સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલ વાંચનથી લાભ લેવા સાત સૂચનો

બાઇબલ વાંચનથી લાભ લેવા સાત સૂચનો

બાઇબલ વાંચનથી લાભ લેવા સાત સૂચનો

‘અત્યાર સુધીમાં બીજા કોઈ પણ પુસ્તક કરતાં બાઇબલ સૌથી વધારે વેચાણ પામેલું પુસ્તક છે. એટલું જ નહિ, દર વર્ષે એનું સૌથી વધારે વેચાણ થાય છે.’—ટાઇમ્સ મૅગેઝિન.

“હું કોઈક વાર બાઇબલ વાંચું છું. પણ એ વાંચવામાં મને અતિશય કંટાળો આવે છે.”—કીઈથ, ઇંગ્લૅંડનો જાણીતો સંગીતકાર.

એ કેટલા દુઃખની વાત છે કે આજે ઘણા લોકો પાસે બાઇબલ છે, પણ તેઓ એનો કોઈ લાભ મેળવતા નથી. જ્યારે કે બીજાઓ બાઇબલના વિચારોને હીરા-મોતીની જેમ ગણે છે. દાખલા તરીકે, નેન્સી નામની બહેન કહે છે: ‘મેં જ્યારથી રોજ સવારે બાઇબલ વાંચીને એના પર મનન કરવાનું શરૂ કર્યું છે ત્યારથી હું રોજની મુશ્કેલીઓનો સામનો કરવા માટે તૈયાર રહું છું. હું છેલ્લા ૩૫ વર્ષથી અવારનવાર ડિપ્રેશનમાં જતી રહું છું, પણ મેં જોયું છે કે બાઇબલ વાંચનની મારી આદતને લીધે આવા સમયે મને ખૂબ જ મદદ મળે છે.’

જો તમે કદી બાઇબલ વાંચ્યું ન હોય તો, શું એ જાણવું છે કે બીજાઓને એ વાંચીને કેવો લાભ થયો છે? તમે જો બાઇબલ વાંચતા હો તો, શું એમાંથી હજી વધારે લાભ લેવા ચાહો છો? એમ હોય તો, આ લેખમાં આપેલાં સાત સૂચનો તમે અજમાવી શકો.

સૂચન ૧ કંઈક શીખવાના ધ્યેયથી વાંચો

▪ કદાચ તમે બાઇબલને એક સુંદર નવલકથાની જેમ વાંચતા હશો. અથવા તમારી ફરજ બજાવવા વાંચતા હશો. કે પછી જીવનની મુશ્કેલીઓમાં માર્ગદર્શન માટે એ વાંચતા હશો. પણ જો તમે ઈશ્વરને સારી રીતે ઓળખવા એ વાંચશો તો એમાંથી વધારે લાભ થશે. એ ઉપરાંત, બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવવાના ધ્યેયથી તમે એ વાંચશો તો તમને પુષ્કળ આશીર્વાદો મળશે.

બાઇબલને કંઈક શીખવાના ધ્યેયથી વાંચવું ખૂબ જ જરૂરી છે. એના પર ભાર મૂકતા બાઇબલ ઈશ્વરનાં વચનોને અરીસા સાથે સરખાવે છે: ‘જે કોઈ માણસ વચન પાળનાર નથી, પણ કેવળ સાંભળનાર છે, તે પોતાનું સ્વાભાવિક મોં અરીસામાં જોનાર માણસના જેવો છે; કેમ કે તે પોતાને જુએ છે, પછી ત્યાંથી ખસી જાય છે, એટલે તે પોતે કેવો હતો, એ તે તરત ભૂલી જાય છે. પણ જે છૂટાપણાના સંપૂર્ણ નિયમમાં નિહાળીને જુએ છે, અને તેમાં રહે છે, જે સાંભળીને ભૂલી જનાર નહિ, પણ કામ કરનાર થાય છે, તે જ માણસ પોતાના વ્યવહારમાં ધન્ય થશે.’—યાકૂબ ૧:૨૩-૨૫.

આ ઉદાહરણમાં માણસ અરીસામાં જુએ તો છે, પણ પછી પોતાનો દેખાવ સુધારતો નથી. કદાચ તેણે ઉતાવળે અરીસામાં એક નજર નાખી હશે અથવા તો તેનામાં જરૂરી ફેરફાર કરવાની ઇચ્છા નથી. એવી જ રીતે, જો આપણે પણ જેમતેમ બાઇબલ વાંચીશું કે એને જીવનમાં લાગુ નહિ પાડીએ તો કોઈ લાભ નહિ થાય. પણ જો આપણે જીવનમાં લાગુ પાડવાના ધ્યેયથી બાઇબલ વાંચીશું, ઈશ્વરના વિચારોથી પોતાના વાણી-વર્તનને ઘડાવા દઈશું તો આપણને જીવનમાં ખરી ખુશી મળશે.

સૂચન ૨ ભરોસાપાત્ર બાઇબલ અનુવાદ પસંદ કરો

▪ કદાચ તમારી ભાષામાં જુદાં જુદાં બાઇબલના અનુવાદો હશે. એ ખરું છે કે કોઈ પણ બાઇબલ વાંચવાથી તમને લાભ થશે. પરંતુ અમુક બાઇબલની ભાષા સમજવી અઘરી હોય છે, કેમ કે એ બહુ જૂની હોય છે કે પછી એમાં પંડિતોની ભાષા વાપરી હોય છે. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૩) અમુક બાઇબલનો અનુવાદ રીત-રિવાજોને આધારે થયો હોવાથી એનો સંદેશો થોડો ઘણો બદલાયો હોય છે. દાખલા તરીકે, આપણે શરૂઆતના લેખોમાં જોયું તેમ અમુકે તો ઈશ્વરનું નામ “યહોવાહ”ને બદલે ત્યાં ફક્ત “દેવ,” “ઈશ્વર” કે “પ્રભુ” મૂક્યું છે. તેથી તમે જ્યારે કોઈ બાઇબલ પસંદ કરો ત્યારે ધ્યાન રાખજો કે એ સચોટ અને સમજવું સહેલું હોય જેથી તમને વાંચવું ગમે.

દુનિયા ફરતે લાખો લોકોને ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન બાઇબલ વાંચવું ખૂબ જ ગમે છે. * બલ્ગેરિયામાં રહેતા એક વૃદ્ધ માણસનો વિચાર કરો. તે યહોવાહના સાક્ષીઓની સભામાં ગયા ત્યારે તેમને ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન બાઇબલ આપવામાં આવ્યું. તેમણે પછી કહ્યું: ‘હું ઘણાં વર્ષોથી બાઇબલ વાંચું છું. પણ મેં આટલું સરસ ભાષાંતર કદી નથી વાંચ્યું. એ સહેલાઈથી સમજાય એવું છે અને સીધું દિલમાં ઊતરી જાય છે.’

સૂચન ૩ પ્રાર્થના કરો

▪ બાઇબલને વધારે સારી રીતે સમજવા તમે એના રચનાર પાસે મદદ માગી શકો. એક ગીતના લેખકે એમ જ કર્યું હતું: “તારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે મારી આંખો ઉઘાડ.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૮) તમે જ્યારે પણ બાઇબલ વાંચો ત્યારે હર વખત ઈશ્વર પાસે એ સમજવા મદદ માગો. તમે ઈશ્વરનો આભાર પણ માની શકો, કેમ કે બાઇબલ વગર આપણે તેમને ઓળખી શક્યા ન હોત.—ગીતશાસ્ત્ર ૧૧૯:૬૨.

આપણે મદદ માટે પ્રાર્થના કરીએ ત્યારે શું ઈશ્વર એ સાંભળે છે? ચાલો જોઈએ કે ઉરુગ્વેમાં રહેતી બે યુવાન બહેનો સાથે શું બન્યું. તેઓ બાઇબલમાં દાનીયેલ ૨:૪૪ના શબ્દો વાંચીને ગૂંચવાઈ ગઈ. તેઓએ ઈશ્વરને પ્રાર્થના કરી કે કોઈ એ કલમ સમજાવે. હજી તો એ બહેનોનું બાઇબલ ખુલ્લું જ હતું ત્યાં યહોવાહના બે સાક્ષીઓએ તેઓનો દરવાજો ખટખટાવ્યો. બન્‍ને બહેનોએ જે કલમ માટે પ્રાર્થના કરી હતી એ જ કલમ સાક્ષીઓએ તેઓને વાંચી આપી. પછી એની સમજણ આપી કે ઈશ્વર કઈ રીતે મનુષ્યની સરકારો કાઢી નાખીને પોતાનું રાજ લાવશે. * એનાથી બન્‍ને યુવાન બહેનોને ખાતરી થઈ કે ઈશ્વરે તેઓની પ્રાર્થનાનો જવાબ આપ્યો છે.

સૂચન ૪ દરરોજ વાંચો

▪ પુસ્તકોના એક પ્રકાશકે જણાવ્યું કે અમેરિકામાં સપ્ટેમ્બર ૧૧, ૨૦૦૧ના આતંકવાદી હુમલા પછી “બાઇબલના વેચાણમાં મોટો ઉછાળો આવ્યો હતો.” મુશ્કેલ સંજોગો આવી પડે ત્યારે જ લોકો બાઇબલ તરફ ફરે છે. પણ બાઇબલ ઉત્તેજન આપે છે કે આપણે એને રોજ વાંચવું જોઈએ. એ કહે છે: “એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહિ; પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર, કે તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાળે; કારણ કે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે, અને ત્યારે જ તું ફતેહ પામશે.”—યહોશુઆ ૧:૮.

દરરોજ બાઇબલ વાંચવું કેટલું મહત્ત્વનું છે એ સમજવા એક દાખલો લઈએ. એક વ્યક્તિ હાર્ટઍટેક આવ્યા પછી નક્કી કરે છે કે હવેથી તે સાદો પણ પૌષ્ટિક ખોરાક લેશે. પરંતુ પછી તે દુખાવો ઊપડે ત્યારે જ એવો ખોરાક લે છે. શું એનાથી કોઈ ફાયદો થશે? ના. તે રોજ પૌષ્ટિક ખોરાકને વળગી રહે તો જ ફાયદો થશે. એવી જ રીતે દરરોજ બાઇબલ વાંચવાથી તમને ‘તમારા માર્ગમાં સફળ’ થવા મદદ મળશે.

સૂચન ૫ વાંચનમાં જુદી જુદી રીત અપનાવો

▪ બાઇબલને ઉત્પત્તિથી પ્રકટીકરણ સુધી વાંચવું સારું છે. પણ તમે થોડી વિવિધતા લાવીને વાંચનને આનંદદાયક બનાવી શકો. એમ કરવા અહીંયા અમુક સૂચનો છે.

બાઇબલના કોઈ એક પાત્ર વિષે વાંચો. કોઈ ઈશ્વરભક્ત વિષે બાઇબલમાંથી બધા જ અધ્યાયો કે પુસ્તકો વાંચો. દાખલા તરીકે:

યુસફ: ઉત્પત્તિ ૩૭-૫૦.

રૂથ: રૂથ ૧-૩.

ઈસુ: માત્થી ૧-૨૮; માર્ક ૧-૧૬; લુક ૧-૨૪; યોહાન ૧-૨૧. *

કોઈ એક વિષયને ધ્યાનમાં રાખો. જે તે વિષયને લગતી કલમો વાંચો. દાખલા તરીકે, પ્રાર્થના વિષય પર સંશોધન કરો. પછી પ્રાર્થનાને લગતી સલાહ બાઇબલમાંથી વાંચો. એ સાથે બાઇબલમાં નોંધેલી અમુક પ્રાર્થનાઓ પણ વાંચો. *

મોટેથી વાંચો. મોટેથી બાઇબલ વાંચન કરવાથી તમને ઘણો ફાયદો થશે. (પ્રકટીકરણ ૧:૩) તમે કદાચ કુટુંબ સાથે ભેગા મળીને પણ મોટેથી બાઇબલ વાંચી શકો. કુટુંબના દરેક સભ્ય વારાફરતી ફકરાઓ વાંચી શકે અથવા કોઈ પાત્રનો ભાગ લઈ શકે. અમુક કુટુંબ બાઇબલનું ઑડિયો રેકોર્ડિંગ સાંભળે છે. એક સ્ત્રીએ કહ્યું, ‘મને બાઇબલ વાંચન શરૂ કરવું ખૂબ જ અઘરું લાગતું. એટલે મેં બાઇબલ રેકોર્ડિંગ સાંભળવાનું શરૂ કર્યું. હવે તો મને બાઇબલમાં કોઈ સારી નોવેલ કરતાં પણ વધારે મજા આવે છે.’

સૂચન ૬ મનન કરો

▪ આજનું જીવન ખૂબ જ વ્યસ્ત છે અને મનન કરવા માટે શાંત સમય કાઢવો સહેલું નથી. પરંતુ જેમ પોષણ માટે ખોરાકને પચાવવો જરૂરી છે, તેમ જ બાઇબલ વાંચનમાંથી ફાયદો લેવા એના પર મનન કરવું ખૂબ જરૂરી છે. એમ કરવા તમે જે વાંચ્યું હોય એના પર મનમાં વિચાર કરી શકો અને પોતાને આવા પ્રશ્નો પૂછી શકો: ‘આ વાંચનથી મને યહોવાહ વિષે શું શીખવા મળ્યું? એ માહિતી મને કઈ રીતે જીવનમાં લાગુ પડે છે? બીજાઓને મદદ કરવા હું આનો કઈ રીતે ઉપયોગ કરી શકું?’

આ રીતે વિચાર કરવાથી બાઇબલનો સંદેશો આપણા દિલ સુધી પહોંચશે અને બાઇબલ વાંચવામાં તમને વધારે આનંદ મળશે. ગીતશાસ્ત્ર ૧૧૯:૯૭ કહે છે, “હું તારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું! આખો દિવસ તેનું જ મનન કરૂં છું.” અહીંયા જોવા મળે છે કે આ શબ્દો લખનાર આખો દિવસ ઈશ્વરનાં વચનો પર મનન કરતા હતા. એમ કરવાથી તે જે કંઈ શીખ્યા એના માટે ઊંડો પ્રેમ કેળવી શક્યા.

સૂચન ૭ સમજવા માટે મદદ લો

▪ ઈશ્વર એવી આશા રાખતા નથી કે આપણે બાઇબલમાંથી જે કંઈ વાંચીએ એ બધું જ પોતાની મેળે સમજી જઈએ. બાઇબલમાં એમ પણ લખ્યું છે કે એમાંની “કેટલીએક વાતો સમજવાને અઘરી છે.” (૨ પીતર ૩:૧૬) પ્રેરિતોનાં કૃત્યો પુસ્તક ઇથિયોપિયાના એક અમલદાર વિષે જણાવે છે જેને બાઇબલનો અમુક ભાગ સમજવો અઘરો લાગ્યો હતો. એટલે તેને મદદ કરવા ઈશ્વર પોતાના એક ભક્તને મોકલે છે. બાઇબલની ખરી સમજણ મેળવ્યા પછી એ અમલદાર “આનંદ કરતો કરતો પોતાને માર્ગે ચાલ્યો ગયો.”—પ્રેરિતોનાં કૃત્યો ૮:૨૬-૩૯.

બાઇબલમાં જે વાંચો છો એ સમજવા બીજાની મદદ લેવાથી તમને પણ ઘણો ફાયદો થઈ શકે. એ માટે તમારી નજીક રહેતા યહોવાહના સાક્ષીઓને મળો અથવા આ મૅગેઝિનના પાન ૪ પર આપેલા સરનામા પર લખો. તેઓ કોઈ ચાર્જ વગર તમે ચાહો એ જગ્યાએ બાઇબલમાંથી શીખવશે. (w10-E 07/01)

[ફુટનોટ્‌સ]

^ ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન બાઇબલ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે. એ પૂરું કે અમુક ભાગમાં ૮૩ ભાષાઓમાં છપાયું છે અને ૧૭ ભાષાઓમાં www.watchtower.org વેબ સાઇટ પર ઑનલાઈન પ્રાપ્ય છે.

^ ઈશ્વરના રાજ વિષે અને એ રાજ શું કરશે એ વિષે વધારે જાણવા box પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૮ જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

^ જો તમે પહેલી વાર બાઇબલ વાંચવાનું શરૂ કરવાના હોય તો કદાચ માર્કના પુસ્તકથી શરૂઆત કરી શકો. એમાં ઈસુના સેવાકાર્ય વિષે ટૂંકમાં પણ સાદી અને સરળ રીતે જણાવવામાં આવ્યું છે.

^ પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકમાં અનેક વિષયોની ચર્ચા થઈ છે. એમાંથી ઘણાને બાઇબલમાંથી શીખવા મદદ મળી છે. દાખલા તરીકે, પ્રકરણ ૧૭ ચર્ચા કરે છે કે પ્રાર્થના વિષે બાઇબલ શું કહે છે.