સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરના નામનો અર્થ જાણો

ઈશ્વરના નામનો અર્થ જાણો

ઈશ્વરના નામનો અર્થ જાણો

શું તમારા નામનો કોઈ અર્થ નીકળે છે? અમુક દેશોમાં બાળકને એવું નામ આપવામાં આવે છે જેનો કોઈ અર્થ રહેલો હોય. પસંદ કરેલા નામ પરથી માબાપનો ધર્મ, તેઓના સંસ્કાર, તેઓની આશાઓ અને બાળક વિષે કેવાં સપનાં સેવે છે એ પારખી શકાય છે.

કોઈ ઊંડો અર્થ રહેલો હોય એવું નામ આપવાનો રિવાજ કંઈ નવો નથી. છેક બાઇબલ જમાનામાં પણ મોટે ભાગે વ્યક્તિને કોઈ અર્થ રહેલો હોય એવું નામ આપવામાં આવતું. વ્યક્તિના નામ પરથી પારખી શકાતું કે તે જીવનમાં કઈ ભૂમિકા ભજવશે. દાખલા તરીકે, યહોવાહે દાઊદ રાજાને જણાવ્યું કે ભાવિમાં તેમનો દીકરો સુલેમાન કઈ ભૂમિકા ભજવશે. યહોવાહે કહ્યું: “તેનું નામ સુલેમાન [એનો મૂળ અર્થ થાય, ‘શાંતિ’] થશે, ને હું તેની કારકિર્દીમાં ઈસ્રાએલને સુલેહ તથા શાંતિ આપીશ.”—૧ કાળવૃત્તાંત ૨૨:૯.

અમુક વાર એવું બનતું કે કોઈ વ્યક્તિ નવી ભૂમિકા ભજવવાનું હોય ત્યારે યહોવાહ તેને શોભતું નવું નામ આપતા. ઈબ્રાહીમની પત્નીનો દાખલો લો જેને પહેલાં કોઈ બાળકો ન હતા. યહોવાહે તેને નવું નામ આપ્યું: “સારાહ.” એનો અર્થ થાય, “રાજકુમારી.” શા માટે આ નામ આપ્યું? યહોવાહ પછી ઈબ્રાહીમને જણાવે છે: “હું તેને આશીર્વાદ દઈશ, ને હું તને તેને પેટે દીકરો આપીશ; હું ખચીત તેને આશીર્વાદ દઈશ, ને તે દેશજાતિઓની માતા થશે; અને તેનાથી દેશજાતિઓના રાજાઓ થશે.” (ઉત્પત્તિ ૧૭:૧૬) આના પરથી એ જાણવા મદદ મળે છે કે સારાહને કેમ નવું નામ મળ્યું અને તે કઈ નવી ભૂમિકા ભજવશે.

તો હવે સૌથી મહત્ત્વના નામ ‘યહોવાહ’ વિષે શું? એ નામનો શું અર્થ થાય? એક સમયે મુસા પયગંબરે ઈશ્વરને તેમના નામ વિષે પૂછ્યું ત્યારે યહોવાહે કહ્યું: “હું જે છું તે છું.” (નિર્ગમન ૩:૧૪) મોટા ભાગનાં બાઇબલમાં આ રીતે યહોવાહે આપેલો જવાબ જોવા મળે છે. પરંતુ રોધરહામ બાઇબલ અનુવાદમાં એ આમ વંચાય છે: ‘મને જે ગમે તે હું બનીશ.’ આમ, યહોવાહ નામ દર્શાવે છે કે ઈશ્વર અગણિત ભૂમિકા ભજવે છે. એ સમજવા એક સાદો દાખલો લો: બાળકોની સંભાળ રાખવા માતા રોજિંદા જીવનમાં જરૂર પડે તેમ અનેક ભૂમિકાઓ ભજવે છે. જેમ કે, નર્સ, રસોયણ, શિક્ષક વગેરે વગેરે. યહોવાહના કિસ્સામાં પણ એવું જ છે, પણ મોટા પાયા પર. મનુષ્ય માટે પોતાનો મકસદ પૂરો કરવા તે જરૂર પડ્યે ગમે એવી ભૂમિકા ભજવી શકે છે. આમ, યહોવાહનું નામ જાણવામાં એ સમજણ લેવી જોઈએ કે તે કઈ કઈ ભૂમિકા ભજવે છે. પછી દિલથી એની કદર કરવી જોઈએ.

દુઃખની વાત છે કે જેઓ ઈશ્વરનું નામ જાણતા નથી તેઓ તેમના અનોખા સ્વભાવથી અજાણ છે. પરંતુ બાઇબલમાંથી શીખીને તમે જોઈ શકશો કે યહોવાહે સારા સલાહકાર, તારણહાર અને ઉદારપણે જીવન જરૂરિયાતો પૂરી પાડનાર તરીકે કેવી સુંદર ભૂમિકા ભજવી હતી. તેમણે આવી તો અનેક ભૂમિકા ભજવી છે. સાચે જ યહોવાહ નામનો ઊંડો અને અજોડ અર્થ રહેલો છે. એ જાણીને આપણા દિલમાં તેમના માટે ઊંડો આદરભાવ જાગે છે.

જોકે નામથી ઈશ્વરને ઓળખવા હંમેશાં સહેલું નથી. હવે પછીનો લેખ એ વિષે વધારે જણાવશે. (w10-E 07/01)