સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એકબીજાને દિલથી માફ કરો

એકબીજાને દિલથી માફ કરો

“તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ અને જેમ ખ્રિસ્તમાં ઈશ્વરે પણ તમને માફી બક્ષી તેમ, તમે એકબીજાને ક્ષમા કરો.”—એફે. ૪:૩૨.

૧, ૨. આપણે માફ કરવા તૈયાર છીએ કે કેમ એનો વિચાર કરવો કેમ મહત્ત્વનું છે?

 બાઇબલ આપણને સમજવા મદદ કરે છે કે પાપ વિશે યહોવાને કેવું લાગે છે અને આપણે પાપ કરીએ ત્યારે તે કેવી રીતે વર્તે છે. બાઇબલ આપણને માફ કરવા વિશે પણ ઘણું જણાવે છે. આગલા લેખમાં આપણે જોયું કે દાઊદ અને મનાશ્શેના વલણે તેઓને યહોવા પાસેથી માફી અપાવી. પોતાનાં પાપ માટે તેઓ દિલગીર હતાં. યહોવાની આગળ પાપ કબૂલ્યાં અને નક્કી કર્યું કે ફરીથી એમ નહિ કરે. તેઓએ ખરો પસ્તાવો કર્યો હોવાથી, યહોવા કૃપા બતાવવા તૈયાર થયા.

ચાલો, હવે જોઈએ કે આપણે બીજાઓને કેવી રીતે માફ કરી શકીએ. માનો કે માનાશ્શાએ જે કર્યું એના લીધે તમારું કોઈ પ્રિયજન મરણ પામ્યું હોત તો, તમને કેવું લાગ્યું હોત? શું તમે મનાશ્શાને માફ કર્યા હોત? આ સવાલ આજે મહત્ત્વનો છે, કેમ કે આપણે હિંસક, સ્વાર્થી અને દુષ્ટ દુનિયામાં રહીએ છીએ. તો પછી, આપણે શા માટે લોકોને માફ કરવાનું વલણ કેળવવું જોઈએ? જો તમે અપમાન કે અન્યાય સહેતા હો, તો તમારી લાગણીઓને કાબૂમાં રાખવા, યહોવાને પસંદ પડતી રીતે વર્તવા અને લોકોને માફ કરવા તમને શું મદદ કરશે?

માફી આપવી કેમ જરૂરી છે

૩-૫. (ક) લોકો માફ કરવાની જરૂરિયાત સમજે એ માટે ઈસુએ કયું ઉદાહરણ આપ્યું? (ખ) માથ્થી ૧૮:૨૧-૩૫માંના ઉદાહરણથી ઈસુ શું કહેવા માંગતા હતા?

ખોટું લગાડનાર કદાચ મંડળનાં ભાઈ-બહેનો હોઈ શકે અથવા બહારનું કોઈ હોય. આપણે બધાને માફ કરવા જોઈએ. જો આપણે કુટુંબ, મિત્રો, બીજા લોકો અને યહોવા સાથે શાંતિ જાળવી રાખવા ચાહતા હોઈએ, તો એમ કરવું મહત્ત્વનું છે. લોકો ભલે ગમે એટલી વાર આપણને ઠેસ પહોંચાડે, તેઓને ખુશીથી માફ કરવા બાઇબલ જણાવે છે. ખ્રિસ્તીઓ માટે એ એક જરૂરિયાત છે. એ જરૂરિયાત કેટલી વાજબી છે એ સમજાવવા ઈસુએ એવા એક ચાકરનું ઉદાહરણ આપ્યું જે દેવાદાર હતો.

ચાકરના માથે માલિકનું ઘણું દેવું હતું. છ કરોડ દિવસના પગાર જેટલું તેનું દેવું હતું. તોય તેના માલિકે તેનું બધું દેવું માફ કર્યું. પછી, એ ચાકર માલિક પાસેથી જતો રહ્યો અને તેને એક સાથી ચાકર મળ્યો. ૧૦૦ દિવસના પગાર જેટલું તેના સાથી ચાકરનું દેવું હતું. તેણે ધીરજ રાખવા તેને કાલાવાલા કર્યા. પણ ચાકર, જેનું ઘણું દેવું માફ કરવામાં આવ્યું હતું, તેણે પેલા સાથી ચાકરને કેદમાં નાખ્યો. આ વલણ જોઈને માલિક ગુસ્સે ભરાયા. તેમણે ચાકરને પૂછ્યું: ‘“મેં તારા પર જેવી દયા કરી તેવી દયા શું તને પણ તારા સાથી ચાકર પર કરવી જોઈતી ન હતી?” અને તેના માલિકે ગુસ્સે થઈને તેનું બધું દેવું વાળે ત્યાં સુધી તેને પીડા આપનારાઓને સોંપ્યો.’—માથ. ૧૮:૨૧-૩૪.

ઈસુ આ ઉદાહરણ વાપરીને શું કહેવા માંગતા હતા? તેમણે ઉદાહરણના અંતે આમ કહ્યું: ‘એ પ્રમાણે જો તમે પોતપોતાના ભાઈઓના અપરાધ તમારા દિલથી માફ નહિ કરો, તો સ્વર્ગમાંના મારા પિતા પણ તમને એમ જ કરશે.’ (માથ. ૧૮:૩૫) ઈસુની વાત સ્પષ્ટ હતી. આપણે અપૂર્ણ હોવાથી જીવનમાં ઘણી ભૂલો કરીએ છીએ. એ બતાવે છે કે યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવું આપણા માટે અશક્ય છે. તેમ છતાં, યહોવા આપણને માફ કરે છે અને આપણાં પાપ ભૂંસી નાખે છે. એટલે, યહોવાની સાથે મિત્રતા રાખવા માંગતી વ્યક્તિની ફરજ બને છે કે તે બીજાઓની ભૂલો માફ કરે. નહિતર પહાડ પરના ઉપદેશમાં ઈસુએ કહ્યું હતું એવું થશે: ‘જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરો, તો સ્વર્ગમાંના તમારા પિતા તમને પણ માફ કરશે. પણ જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહિ કરો, તો તમારા પિતા તમારા અપરાધ પણ તમને માફ નહિ કરશે.’—માથ. ૬:૧૪, ૧૫.

૬. શા માટે માફ કરવું હંમેશાં સહેલું નથી?

તમે કદાચ કહેશો કે ‘એ સિદ્ધાંત બરાબર છે. પણ કહેવા કરતાં કરવું અઘરું હોય છે.’ આમ માનવાનું કારણ એ છે કે કોઈ ખરાબ રીતે વર્તે ત્યારે, બહુ લાગી આવે છે. એવા સમયે વ્યક્તિને કદાચ ગુસ્સો આવશે, દગો થયો હોય એમ લાગશે. અરે, ઇન્સાફ મેળવવાનું કે બદલો લેવાનું પણ મન થાય. અમુક લોકોને એમ લાગતું હોય છે કે માઠું લગાડનારને તેઓ કદી માફ કરી નહિ શકે. કદાચ તમને પણ એવું જ લાગતું હોઈ શકે. પણ યહોવા આપણી પાસેથી અપેક્ષા રાખે છે કે આપણે બીજાઓને માફ કરવાનું વલણ કેળવીએ. તમે એ કેવી રીતે કેળવી શકો?

ગુસ્સાનું કારણ તપાસો

૭, ૮. કોઈના ખરાબ વાણી-વર્તનથી તમને ગુસ્સો આવ્યો હોય તો, તેને માફ કરવા શું મદદ કરશે?

કોઈએ સાચે જ આપણને ખોટું લગાડ્યું હોય અથવા આપણે જાતે એવું માની લીધું હોય. આ બંને સંજોગમાં બહુ ગુસ્સો આવે છે. એક યુવાન ગુસ્સામાં કેવી રીતે વર્ત્યો એ જણાવતા તે કહે છે: ‘એક વાર હું ગુસ્સામાં આવીને, ઘર છોડીને ચાલી નીકળ્યો. મેં નક્કી કરી લીધેલું કે હું ક્યારેય પાછો નહિ આવું. એ ઉનાળાનો બહુ સુંદર દિવસ હતો. હું મનમોહક રસ્તા પર ચાલતો જ ગયો. શાંત અને ખૂબસૂરત વાતાવરણે મારો ગુસ્સો ઠંડો પાડ્યો અને મારું મન હળવું થયું. થોડા કલાકો પછી, મારા ગુસ્સા માટે મને અફસોસ થયો અને હું ઘરે પાછો આવ્યો.’ આ ઉદાહરણ બતાવે છે કે પોતાનું મગજ ઠંડું પડવા સમય આપીશું અને શાંતિથી સંજોગો સમજીશું તો, ખોટી રીતે વર્તવાનું ટાળીશું અને પાછળથી પસ્તાવું નહિ પડે.—ગીત. ૪:૪; નીતિ. ૧૪:૨૯; યાકૂ. ૧:૧૯, ૨૦.

શાંત થવા સમય આપ્યા પછી પણ, જો ગુસ્સો આવતો હોય તો શું? એ સમજવાનો પ્રયત્ન કરો કે તમે ગુસ્સે કેમ થયા. શું ગુસ્સાનું કારણ એ છે કે કોઈ તમારી સાથે તોછડાઈથી વર્ત્યું છે? કે પછી તમને એવું લાગે છે કે વ્યક્તિએ જાણીજોઈને તમને દુઃખ પહોંચાડવા એવું કર્યું? શું એ વ્યક્તિનું વર્તન સાચે જ બહુ ખરાબ છે? જો તમે પોતાના ગુસ્સાનું કારણ શોધવા પ્રયત્ન કરશો, તો ખ્યાલ આવશે કે બાઇબલના કયા સિદ્ધાંતો તમારી એ લાગણી સુધારવા મદદ કરશે. પછી તમે યહોવાને પસંદ પડે એવી રીતે વર્તી શકશો. (નીતિવચનો ૧૫:૨૮; ૧૭:૨૭ વાંચો.) તમે પોતાની લાગણીઓ પર વિચાર કરવાને બદલે, હકીકત પર ધ્યાન આપશો તો કદાચ માફ કરવા તૈયાર થશો. કદાચ એમ કરવું અઘરું લાગી શકે. પણ એમ કરીને તમે બાઇબલને તમારા ‘હૃદયના વિચારો અને ભાવનાઓને’ પારખવા દો છો. એ તમને યહોવાની જેમ માફ કરવાનું શીખવશે.—હિબ્રૂ ૪:૧૨.

શું તમારે માઠું લગાડવું જોઈએ?

૯, ૧૦. (ક) તમને કોઈ ગુસ્સો ચઢાવે ત્યારે કેવી રીતે વર્તો છો? (ખ) સારું વિચારવાથી અને માફ કરવાથી તમારા જીવન પર કેવી અસર પડશે?

ગુસ્સો ચઢાવે એવા ઘણા સંજોગો જીવનમાં ઊભા થતા હોય છે. વિચારો કે તમે વાહન ચલાવો છો. એવામાં બીજાનું વાહન તમારી સાથે અથડાતાં અથડાતાં સહેજ રહી જાય છે. ત્યારે તમે શું કરશો? કદાચ તમે એવા ઘણા કિસ્સા વાંચ્યા હશે, જેમાં એક ડ્રાઇવર બીજા ડ્રાઇવર સાથે ઝઘડી પડે છે. પણ તમે યહોવાના ભક્ત હોવાથી એમ કરવા જરાય નહિ ચાહો.

૧૦ સંજોગો સમજવા જરા સમય લઈએ તો કેટલું સારું! વાંક તમારો પણ હોઈ શકે, કદાચ તમારું ધ્યાન ભટકી ગયું હોય. અથવા બની શકે સામેના ડ્રાઇવરનું વાહન બગડી ગયું હોય. આ દાખલો બતાવે છે કે સમજદારી, મોટું મન અને માફ કરવાની તૈયારી બતાવીશું તો, ગુસ્સો, નારાજગી અને ખોટી લાગણીઓ ઓછી થશે. આપણે તરત ગુસ્સે થવું ન જોઈએ. સભાશિક્ષક ૭:૯ કહે છે: “ગુસ્સો કરવામાં ઉતાવળા મિજાજનો ન થા; કેમ કે ગુસ્સો મૂર્ખોના હૃદયમાં રહે છે.” ઘણા સંજોગોમાં કદાચ આપણને એવું લાગે કે કોઈએ જાણીજોઈને આપણી સાથે અયોગ્ય વર્તન કર્યું છે. હકીકતમાં એવું હોય પણ નહિ, એ ફક્ત માણસની અપૂર્ણતા કે ગેરસમજણનું પરિણામ હોય. એટલે કોઈ તમારી સાથે જેમતેમ વર્તે, ત્યારે મોટું મન રાખો અને માફ કરો. એમ કરશો તો તમને ખુશી મળશે.—૧ પીતર ૪:૮ વાંચો.

‘તમારી શાંતિ પાછી વળશે’

૧૧. લોકો ખુશખબર સાંભળે કે ન સાંભળે તોપણ, આપણે કેવી રીતે વર્તવું જોઈએ?

૧૧ પ્રચારમાં કોઈ તમારું અપમાન કરે તો, એવા સમયે પોતા પર કેવી રીતે કાબૂ રાખશો? ઈસુએ પોતાના ૭૦ શિષ્યોને પ્રચારમાં મોકલ્યા ત્યારે, આજ્ઞા આપી કે દરેક ઘરે શાંતિની શુભેચ્છા પાઠવે. ઈસુએ જણાવ્યું: “જો કોઈ શાંતિનો પુત્ર ત્યાં હોય તો તમારી શાંતિ તેના પર રહેશે; પણ જો નહિ હોય, તો તે તમારી પાસે પાછી વળશે.” (લુક ૧૦:૧, ૫, ૬) લોકો જ્યારે આપણો સંદેશો સાંભળે છે, ત્યારે આપણને આનંદ થાય છે. આપણે જે સંદેશો જણાવીએ, એ તેઓને લાભ કરી શકે. અમુક વાર લોકો આપણી સાથે સારી રીતે વર્તતા નથી. ત્યારે શું? ઈસુએ કહ્યું હતું કે ઘરમાલિકને જે શાંતિ પાઠવી છે, એ આપણી સાથે રહેશે. ભલે લોકો આપણી સાથે કોઈ પણ રીતે વર્તે, દરેક ઘર છોડીએ ત્યારે આપણા દિલમાં શાંતિ હોવી જોઈએ. લોકોના ખરાબ વર્તન સામે, જો આપણે પણ તપી જઈશું તો આપણી શાંતિ છીનવાઈ જશે.

૧૨. એફેસી ૪:૩૧, ૩૨માં પાઊલે આપણને શું કરવાનું ઉત્તેજન આપ્યું?

૧૨ આપણે ફક્ત પ્રચારમાં જ નહિ પણ બની શકે તેમ, બધા જ સંજોગમાં શાંતિ જાળવવી જોઈએ. સ્વાભાવિક છે કે માફ કરવાનો અર્થ એવો નથી થતો કે કોઈનાં ખોટાં કામોને ચલાવી લઈએ અથવા એનાથી થયેલા નુકસાનને ઓછું ગણીએ. માફ કરવાનો એ અર્થ થાય કે આપણે મનમાં ગુસ્સો ભરી ન રાખીએ, પણ જતું કરીએ. એમ કરવાથી પોતાની શાંતિ જળવાઈ રહેશે. કોઈના ખોટા વર્તન કે કડવા બનાવ વિશે સતત વિચારવાથી શું થાય છે? એમ કરવાથી અમુક લોકોની ખુશી છીનવાઈ ગઈ છે. એટલે ખોટા વિચારોને તમારા પર રાજ કરવા ન દો. ભૂલશો નહિ કે મનમાં ખાર ભરી રાખશો તો, કદી ખુશ નહિ રહો. તેથી માફ કરતા રહો!—એફેસી ૪:૩૧, ૩૨ વાંચો.

યહોવાને પસંદ પડે એ રીતે વર્તીએ

૧૩. (ક) આપણે કેવી રીતે દુશ્મનના માથા ઉપર “ધગધગતા અંગારાના ઢગલા” કરી શકીએ? (ખ) કોઈના ગુસ્સા સામે મીઠાશથી વર્તીશું તો, કેવાં પરિણામો આવશે?

૧૩ કોઈ વાર એવું બને કે યહોવાને ન ભજતી કોઈ વ્યક્તિ આપણી સાથે ખરાબ રીતે વર્તે. એવા સંજોગોમાં, કદાચ તમે વ્યક્તિને બાઇબલનાં શિક્ષણમાં રસ કેળવવા મદદ કરી શકો. પ્રેરિત પાઊલે લખ્યું: “જો તારો વૈરી ભૂખ્યો હોય તો તેને ખવાડ; જો તરસ્યો હોય તો તેને પાણી પા; કેમ કે એવું કરવાથી તું તેના માથા ઉપર ધગધગતા અંગારાના ઢગલા કરીશ. ભૂંડાથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાનો પરાજય કર.” (રોમ. ૧૨:૨૦, ૨૧) વ્યક્તિના ગુસ્સા સામે મીઠાશથી વર્તીશું તો, તેનો કડક સ્વભાવ પણ નરમ થશે અને તેના સારા ગુણો બહાર આવશે. ખોટું લગાડનાર પ્રત્યે સમજદારી, હમદર્દી અને દયાથી વર્તીશું તો, તેને બાઇબલમાંથી યહોવા વિશે શીખવી શકીશું. ભલે કોઈ પણ સંજોગો હોય, નમ્ર રીતે વર્તીશું તો વ્યક્તિને આપણા સારા વર્તન વિશે વિચારવાની તક મળશે.—૧ પીતર ૨:૧૨; ૩:૧૬.

૧૪. કોઈ વ્યક્તિ તમારી સાથે ખરાબ રીતે વર્તી હોય તોપણ, કેમ મનમાં ખાર રાખવો ન જોઈએ?

૧૪ અમુક લોકો સાથે આપણે જરાય સંગત રાખવી ન જોઈએ. આમાં એવી વ્યક્તિનો સમાવેશ થાય છે, જે પહેલાં મંડળનો ભાગ હતા. પણ પાપ કર્યાં પછી પસ્તાવો ન કરવાને લીધે તેમને મંડળમાંથી કાઢી મૂકવામાં આવ્યાં છે. ભલે એવી વ્યક્તિએ પસ્તાવો કર્યો હોય તોપણ, તમને દુઃખ પહોંચાડ્યું હોવાને લીધે, તમારા માટે તેમને માફ કરવા ખૂબ જ અઘરું હોઈ શકે. કેમ કે લાગણીઓના ઘા રૂઝાતા વાર લાગે છે. આવા કિસ્સામાં તમે એવી વ્યક્તિને માફ કરવા વારંવાર યહોવાને પ્રાર્થના કરી શકો. આખરે તો વ્યક્તિના દિલમાં શું છે એ તમે કેવી રીતે જાણી શકો? પણ યહોવા જાણે છે. તે દરેકનાં દિલ પારખે છે અને પાપ કરનારાં સાથે ધીરજથી વર્તે છે. (ગીત. ૭:૯; નીતિ ૧૭:૩) એ વિશે બાઇબલ આમ કહે છે: ‘ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો. સઘળાં માણસોની નજરમાં જે શોભે છે, તે કરવાને કાળજી રાખો, જો બની શકે, તો ગમે તેમ કરીને સઘળાં માણસોની સાથે હળીમળીને ચાલો. ઓ વહાલાઓ, તમે સામું વૈર ન વાળો, પણ ઈશ્વરના કોપને માટે માર્ગ મૂકો; કેમ કે લખેલું છે, કે યહોવા કહે છે, કે “વૈર વાળવું એ મારું કામ છે; હું બદલો લઈશ.”’ (રોમ. ૧૨:૧૭-૧૯) તો શું તમારે બીજાને દોષિત ઠરાવવા જોઈએ? ના. (માથ. ૭:૧, ૨) તમે યહોવામાં પૂરી ખાતરી રાખી શકો કે તે ખરો ન્યાય કરશે.

૧૫. ખોટું લગાડનાર પ્રત્યે ગુસ્સે ન થવા આપણને શું મદદ કરશે?

૧૫ જો એમ લાગતું હોય કે તમે કોઈ અન્યાયનો ભોગ બન્યા છો અને અન્યાય કરનારે પસ્તાવો કર્યો હોય, તોપણ તેને માફી આપવી અઘરી બને તો શું? એવા સંજોગોમાં, એ યાદ રાખવું સારું કહેવાશે કે એ વ્યક્તિ પણ અન્યાયનો ભોગ બની છે. તે પણ અપૂર્ણ છે. (રોમ. ૩:૨૩) યહોવાને સર્વ અપૂર્ણ મનુષ્યો પર ખૂબ જ દયા આવે છે. તેથી, ખોટું લગાડનાર માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. જ્યારે આપણે કોઈ વ્યક્તિ માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે તેના પ્રત્યેનો આપણો ગુસ્સો ઓછો થાય છે. જેઓ આપણી સાથે યોગ્ય રીતે વર્તતા નથી તેઓ માટે દિલમાં ખાર ભરી રાખવો ન જોઈએ. ઈસુના શબ્દો સ્પષ્ટ જણાવે છે: “તમે તમારા વૈરીઓ પર પ્રીતિ કરો, ને જેઓ તમારી પાછળ લાગે છે તેઓને માટે પ્રાર્થના કરો.”—માથ. ૫:૪૪.

૧૬, ૧૭. વડીલો જ્યારે જણાવે કે વ્યક્તિએ પસ્તાવો કર્યો છે, ત્યારે તમે શું કરશો અને શા માટે?

૧૬ ગંભીર પાપ કરનાર વ્યક્તિએ પસ્તાવો કર્યો છે કે નહિ, એ નક્કી કરવાની જવાબદારી યહોવાએ વડીલોને સોંપી છે. યહોવાની જેમ વડીલો બધું જોઈ શકતા નથી. પરંતુ, બાઇબલ અને યહોવાની શક્તિની મદદથી તેઓ ખરો નિર્ણય લેવાનો પ્રયત્ન કરે છે. તેઓ પ્રાર્થના દ્વારા માર્ગદર્શન મેળવ્યા પછી, જે નિર્ણય પર આવે છે, એમાં યહોવાના વિચારો જોવા મળે છે.—માથ. ૧૮:૧૮.

૧૭ આવા કિસ્સામાં આપણે યહોવાને જ વળગી રહેવું જોઈએ. યહોવા જે રીતે મુશ્કેલીઓ થાળે પાડે છે એમાં પૂરો ભરોસો રાખવો જોઈએ અને વડીલોનો નિર્ણય સ્વીકારવો જોઈએ. વડીલો નક્કી કરે કે પાપી વ્યક્તિએ પસ્તાવો કર્યો છે ત્યારે, શું તમે તેને માફ કરીને પ્રેમ બતાવશો? (૨ કોરીં. ૨:૫-૮) ખાસ કરીને વ્યક્તિનું પાપ તમને અથવા તમારા કુટુંબના કોઈને અસર કરતું હોય ત્યારે, એમ કરવું સહેલું નથી. પણ જો તમને યહોવામાં પૂરો ભરોસો હોય કે તે પોતાની રીતે મંડળમાં મુશ્કેલીઓ થાળે પાડે છે, તો જે ખરું છે એ જ તમે કરશો. એમ કરવાથી તમે બતાવી આપશો કે વ્યક્તિને દિલથી માફ કરવા તૈયાર છો.—નીતિ. ૩:૫, ૬.

૧૮. દિલથી માફ કરીશું તો કેવા ફાયદા થઈ શકે?

૧૮ ડૉક્ટરો સ્વીકારે છે કે માફ કરવાથી ઘણો લાભ થાય છે. એનાથી મનમાં ભરેલો ગુસ્સો અને પોતાને કોરી ખાતી લાગણીઓથી મુક્ત થવાય છે અને તંદુરસ્તી તેમ જ સંબંધો સુધરે છે. પણ માફ ન કરીએ તો શું થશે? તંદુરસ્તી અને સંબંધો બંને બગડશે. તણાવ વધશે અને અબોલા થશે. પણ ખુશીથી માફ કરવાનો સૌથી મોટો ફાયદો તો એ છે કે યહોવા પિતા સાથેનો આપણો સંબંધ મજબૂત થશે.—કોલો. ૩:૧૨-૧૪. (w12-E 11/15)