સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ડાયાબિટીસ શું તમે એનાથી બચી શકો?

ડાયાબિટીસ શું તમે એનાથી બચી શકો?

છૂપો દુશ્મન ડાયાબિટીસ મેલાઈટસ ઝડપથી આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે. ડાયાબિટીસ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. ટાઈપ વન મોટા ભાગે બાળકોને થાય છે અને એને કઈ રીતે રોકવો એ વિશે ડૉક્ટરો હમણાં જાણતા નથી. ડાયાબિટીસના લગભગ નેવું ટકા દર્દીઓને ટાઈપ ટુ ડાયાબિટીસ હોય છે. આ લેખમાં એના વિશે ચર્ચા કરીશું.

પહેલાંના સમયમાં એવું માનવામાં આવતું કે મોટી ઉંમરના લોકોને જ ટાઈપ ટુ ડાયાબિટીસ થતો. પરંતુ, તાજેતરમાં જાણવા મળ્યું છે કે બાળકોને પણ એ થાય છે. તેમ છતાં, ડૉક્ટરોનું માનવું છે કે ટાઈપ ટુ ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકાય છે. આ છૂપી બીમારી વિશે થોડી જાણકારી તમારા માટે જરૂર ઉપયોગી બનશે. *

ડાયાબિટીસ એટલે શું?

લોહીમાં શર્કરા કે સુગરનું પ્રમાણ વધી જાય તો, એને ડાયાબિટીસ કહેવાય છે. સામાન્યપણે લોહીમાં રહેલી શર્કરા કે સુગર કોષોને શક્તિ પહોંચાડવાનું કામ કરે છે. પણ, આ બીમારીને લીધે આ પ્રક્રિયામાં ખલેલ પહોંચે છે. એનાથી મહત્ત્વના અંગોને નુકસાન પહોંચે છે અને યોગ્ય પ્રમાણમાં લોહી પહોંચતું નથી. તેમ જ, અમુક વખતે પગનો અંગૂઠો કે પગ કપાવવો પડે, અંધાપો આવી શકે અને કિડનીના રોગ થઈ શકે. ડાયાબિટીસના મોટા ભાગના દર્દીઓ હૃદયરોગના હુમલા કે લકવાને લીધે મરણ પામે છે.

ડાયાબિટીસ ટાઈપ ટુ થવાનું મુખ્ય કારણ વધુ પડતી ચરબી હોય શકે. ડૉક્ટરો માને છે કે પેટ અને કમર પર વધારે ચરબી હોય તો, ડાયાબિટીસ થવાનું જોખમ રહેલું છે. સ્પષ્ટ કહીએ તો પેન્ક્રિયાઝ કે સ્વાદુપિંડ અને લીવર પર વધારે ચરબી હોય તો, લોહીમાં રહેલી શર્કરાનું પ્રમાણ જળવાતું નથી. એ જોખમ ઘટાડવા તમે શું કરી શકો?

ડાયાબિટીસનું જોખમ ઘટાડવા ત્રણ પગલાં

૧. ડાયાબિટીસ છે કે નહિ એ જાણવા લોહીની તપાસ કરાવો. લોહીમાં શર્કરાનું પ્રમાણ જો સામાન્ય કરતાં થોડું વધારે હોય, તો આ સ્થિતિને ડૉક્ટરો પ્રિડાયાબિટીસ કહે છે. આ બંને સ્થિતિ નુકસાન કરે છે પણ થોડો તફાવત રહેલો છે. ડાયાબિટીસને કાબૂમાં રાખી શકાય છે પણ મટાડી શકાતું નથી. જ્યારે કે, પ્રિડાયાબિટીસના અમુક દર્દીઓ પોતાના લોહીમાં રહેલી શર્કરાના પ્રમાણને સામાન્ય કરી શક્યા છે. પ્રિડાયાબિટીસના કોઈ ખાસ લક્ષણો જોવા મળતાં નથી. તેથી એ પારખી શકાતો નથી. અહેવાલો બતાવે છે કે, આખી દુનિયામાં લગભગ ૩૧ કરોડ ૬૦ લાખ લોકોને પ્રિડાયાબિટીસ છે પણ, તેઓ એ વિશે જાણતા નથી. અમેરિકામાં, પ્રિડાયાબિટીસથી પીડાતા લગભગ ૯૦ ટકા લોકો પોતાની સ્થિતિ વિશે કશું જાણતા નથી.

એવું નથી કે પ્રિડાયાબિટીસ નુકસાન કરતું નથી. એ ટાઈપ ટુ ડાયાબિટીસ તરફ દોરી જતું હોવા છતાં, તાજેતરમાં જોવા મળ્યું છે કે એનાથી ડિમેન્શિયા એટલે કે યાદશક્તિ ગુમાવવાનું જોખમ વધી જાય છે. જો તમારું વજન સામાન્ય કરતાં વધારે હોય, બેઠાડું જીવન હોય અથવા કુટુંબમાં કોઈને ડાયાબિટીસ હોય તો, તમને પ્રિડાયાબિટીસ હોય શકે છે. બ્લડ ટેસ્ટ કરાવવાથી એની ખબર પડી શકે છે.

૨. પૌષ્ટિક ખોરાક લો. નીચે આપેલા અમુક સૂચનો પાળવાથી તમને ફાયદો થઈ શકે છે: પેટ ભરીને ખાવાને બદલે અમુક અમુક અંતરે થોડું થોડું ખાઓ. ખાંડવાળા જ્યુસ અને ઠંડા પીણાંને બદલે પાણી, ચા કે કૉફી પીઓ. મેંદાની બનેલી વસ્તુઓને બદલે આખા ધાન્યની રોટલી, ચોખા અને થોડા પ્રમાણમાં પાસ્તા લઈ શકો. ચરબી વગરનું માંસ, માછલી, કઠોળ, સીંગ, બદામ વગેરે ખાઈ શકો.

૩. કસરત કરો. કસરત કરવાથી લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટશે અને તમે તંદુરસ્ત રહેવા મદદ મળશે. એક ડૉક્ટર કહે છે કે ટીવી જોવાનું ઓછું કરીને એ સમયે કસરત કરી શકો.

તમે પોતાના જનીન કે જિન્સ બદલી શકતા નથી. પણ, જીવન જીવવાની ઢબ બદલી શકો છો. તંદુરસ્ત રહેવા પ્રયત્નો કરશો તો, તમને જ લાભ થશે. (g14-E 09)

^ ફકરો. 3 સજાગ બનો! જણાવતું નથી કે કેવો ખોરાક લેવો કે કેવી કસરત કરવી. દરેક વ્યક્તિએ તપાસ કરવી જોઈએ કે કયા ઉપાયો રહેલા છે અને ડૉક્ટરની સલાહ લીધા પછી સમજી વિચારીને નિર્ણય લેવો જોઈએ.