સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હમણાં અને ભાવિમાં જીવનની મઝા માણો

હમણાં અને ભાવિમાં જીવનની મઝા માણો

હમણાં અને ભાવિમાં જીવનની મઝા માણો

હમણાં પણ તમે જીવનની મઝા માણી શકો છો. કઈ રીતે? બાઇબલમાં આપેલા ઈશ્વરના સિદ્ધાંતો પ્રમાણે જીવીને. ચાલો એ માટે એમાંના અમુક સિદ્ધાંતો તપાસીએ.

બાઇબલ સિદ્ધાંત: સુલેમાન રાજાએ લખ્યું: “ખાવું, પીવું તથા પોતાના કામમાં પોતાના જીવને મોજ કરાવવી, એ કરતાં માણસને માટે બીજું કશું શ્રેષ્ઠ નથી.”સભાશિક્ષક ૨:૨૪.

આપણને એવી રીતે બનાવવામાં આવ્યા છે કે સારું કામ કરીએ ત્યારે એમાં આનંદ મળે છે. મુશ્કેલ સંજોગોમાં પણ આપણે ઇમાનદારીથી મહેનત કરીએ છીએ ત્યારે અમુક પ્રમાણમાં સંતોષ મળે છે.

બાઇબલ સિદ્ધાંત: ‘લેવા કરતાં આપવામાં વધારે ખુશી મળે છે.’પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.

ઘણાએ અનુભવ્યું છે કે અઘરા સંજોગોમાં પણ બીજાને મદદ કરવા પોતાનો સમય અને શક્તિ આપવાથી સંતોષ મળે છે. સુલેમાને લખ્યું: ‘હિત કરવાની શક્તિ તારા હાથમાં હોય તો જેને જરૂર હોય તેનાથી તે પાછું ન રાખ.’—નીતિવચનો ૩:૨૭.

રાલ્ફભાઈનો દાખલો લઈએ. તે નિવૃત્ત થયા પછી પત્ની સાથે પૂરો સમય ઈશ્વરના રાજ્ય વિષે લોકોને શીખવવા લાગ્યા. તેઓ દર મહિને બીજાઓને બાઇબલમાંથી શીખવવા ઘણા કલાકો વિતાવતા. તે કહે છે, ‘સાંજે ઘરે જઈએ ત્યારે અમે થાકી થઈ ગયા હોઈએ છીએ. ફક્ત ઉંમરને લીધે જ નહિ, પણ ઈશ્વર વિષે શીખવવામાં બધી જ શક્તિ વાપરી હોવાથી થાકી જઈએ છીએ. જોકે એ થાક સારો લાગે છે, કેમ કે એમાંથી અમને ખરો સંતોષ મળે છે.’ રાલ્ફ અને તેમની પત્નીને આ રીતે બીજાઓને મદદ કરવાથી આનંદ મળે છે.

બાઇબલ સિદ્ધાંત: ‘સાચો મિત્ર હંમેશાં વફાદાર રહે છે. જરૂરના સમયે મદદરૂપ થવા તે જન્મ્યો છે.’નીતિવચનો ૧૭:૧૭, IBSI.

આપણું દુઃખ મિત્રને કહીશું તો દુઃખ હળવું કરવા મદદ મળશે. અંગ્રેજી ફિલસૂફ ફ્રાન્સિસ બેકને લખ્યું કે, જેઓના ખરા મિત્રો નથી તેઓની ‘દુનિયા જાણે રણ જેવી છે.’ સાચા મિત્ર હોવાથી અને સારા મિત્ર બનવાથી દુઃખ-તકલીફો સહેવી સહેલું બને છે. એમ કરવાથી આનંદ અને સંતોષ મળે છે.

બાઇબલ સિદ્ધાંત: ‘જેઓ ઈશ્વરની વાત સાંભળે છે અને પાળે તેઓ સુખી છે!’લુક ૧૧:૨૮.

ઈસુએ જણાવ્યું કે ઈશ્વરના વચનોનો આનંદ માણવો હોય, તો સાંભળવાની સાથે એ પ્રમાણે કરવું પણ જોઈએ. ઈશ્વર બાઇબલ વડે આપણને જીવનનો મકસદ સમજવા મદદ કરે છે. એનાથી આપણને આનંદ મળે છે. મનુષ્યમાં જીવનના હેતુ વિષે જાણવાની તરસ છે, જે પ્રાણીઓમાં નથી. ફક્ત યહોવાહ ઈશ્વર જ બાઇબલ દ્વારા એ તરસ મિટાવી શકે છે. આગળના લેખમાં જોઈ ગયા તેમ, ધરતી માટેના પોતાના હેતુ વિષે તેમણે બાઇબલમાં જણાવ્યું છે. એમાંથી જાણવા મળે છે કે આપણે ધરતી પર કેમ છીએ, કેમ આટલું બધું દુઃખ છે અને ઈશ્વર આપણી પાસેથી કેવી ભક્તિ ચાહે છે. એ વિષે શીખીશું તો આપણે જીવનનો હેતુ જાણી શકીશું અને સંતોષભર્યું જીવન જીવી શકીશું. જેઓ સમય કાઢીને બાઇબલમાંથી શીખે છે અને જીવનમાં ઉતારે છે તેઓ ખુશ છે. એનું કારણ એ છે કે તેઓ આનંદથી ભરપૂર આપણા સર્જનહાર યહોવાહ સાથે સંબંધ બાંધી રહ્યા છે.

બાઇબલ સિદ્ધાંત: ‘તારા સરજનહારનું સ્મરણ કર; માઠા દિવસો આવ્યા પહેલાં, વળી જે વર્ષો વિષે તું એમ કહેશે, કે તેમાં મને કંઈ સુખ નથી તે નજીક આવ્યા પહેલાં તેમનું સ્મરણ કર.’સભાશિક્ષક ૧૨:૧.

સુલેમાન રાજાએ યુવાનોને સલાહ આપતાં યાદ કરાવ્યું કે સર્વ પર અનેક મુશ્કેલીઓ આવે છે. એટલે, ઈશ્વરની ભક્તિ જીવનમાં પ્રથમ રાખવી જરૂરી છે. એમ કરીશું તો જીવનમાં મકસદ જેવું કંઈ હશે. જોકે આવો વિચાર ટાળવો જોઈએ: ‘ચાલો ખાઈએ અને પીઈએ, કેમ કે કાલે આપણે મરવાના છીએ!’ (૧ કોરીંથી ૧૫:૩૨) જીવનમાં ઈશ્વરની ભક્તિ પ્રથમ રાખીશું, તો આપણું જ “ભલું થશે.”—સભાશિક્ષક ૮:૧૨.

વૅન્ડી નામની યુવતીના કિસ્સામાં એ સાચું જ પડ્યું. તે પોતાની નાની બહેન સાથે સ્પૅનિશ ભાષા શીખી, જેથી ડોમિનિકન પ્રજાસત્તાક દેશમાં જઈ શકે. ત્યાં ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવવાની બહુ જ જરૂર હતી. વૅન્ડી કહે છે: “ખુશખબર ફેલાવવાની જ્યાં વધારે જરૂર હતી, ત્યાં જવા અમે ઘણી બાબતો જતી કરી. પણ અમને એનો જરાય અફસોસ નથી. એ છ મહિનાઓમાં અમને જે મઝા આવી એની તોલે બીજી કોઈ બાબત આવી જ ન શકે! અમે જે જતું કર્યું એના કરતાં વધારે અમને આશીર્વાદ મળ્યા.”

ઈશ્વરને વફાદાર રહેવાથી જીવન આનંદી બને છે

યહોવાહ સામે બળવો પોકારવા શેતાને આદમ અને હવાને ઉશ્કેર્યા. શેતાન સાબિત કરવા માંગતો હતો કે કસોટીમાં કોઈ પણ વ્યક્તિ યહોવાહને વફાદાર રહેતી નથી. (અયૂબ ૧:૯-૧૧; ૨:૪) પણ આપણે તેને જૂઠો સાબિત કરી શકીએ છીએ! કેવી રીતે? યહોવાહને વફાદાર રહીને અને તેમના સિદ્ધાંતો પ્રમાણે જીવીને. એનાથી બતાવીએ છીએ કે ફક્ત યહોવાહને જ નક્કી કરવાનો હક છે કે આપણા માટે સારું શું અને ખરાબ શું. યહોવાહ ઈશ્વર સાથે ગાઢ સંબંધ બાંધવાથી જ જીવન વધારે આનંદી બને છે.—પ્રકટીકરણ ૪:૧૧.

ઈશ્વરના માર્ગે ચાલવા કદાચ જીવનમાં અનેક મુશ્કેલીઓ સહેવી પડે. શું એ સહેવાથી આપણા જીવનનો આનંદ છીનવાઈ જશે? ના. એ સમજવા માની લો કે કોઈ દુશ્મન તમારા જિગરી દોસ્ત કે કુટુંબના કોઈ સભ્યની નિંદા કરે છે. તેનો પક્ષ લેવા તમે કંઈ પણ સહેવા તૈયાર થશો, ખરું ને! એનાથી તમારી ખુશી છીનવાઈ નથી જતી. યહોવાહને વફાદાર રહેવા વિષે પણ એવું જ છે. આજની દુષ્ટ દુનિયામાં ઈશ્વરના માર્ગે ચાલવું સહેલું નથી. છતાં, એ માર્ગમાં ચાલતા રહીશું તો યહોવાહ ઈશ્વરને ઘણો આનંદ થશે.—નીતિવચનો ૨૭:૧૧.

સુખી જીવન કાયમ માટે

યહોવાહ ઈશ્વરને ઓળખવા અને ધરતી માટેનો તેમનો મકસદ જાણવા બનતું બધું જ કરો. ખુદ ઈસુ ખ્રિસ્તે કહ્યું: ‘અનંતજીવન એ છે કે તેઓ તમને એકલા ખરા ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્ત જેને તમે મોકલ્યા છે તેને ઓળખે.’ (યોહાન ૧૭:૩) ધરતી માટે યહોવાહ ઈશ્વર પોતાનો હેતુ પૂરો કરશે ત્યારે તેમના ભક્તો “અનંતજીવનનો” આનંદ માણશે. તેઓ સુંદર ધરતી પર કાયમ જીવશે, ત્યારે જીવનમાં ખરો સંતોષ અને સુખ હશે.—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬.

ઈસુએ કહ્યું કે ‘ખરા ઈશ્વરને ઓળખવા’ જોઈએ. એ માટે શું કરવું જોઈએ? બાઇબલમાંથી શીખવું જોઈએ. વધારે માહિતી માટે તમે આ મૅગેઝિનના પ્રકાશકોને લખી શકો. તેઓ જરૂર તમને બાઇબલમાંથી શીખવા મદદ કરશે. (w11-E 07/01)