સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુખ્ય વિષય | આફત આવી પડે ત્યારે શું કરશો?

મોટી બીમારી થવી

મોટી બીમારી થવી

આર્જેન્ટિનામાં રહેતા મેબલબહેનનું જીવન ખૂબ વ્યસ્ત હતું. તે ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કામ કરતા હતાં. ૨૦૦૭માં તેમની તબિયત બગડવા લાગી. તે ખૂબ જ થાકી જતાં. તેમને રોજ માથું દુખતું. મેબલબહેન જણાવે છે, “મેં ઘણા ડૉક્ટરને બતાવ્યું અને ઘણી દવા કરાવી. પરંતુ, કોઈ ફાયદો ન થયો.” છેવટે, તેમણે એમ.આર.આઇ. કરાવ્યું. એ રિપોર્ટમાંથી જાણવા મળ્યું કે તેમના મગજમાં ગાંઠ છે. તે કહે છે: “એ સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. હું માની ન શકી કે, મને આટલી મોટી બીમારી થઈ છે.”

બહેન આગળ જણાવે છે કે, “ઑપરેશન પછી મને ખબર પડી કે મારી હાલત કેટલી ગંભીર છે. હોશમાં આવી ત્યારે, હું આઈસીયુમાં હતી. મારું હલનચલન બંધ થઈ ગયું હતું. તેથી, છત જોયા સિવાય હું બીજું કંઈ જ કરી ન શકતી. ઑપરેશન પહેલાં હું જાતે જ બધા કામ કરતી. પણ અચાનક બધું જ બદલાઈ ગયું. આઈસીયુમાં હતી ત્યારે, મેડિકલનાં સાધનોનાં અવાજ, ઇમર્જન્સી અલાર્મ અને દર્દીઓના સિસકારાથી હું બેચેન થઈ જતી. ચારેબાજુ દુઃખ-તકલીફો અને પીડા હતી.

“અમુક હદે મારી તબિયત સુધરી છે. હવે, હું જાતે ચાલી શકું છું અને કોઈ વખતે એકલી બહાર જઈ શકું છું. પરંતુ, મને બધું બબ્બે દેખાય છે અને હજી પણ બીજી તકલીફો છે.”

દુઃખદ બનાવનો સામનો કરવો

હંમેશાં સારું વિચારો. બાઇબલ જણાવે છે: ‘આનંદી હૃદય એ ઉત્તમ દવા છે; પણ ઘાયલ થયેલું મન હાડકાંને સૂકવી નાખે છે.’ (નીતિવચનો ૧૭:૨૨) મેબલબહેન યાદ કરતા કહે છે: “મારી તબિયત સુધરતી હતી ત્યારે, મેં પણ એવી જ તકલીફો સહી, જે મારા દર્દીઓ સહેતા હતા. કસરત કરવાથી મને બહુ દુખાવો થતો. ઘણી વાર થતું કે કસરત કરવાનું છોડી દઉં. આવા વિચારો મનમાંથી કાઢી નાખવા મેં ઘણી મહેનત કરી. મને ખબર હતી કે એમાં મારું જ ભલું છે.”

હિંમત ન હારવા આશા આપતાં વચનો પર વિચાર કરો. મેબલબહેન કહે છે: “બાઇબલમાંથી હું જાણી શકી કે, આપણાં પર દુઃખો કેમ આવે છે. હું એ પણ જાણું છું કે, થોડા જ વખતમાં બધાં દુઃખોનો અંત આવશે.” *

ઈશ્વરને આપણી ચિંતા છે. (૧ પીતર ૫:૭) એ હકીકત સ્વીકારવાથી મેબલબહેનને જે મદદ મળી એ વિશે તે જણાવે છે: “ઑપરેશન કરવા મને લઈ જતા હતા ત્યારે, યશાયા ૪૧:૧૦માં યહોવા ઈશ્વરે કહેલા આ શબ્દોનો મેં અનુભવ કર્યો: ‘તું બીશ મા, કેમ કે હું તારી સાથે છું.’ યહોવા મારી કાળજી રાખશે એ જાણીને મને ઘણી શાંતિ મળી.”

શું તમે જાણો છો? બાઇબલ જણાવે છે કે, એવો સમય આવશે જ્યારે કોઈ બીમાર પડશે જ નહિ.—યશાયા ૩૩:૨૪; ૩૫:૫, ૬. (g14-E 07)

^ ફકરો. 8 વધારે માહિતી માટે, પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૧૧ જુઓ. એ તમે www.dan124.com/gu પરથી ડાઉનલોડ કરી શકો.