઈએ.’ (એફેસી ૪:૨૯) અમુકને જોવા મળ્યું છે કે સોશિયલ નેટવર્કિંગમાં તોછડી ભાષા, ચુગલી અથવા ગંદા વિષયો પર વાત થતી હોય છે.

“સોશિયલ નેટવર્ક પર લોકો બેફિકરથી લખે છે. તેઓને લાગે છે કે વ્યક્તિ સાથે રૂબરૂ જે શબ્દો ન વાપરીએ એ લખવામાં કંઈ ખોટું નથી. કદાચ તેઓ સીધે સીધી ગાળ નહિ લખતા હોય, પણ તેઓની ભાષા ગંદી અને શરમજનક હોય છે.”—૨૦ વર્ષની દાનીયેલા.

લોકો કેમ ઇન્ટરનેટ પર બેફિકરથી લખે છે એ વિષે નીચે લખો.

___

આપણે ફોટા મૂકીએ અને કોમેન્ટ લખીએ એની શું બીજાઓ પર અસર થાય છે? હા, જરૂર! ૧૯ વર્ષની જૅઈન કહે છે: “સ્કૂલમાં એની મોટી ચર્ચા થાય છે. કામ શોધતા લોકો જૉબની અરજી કરે ત્યારે, માલિક તેઓનું સોશિયલ નેટવર્ક પેજ જોઈને નક્કી કરે છે કે કોને કામે રાખવા.”

ફેસબુક ફોર પેરન્ટ્‌સ પુસ્તકમાં ડૉ. બી. જે. ફૉગએ લખ્યું કે કોઈને કામે રાખતા પહેલાં પોતે પણ લોકોના સોશિયલ નેટવર્ક ચેક કરે છે. તે કહે છે: “સારો નિર્ણય લેવા માટે એમ કરવું મારી ફરજ છે. જૉબ શોધતી વ્યક્તિનું જો હું પ્રોફાઇલ જોઈ શકું અને એ કચરા જેવું હોય, તો તેને કામ નથી આપતો. કેમ કે, સારા નિર્ણય લઈ શકતા હોય એવા લોકોને જ હું કામ આપું છું.”

યહોવાના ભક્તે બીજી એક મહત્ત્વની બાબતનો વિચાર કરવો જોઈએ. એ છે કે પોતે લખેલી કોમેન્ટની બીજાઓ પર કેવી અસર થશે, પછી ભલેને યહોવાના બીજા ભક્તો હોય કે બહારના લોકો હોય. ઈશ્વરભક્ત પાઊલે લખ્યું: ‘કોઈ પણ બાબતમાં કોઈને ઠોકર ખાવાનું આપણે કારણ આપતા નથી.’—૨ કોરીંથી ૬:૩; ૧ પીતર ૩:૧૬.

તમે શું કરશો?

તમારાં મમ્મી-પપ્પા સોશિયલ નેટવર્ક વાપરવા દે તો, પોતે મૂકેલા ફોટા વિષે ખુદને પૂછો: ‘મારા ફોટા મારા વિષે શું કહે છે? શું હું બધાની આગળ આવો દેખાવા ચાહું છું? મમ્મી-પપ્પા કે મંડળના વડીલ અથવા કામ આપનાર માલિકને શું એ ફોટા જોઈને આઘાત લાગશે?’ છેલ્લા સવાલનો જવાબ ‘હા’ હોય તો ફેરફાર કરો. ૨૧ વર્ષની કૅટે એવું જ કર્યું. તે કહે છે: “પ્રોફાઇલમાં રાખેલા ફોટા વિષે મંડળના એક વડીલે મારી સાથે વાત કરી. એ માટે હું તેમનો આભાર માનું છું. હું જાણું છું કે તે મારી આબરૂ સાચવવા ચાહતા હતા.”

તેમ જ, તમે લખેલી કોમેન્ટ અને બીજાઓએ તમારા પેજ પર લખેલી કોમેન્ટ ફરીથી તપાસો. “મૂર્ખતાભરેલી” કે ગંદી ભાષા ચલાવી ન લેશો. (એફેસી ૫:૩, ૪) “અમુક લોકો બે અર્થ નીકળતા હોય એવા શબ્દો તમારા પેજ પર લખે છે. ભલેને તમે એવું કંઈ લખ્યું ન હોય, તોય એ તમારું પેજ હોવાથી તમારું જ નામ બદનામ થશે.”—૧૯ વર્ષની જૅઇન.

તમારા ફોટા અને કોમેન્ટની વાત આવે છે ત્યારે, શાખનું રક્ષણ કરવા શું ચલાવી લેશો એ નીચે લખો:

___

તમારા દોસ્તો

માનો કે તમારી પાસે નવી કાર છે. એમાં તમે ફાલતું લોકોને બેસવા નહિ દો, ખરુંને. એવી જ રીતે તમારાં મમ્મી-પપ્પા પણ તમને સોશિયલ નેટવર્ક એકાઉન્ટ ખોલવા દે તો, તમારે વિચારવું જોઈએ: કોની દોસ્તીનું આમંત્રણ સ્વીકારીશ અને કોને આમંત્રણ આપીશ. તમે શું કરશો?

“અમુક લોકોને ઘણા દોસ્તો બનાવવાનું ગમતું હોય છે. તેઓ ઓળખતા નથી એવા લોકોને પણ લિસ્ટમાં ઉમેરશે.”—૧૬ વર્ષની નિસા.

“સોશિયલ નેટવર્કિંગથી જૂના ઓળખીતાનો પણ સંપર્ક સાધી શકાય છે. પણ તેઓથી દૂર રહીએ એ જ બરાબર છે.”—૨૫ વર્ષની ઈલેન.

તમે શું કરશો?

સૂચના: યોગ્ય દોસ્તો ઉમેરો, અયોગ્ય કાઢી નાખો. તમારા દોસ્તોનું લિસ્ટ તપાસીને જરૂરી ફેરફાર કરો. દોસ્ત બનાવવા વિષે દરેકે પોતાને પૂછવું જોઈએ:

૧. ‘આ વ્યક્તિને અસલમાં હું કેટલી ઓળખું છું?’

૨. ‘આ વ્યક્તિ કેવા ફોટા મૂકે છે અને કોમેન્ટ લખે છે?’

૩. ‘આ વ્યક્તિની મારા પર સારી અસર પડશે કે કેમ?’

“દર મહિને હું મારું ‘ફ્રેન્ડ્‌સ લિસ્ટ’ તપાસું છું. જેની સાથે મારું બહુ બનતું ન હોય અથવા હું સારી રીતે ઓળખતી ન હોઉં એવી વ્યક્તિને મારા લિસ્ટમાંથી કાઢી નાખું છું.”—૧૭ વર્ષની ઈવાન.

સૂચના: કેવા દોસ્ત બનાવવા એ નક્કી કરો. જેમ તમે વ્યક્તિને રૂબરૂ મળ્યા પછી નક્કી કરો છો કે તેને દોસ્ત બનાવશો કે નહિ, તેમ સોશિયલ નેટવર્કમાં પણ કરો. (૧ કોરીંથી ૧૫:૩૩) લીનનો દાખલો લઈએ. તે કહે છે: ‘મેં નક્કી કર્યુ છે કે ઓળખતી ન હોવ તેઓનું દોસ્ત બનવાનું આમંત્રણ સ્વીકારીશ નહિ. ફ્રેન્ડ્‌સના પેજ પર મને એવું કંઈ જોવામાં આવશે જે પસંદ ન હોય તો, મારા ફ્રેન્ડ્‌સના લિસ્ટમાંથી નામ કાઢી નાખીશ અને ફરી ફ્રેન્ડ્‌સ બનવાનું આમંત્રણ સ્વીકારીશ નહિ.’ બીજા યુવાનોએ પણ એવો જ નિર્ણય લીધો છે.

‘હું બધાને મારા ફ્રેન્ડ બનાવતી નથી, કેમ કે એમ કરવું તો ખતરો છે.’—૨૧ વર્ષની ઈરીન.

“મારી સાથે સ્કૂલમાં ભણતા છોકરાઓએ મને સોશિયલ નેટવર્ક પર દોસ્ત બનવાનું આમંત્રણ આપ્યું હતું. પણ હું સ્કૂલમાં હતો ત્યારેય તેઓથી દૂર રહેતો. તો હવે હું કેમ તેઓ સાથે દોસ્તી કરું!”—૨૧ વર્ષનો એલેક્સ.

તમે કેવા દોસ્તો બનાવશો એ નીચે લખો.

___

(g11-E 08)

“યુવાનો પૂછે છે” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ: www.watchtower.org/ype

[ફુટનોટ]

^ સજાગ બનો! સોશિયલ નેટવર્કિંગ વાપરવાનું ઉત્તેજન નથી આપતું કે મના નથી કરતું. ઇન્ટરનેટ વાપરવા વિષે યહોવાના ભક્તે કાળજી રાખવી જોઈએ, જેથી બાઇબલનો કોઈ સિદ્ધાંત ન તૂટે.—૧ તીમોથી ૧:૫, ૧૯

[પાન ૧૮ પર બ્લર્બ]

બાઇબલમાં એક કહેવત છે: ‘પસંદગી કરવાની હોય તો સોના-ચાંદી કરતાં આદર પામવો વધારે સારું છે.’—નીતિવચનો ૨૨:૧, IBSI.

[પાન ૨૦ પર બોક્સ]

તમારા માબાપને પૂછો

તેઓ સાથે આ લેખ અને પાન ૧૪ ઉપરના “યુવાનો પૂછે છે” લેખની ચર્ચા કરો. પછી ચર્ચા કરો કે ઇન્ટરનેટના ઉપયોગથી તમારી (૧) પ્રાઇવસી (૨) ટાઈમ (૩) શાખ અને (૪) દોસ્તી પર કેવી અસર થાય છે.

[પાન ૨૧ પર બોક્સ]

માબાપ માટે સૂચના

તમારા કરતાં કદાચ તમારાં બાળકો ઇન્ટરનેટ વિષે વધારે જાણતા હશે. પરંતુ, તેઓ તમારી જેમ સારો નિર્ણય લઈ શકતા નથી. (નીતિવચનો ૧:૪; ૨:૧-૬) એવું જ ઇન્ટરનેટની નિષ્ણાંત પેરી અફતાબે કહ્યું: “બાળકો ટૅક્નોલૉજી વિષે વધારે જાણે છે. જ્યારે કે માબાપને જીવનનો અનુભવ છે, જે બાળકોને નથી.”

થોડા વર્ષોથી સોશિયલ નેટવર્કિંગ અને ઇન્ટરનેટ લોકપ્રિય છે. શું તમને લાગે છે કે તમારું બાળક એ સમજી-વિચારીને વાપરશે? એ તમારે નક્કી કરવાનું છે. કાર ચલાવવામાં, બૅંકનું ખાતુ રાખવામાં અને ક્રૅડિટ કાર્ડ વાપરવામાં જેટલો ખતરો છે એટલો જ સોશિયલ નેટવર્કિંગમાં પણ છે. એમાં કયા ખતરા રહેલા છે?

પ્રાઇવસી. ઘણા યુવાનો જાણતા નથી કે ઇન્ટરનેટ પર આવી માહિતી મૂકવાના કેવા ખતરા રહેલા છે. જેમ કે, પોતે ક્યાં રહે છે, કઈ સ્કૂલમાં ભણે છે અથવા તેઓ ક્યારે ઘરે હોય છે અને ક્યારે નથી હોતા. આ માહિતી આપવાથી કુટુંબ ખતરામાં મૂકાઈ શકે.

તમે શું કરશો? બાળકો નાનાં હતાં ત્યારે તેઓને બંને બાજુ જોઈને રસ્તો ઓળંગવાનું શીખવ્યું હતું. હવે તેઓ મોટાં થયા હોવાથી તેઓને સમજી-વિચારીને ઇન્ટરનેટ વાપરવાનું શીખવો. જેમ કે, એમાં કેવી માહિતી મૂકવી અને કેવી ન મૂકવી. પ્રાઇવસી સાચવવા વિષે વધારે જાણવા પાન ૧૪ ઉપરનો “યુવાનો પૂછે છે” લેખ જુઓ. તેમ જ, જાન્યુઆરી-માર્ચ ૨૦૦૯ સજાગ બનો!ના પાન ૧૨-૧૭ જુઓ. પછી એ માહિતીની તમારા બાળકો સાથે ચર્ચા કરો. સમજી-વિચારીને ઇન્ટરનેટ વાપરવા વિષે તેઓના દિલમાં “વ્યવહારું જ્ઞાન તથા વિવેકબુદ્ધિ” સિંચો.—નીતિવચનો [સુભાષિતસંગ્રહ] ૩:૨૧, કોમન લેંગ્વેજ.

ટાઈમ. સોશિયલ નેટવર્કિંગ વ્યસન જેવું છે. ૨૩ વર્ષનો રીક કહે છે, ‘એકાઉન્ટ ખોલ્યા પછી સંદેશા વાંચ્યા વગર હું રહી જ ન શકતો. હું કોમેન્ટ અને ફોટા જોવા પાછળ કલાકો વિતાવતો.’

તમે શું કરશો? તમારા બાળકો સાથે આ લેખ વાંચો અને ચર્ચા કરો: એપ્રિલ-જૂન ૨૦૧૧ સજાગ બનો! “યુવાનો પૂછે છે . . . શું હું ઇલેકટ્રોનિક્સ સાધનોનો ગુલામ છું?” ખાસ કરીને પાન ૧૮ના બૉક્સ પર ધ્યાન આપો, “હું સોશિયલ નેટવર્કિંગ સાઇટની બંધાણી હતી.” તમારા બાળકોને ઇન્ટરનેટ વાપરવામાં અને એની પાછળ સમય આપવામાં ‘સંયમ’ રાખતા શીખવો. (૧ તિમોથી ૩:૨, કોમન લેંગ્વેજ) તેઓને પ્રેમથી શીખવો કે ઇન્ટરનેટ પર વાત કરવું એ જ જીવન નથી, જીવનમાં બીજું ઘણું છે.

શાખ. બાઇબલ કહે છે, ‘બાળક પોતાના આચરણથી ઓળખાય છે.’ (નીતિવચનો ૨૦:૧૧) ઇન્ટરનેટના વપરાશમાં પણ એ સાચું છે. સોશિયલ નેટવર્ક પર મૂકેલી માહિતી બધા જ વાંચી શકે છે. એટલે તમારું બાળક જે કંઈ કોમેન્ટ લખે એનાથી તેની જ નહિ, કુટુંબની શાખને પણ અસર થાય છે.

તમે શું કરશો? બાળકોએ જાણવું જોઈએ કે સોશિયલ નેટવર્ક પર જે કંઈ મૂકે અને લખે એ બતાવે છે કે પોતે કેવા છે. તેઓએ એ પણ સમજવાની જરૂર છે કે ઇન્ટરનેટ પર મૂકેલી માહિતી કાયમ રહે છે. ડૉ. ગ્વેન શરગીન ઑકીફે પોતાના પુસ્તક સાઈબરસેફમાં લખ્યું: “બાળકો માટે સમજવું અઘરું હોઈ શકે કે ઇન્ટરનેટ પર મૂકેલી માહિતી કાયમ રહે છે, તોય તેઓને એ વિષે શીખવવું જોઈએ. તેઓના વાણી-વર્તન ઓનલાઇનમાં કેવા હોવા જોઈએ એ વિષે આમ સમજાવી શકાય: બીજાને મોઢા-મોઢ જે કદી ન કહીશું, એવું ઇન્ટરનેટ પર લખવું ન જોઈએ.”

દોસ્તી. ૨૩ વર્ષની તાનિયા કહે છે, “ઘણા યુવાનો બીજાની વાહ વાહ મેળવવા ચાહતા હોય છે. એટલે તેઓ અજાણ્યા કે અસંસ્કારી વ્યક્તિને પણ ફ્રેન્ડ બનાવવા તૈયાર હોય છે.”

તમે શું કરશો? તમારા દીકરા-દીકરીને શીખવો કે કેવી વ્યક્તિ સાથે દોસ્તી બાંધવી જોઈએ. ૨૨ વર્ષની એલીસાનો દાખલો લઈએ. તે પોતાના ફ્રેન્ડ્‌સના ફ્રેન્ડને સહેલાઈથી લિસ્ટમાં ઉમેરતી નથી. તે કહે છે, “કોઈને ઓળખતી ન હોઉં અથવા મળી ન હોઉં, તો તેઓને મારા લિસ્ટમાં ઉમેરતી નથી. પછી ભલેને તેઓ મારા ફ્રેન્ડ્‌સના ફ્રેન્ડ હોય.”

ટીમ અને જુલીઆએ પોતાની દીકરી અને તેના ફ્રેન્ડ પેજ પર શું મૂકે છે એ જોવા સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર એકાઉન્ટ ખોલ્યું છે. જુલીઆ કહે છે, “અમે દીકરીને ફ્રેન્ડ્‌સના લિસ્ટમાં અમારું નામ ઉમેરવાનું કહ્યું. અમારા મને તો સોશિયલ નેટવર્ક પર વાત કરવી એ ઘરે આવ્યા બરાબર છે. એટલે અમે જોવા માંગીએ છીએ કે તે કેવા લોકો સાથે દોસ્તી રાખે છે.”

[પાન ૧૯ પર ચિત્ર]

તમારી બેદરકારીને લીધે ઍક્સિડન્ટમાં કાર ભાંગી જઈ શકે. એ જ રીતે, વિચાર્યા વગર કંઈ કોમેન્ટ લખો અથવા ફોટો મૂકો તો એનાથી તમારી શાખ પર પાણી ફરી વળે છે

[પાન ૨૦ પર ચિત્ર]

રસ્તા પર ઊભેલી અજાણી વ્યક્તિને ચોક્કસ તમે કારમાં નહિ બેસાડો. તો પછી, અજાણી વ્યક્તિ સાથે કેમ ઇન્ટરનેટ પર ફ્રેન્ડ બનવા તૈયાર થાઓ છો?